કવિતા અને વિચારોની જુગલબંધી ધરાવતું એક મજાનું પુસ્તક એટલે હમતુમ ! હા, મૃગાંક શાહ અને અમીષા શાહ લીખીત આ પુસ્તક હમ (બન્ને લેખક) અને તુમ(વાચક) વચ્ચે જાણે એક મજાનો સેતુ રચી આપે છે. હા, બધા જ લેખ નવગુજરાત સમયમાં પ્રકાશીત થઇ ચુક્યા છે. પણ 40 લેખનું જે સિલેક્શન છે. તે કાબિલેદાદ છે. પ્રત્યેક પાને જાણે લેખક અને આપણા વચ્ચે સીધો જ સંવાદ હોય એવું લાગી ઉઠે છે. આપણી આસપાસના જ વિશ્વમાંથી ઉકેલાયેલી કે શોધાયેલી કે કસોટીની એરણ પર ચકાસાયેલી અનેક વાતો જાણે એવી રીતે નેરેટ કરી છે કે પ્રત્યેક વાત પોતિકી લાગી ઉઠે છે. આ વાતોમાં ક્યાંક કોઇક મજાની વાર્તા છે તો ક્યાંક મસ મોટી દેખાઇ ઉઠતી ફિલોસોફીનો નિચોડ છે. કોઇકના ક્વોટ છે તો દેશ-વિદેશની કહાવતો છે. આ બધાની વચ્ચે અનેક પુસ્તકો અને ફિલ્મોના મજાના રેફરન્સ છે. અરે, હા ફિલ્મી ગીતો છે - ગઝલો છે અને અનેક નઝમો છે. ટુંકમાં પ્રત્યેક પાને એક નહી અનેક પોઝિટીવ વાતો છે કે પછી કોઇક મજાનો પોઝિટીવ અભિગમ છે. સત્યને નિડર બનીને આલેખ્યું છે એનો અનેરો ગર્વ છે.
સાવ સરળ શબ્દોમાં મજાની ઘરની વાત છે. સંબંધની વાત છે. અને પાછી એમાં સંબંધની હૂંફાળપની કહાની છે. તો ક્યાંક સંબંધના નિભાવ પાછળ ત્યાગની તો ક્યાંક થેંક્સ ગિવીઇંગની વાત છે. દિવાળીના દિવસોમાં કબાટ સાફ કરવાની અમીષાબેનની પોતાની વાત હોય કે બીજી કોઇ વાત હોય એમનો એ દ્રષ્ટિકોણ વાંચતી વખતે પોતિકો થઇ ઉઠતો હોય છે. પ્રત્યેક વાત પાછળ ક્યાંક હ્યુમર છે તો ક્યાંક અનુભવ છે. જે રજુઆત છે એ આપણા જ ભાવવિશ્વની પહેચાન બનીને પડઘાય છે એવું સતત લાગ્યા કરે છે. પણ જ્યારે નથીંગ બાય ચાન્સ, ફિલોસોફી ઓફ ઇનફનેસ કે પછી આઇ એમ ફાઇન, જસ્ટ નોટ હેપ્પી ! જેવી વાત આવે છે ત્યારે કે પછી ઇટ્સ નોટ અબાઉટ ધ બાઇક કે ડૉટર ઓફ ઇસ્ટ ની વાત આવે છે ત્યારે એમના વિશાળ વાંચનનો પરિચય સહજપણે થઇ જતો હોય છે. જ્યારે નેટીકેટ્સ જેવા અનેક શબ્દ આવે છે ત્યારે એમનો નવી જનરેશન સાથે ફુલ્લી અપડેટ હોવાનો પરિચય પણ આપી જાય છે. અને આ બધાની વચ્ચે જ્યારે અમિષાબેન એમ કહે છે કે
“આપણે જીવનને આદત સમજીને જીવી નાખીએ છીએ.” .... ”આપણને સત્યપ્રિય માણસ કરતાં ‘સ્માર્ટ’ માણસ વધારે પસંદ આવે છે.”
“માર્ક્સના ચક્કરમાં ‘એન્જોયમેન્ટ ઓફ લર્નિંગ’ની આહુતી ચડે છે.” ત્યારે મન વિચારે ચડે છે. અને ઊંડા વિચારોમાં ગરકાવ થઇ જવાય છે.
બસ હવે વધારે નથી કહેવું – વાંચવું જ પડે એવું મજાનું પોઝિટીવીટીથી ભરપુર પુસ્તક એટલે હમતુમ ! સો ટકા વાંચવા જેવું અને વસાવવા જેવું મજાનું પુસ્તક ! હા, આ પુસ્તક તો સ્કૂલની લાઇબ્રેરીમાં પણ હોવું જોઇએ કારણ કે પ્રત્યેક વાત વાંચીને બાળકને એક પાંખ મળે એવો અહેસાસ પ્રત્યેક પાને પાને છે. કારણ કે પુસ્તકમાં અઢળક મજાના પ્રસંગ છે. વાતો છે. અને સહજ શૈલી છે. અને છેલ્લી વાત કે - હા, કાન્તિ ભટ્ટના પુસ્તક ચેતનાની ક્ષણે, ચેતનાની પળે કે ચેતનાને દ્વારે પુસ્તકમાં જેમ પ્રત્યેક લેખ એક કવિતા કે ક્વોટથી શરૂ થાય એમ આ પુસ્તકમાં પ્રત્યેક લેખ એક કવિતાથી શરૂ થાય છે જે મૃગાંક શાહની પોતાની છે અને જ્યારે લેખ વંચાઇ રહે છે ત્યારે એને લેખ ન રહેતા નિબંધ છે એમ કહી જવાનું મન થઇ ઉઠે છે. હા, એ અર્થમાં મારા માટે તો હમતુમ એ એક નિબંધ સંગ્રહ જ છે. મૃગાંક શાહ અને અમીષા શાહ બન્નેને આવું મજાનું પુસ્તક આપવા બદલ
અભિનંદન
અને હજુ આવું ઘણું મળતું જ રહે એ જ અભ્યર્થના !R. R. Seth દ્વારા પ્રકાશિત આ પુસ્તક નીચેની લિંક પરથી પણ મેળવી શકાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો