રવિવાર, 10 જાન્યુઆરી, 2021

રણ, વન અને દરિયો




અનેક પડવોનું સરનામું અને એનો સરવાળો એટલે જીવન ! પણ, પ્રત્યેક પળને કે પ્રત્યેક ક્ષણને કોઈ ફકીરી અદાથી કે બેફિકરાઈથી કે સાક્ષિભાવે જીવાય એ જીવનની સૌથી જીવંત ક્ષણો ! જીનનની આવી અનેક જીવંત ક્ષણોને માણીને એને શબ્દદેહ આપી ગુજરાતી સાહિત્યને એક અનોખો નિબંધ સંગ્રહ આપવાનું કામ રણકાંઠાના શિક્ષક રાકેશ પટેલે કર્યું છે. પોતાની જ કહાની અને પોતિકી સંવેદના થકી પ્રગટેલ મજાનો નિબંધ સંગ્રહ એટલે રણ, વન અને દરિયો. રણ, વન અને દરિયા સાથે વાતો છે અરે એમ કહો કે વાતોનો મનમેળ છે. અને છેલ્લા તો એમ જ કહેવું પડે કે માણસ જ રણઘેલો છે કે રણમય છે.
દરેક પાને કુદરત બોલે છે. અને એમાં કુદરત સાથે થયેલી નિખાલસ વાતો કે ચર્ચાના ટહુકા છે. આ ટહુકાઓમાં ભારોભાર સંવેદના છલકે છે ને હ્રદયની ભાષા છે. ગધ્ય પાને પાને પધ્યની જેમ જ વહી રહ્યું છે. શબ્દોની સંગત છે ને વિચારોની રંગત છે. અનેક અનુભવોનું આલેખન છે ને સહજ ચિત્રણની નિખાલસ રજૂઆત છે. તમે જ્યાં પણ છો ત્યાં તમારી તકલીફોને ભૂલો તો માણવા અને જાણવા જેવુ ઘણું છે એ વાતનો ક્યાંક મજાનો એકરાર છે. ખરા અર્થમાં જીવનની વાત છે ને ઠલવાઇ જવાની વાત છે. એવું લાગે જાણે પ્રકૃતિ અને માણસ વચ્ચે કોઈ ચોક્કસ Etiquets માં વાત ચાલી રહી છે. રણના ઘાસની અર્થછાયાઓમાં જાણે પોતાને શોધવા નીકળી પડ્યા છીએ અને વાંચનારને રણવાસી બનાવી મૂકે એવું આબેહૂબ વર્ણન !
આમતો મને કોઈ પુસ્તકની વાત કરતી વખતે એ જ પુસ્તકના શબ્દો લઈ એની રજૂઆત કરવી ગમતી નથી પણ આજે એ નિયમ તોડવો છે અને રણ, વન અને દરિયો ત્રણેયની મને સૌથી વધારે ગમી ગયેલ વાતો મૂકવી જ છે.
રણ : આકાશમાંથી સોનેરી તડકો રણમાં છલકાઇ રહ્યો છે. મોડી રાત સુધી જાગેલા રણની આંખોમાં હજી સવાર ફૂટી નથી. પંખીઓને પાંખો ફૂટી ગઈ છે. ને પાંખોમાં સૂરજને ભરી ઊંચે ઊંચે ઊડી રહ્યા છે. સોના જેવા પંખીઓના ટહુકા પહેરી પવન પણ ગણગણી રહ્યો છે. દૂર દૂર સુધી યાયાવર પંખીઓ તડકો ચરી રહ્યા છે. તડકામાં હૂંફ છે, ઉષ્મા છે – રણ જેવી ! રાતના ઠરી ગયેલા રણને તડકો જગાડી રહ્યો છે. માગશર માસના આ પાછલા દિવસોમાં તો સરહદ પારથી આવતા હિમ જેવા પવનોથી રણ ધ્રુજતું હોય...! તોય રણ તેના મહેમાનોની આગતા સ્વાગતામાં ક્યારેય પાછા પગલાં ભરતું નથી. સરહદો સુધી આવકારવા પહોંચી જાય છે રણ !
વન : રાત સુવા માથે છે. તેની આંખોમાંથી ઉજાગરાનું અંધારું ઝમી રહ્યું છે ! પણ હિંસક પશુઓ એને સુવા દેતા નથી. ને મોડી રાતના ધુમ્મસ ઊતરી આવે છે ને નેસડાઓ પાસે સળગતા અગ્નિને ઠારી નાખે છે, ત્યારે સિંહ ખુલ્લી છાતીએ મારણ કરવા નીકળે છે ! એનો પંજો ક્રૂર છે ! સાક્ષાત કાળ જેવો ! એમાંથી કોઈ બચી શકતું નથી, કોઈ છટકી શકતું નથી ! ને પછી જંગલ લોહીની વાસ ઓઢી પડ્યું પડ્યું કણસ્યાં કરે છે ! ને બીજી તરફ કાળ જેવા પંજામાથી છૂટવાના વ્યર્થ પ્રયત્નો કરતાં અબોલ પશુઓના ચિત્કારથી જંગલ નામનું પંખી ભીતરથી ફફડી ઊઠે છે, આક્રંદ કરી ઊઠે છે ! મોતનો ખૂની ખેલ જોતાં વૃક્ષો પણ રડી ઊઠે છે. પીગળી ઊઠે ! જંગલના પેટાળમાં આવા કઈ કેટલાઇ રહસ્યો ઘરબાઈને પડ્યા છે. રહસ્યો જો ખોલવામાં આવે તો એક એક યુગ જેટલા લાંબા નીકળે ! અહીં કઈ કેટલાય યુગો વીતી જાય છતાં રહસ્યો તો સાવ અકબંધ જ રહેવાના ! પૃથ્વીલોક પર આવા કેટલાય રહસ્યલોક જીવી રહ્યા છે ! ને આ જંગલ પણ કોઈ રહસ્ય લોકથી ઓછું નથી ! પોતાના સમયથી પહેલા આથમી ગયેલા જીવાત્માઓનું સાક્ષી છે આ જંગલ... ! પૃથ્વી પર ખેલાયેલા કેટલાય યુદ્ધોની જડીબુટ્ટી છે આ જંગલ...! તેથી જ આ જંગલ મારા માટે તો રહસ્યથી ભરપૂર છે ! જંગલના આ રહસ્યોને કોણ ઉકેલશે ? અને કોણ જંગલને તેના ભારમથી મુક્ત કરાવશે ? ચાલો, રાહ જોઈએ... કોઈ યુધ્ધની ! ના, ના ... કોઈ બુદ્ધની !
દરિયો : કેટલીય વખત હારવા છતાં, ખાલી હાથે પાછા ફરવા છતાંય આ માછીમારોમાં અદ્ભુત સાહસ છે, ધૈર્ય છે. ગમેતેવી વિકટ પરિસ્થિતીમાં ય દરિયા સામે ઝઝૂમે છે, બાથ ભીડે છે. પણ નિરાશ થયા વિના એક નવા દિવસની પ્રતિક્ષા કરતાં આ લોકો એની અલગ જ ધૂનમાં જીવતા હોય છે. વહેલી સવારે ચાર પાંચ વાગ્યે દરિયામાં નાવ હંકારી જાય, એની નક્કી કરેલી સીમાઓ સુધી વિસ્તરે, જાળ નાખી બેઠા રહે. પોતે જ પોતાના ધૈર્યની કાયમ કસોટી કર્યા કરે. ને જ્યારે તે ધૈર્યને અતિક્રમી જાય છે ત્યારે તેની નાવ ખુશીઓથી ભરાઇ જાય છે ! ને આંખોમાં એની સ્વપ્નાઓ દરિયાના મોજા પહેરી હિલ્લોળે ચઢે છે. બાળકોની થાળી સુંગંધથી છલકાશે... તૂટેલા રમકડાનું સ્થાન હવે નવા રમકડાં લેશે... ને એની આંખોના દરિયામાં ભરતી આવી ઊઠે છે. એની છલકો મને પણ ભીંજવે છે !
આટલું માણ્યા પછી ચોક્કસ કહેવું જ પડે કે રણની રેતીમાં જે મીરા અને રાધાના નૃત્યના ધ્વનિની ભાળ મેળવી જાણે એ રાકેશ પટેલ ! તો વળી, ન ગમતા વનમાં પણ સ્થિર થઈ જવાની વાત કરે એ રાકેશ પટેલ ! અને જે ધુમ્મસમાં નહાતા દરિયાને કોઈ યોગી જેવો ધીર ગંભીર જોઈ શકે એ રાકેશ પટેલ ! રાકેશ પટેલ સાચું કહું, પ્રત્યેક પ્રસંગ કે વાત શબ્દવિશ્વમાં એવી રીતે રજૂ થઈ છે કે વાચકને સાથે લઈ જાય એવું મજાનું આલેખન કર્યું છે. અદ્ભુત !!!! છેલ્લી વાત કહી દઉં કે રાકેશભાઈ આ પુસ્તક વાંચતી વખતે અનેક સમયે એવું લાગ્યું કે આ વાત આ રીતે તો શાળાના બાળકો સમક્ષ રજૂ થવી જ જોઈએ કારણ કે આવા શબ્દોના વર્ણન થકી જ એમને કોઈ પોતિકા ભાવવિશ્વને રજૂ કરવાની પ્રેરણા જાગશે !

મિત્ર,
Paras Kumar
નો ખુબ આભાર કે જામનગરથી આવું મજાનું પુસ્તક મોકલી આપ્યું!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો