બુધવાર, 16 સપ્ટેમ્બર, 2020

પૂજ્ય મામા-મામીને હૃદયાંજલી સહ ભાવાંજલી




પૂજ્ય મામા-મામીને હૃદયાંજલી સહ ભાવાંજલી
=====
મામાનું ઘર કેટલે ? દિવો બળે એટલે... પણ આજે એ ઘરનો દિવો ઓલવાઇ ગયો છે. બગથળાના એ ઘરમાં આજે સુનકાર છે. એક ખાલીપો છે. ધોળા દિવસે પણ ઘરમાં અંધકાર છે. કોરોનાનો કહેર આ ઘર સુધી પહોંચ્યો મામી એનો ભોગ બન્યા અને હજુ ગઇકાલે જ મામીએ સૌને અલવિદા કહ્યું. આ દુ:ખદ સમાચારને હજુ 18 કલાક પણ થયા નથી ત્યાં તો મામા આ દુનિયા છોડીને ચાલ્યા એ બીજા દુ:ખદ સમાચાર મળ્યા. અનેક ઉત્સવ અને પ્રંસંગોનું સાક્ષી એવું બગથળાનું આ ઘર આજે ખામોશ બનીને રહી ગયું ! આજે એવું લાગે છે કે જાણે એક વૈભવ ખરી પડ્યો !
હા, મામાનો પોતાનો એક વૈભવ હતો. સ્વમાની અને સંબોધોને સાચવી જાણનારા મામાને ત્યાં સમજણો થયો ત્યારથી દરેક વૅકેશન ગાળવા જતો અને અખૂટ પ્રેમ પામતો. નગર દરવાજામાં વાસણની દુકાનમાં બેસીને તોલમાપ સાથે ગણિતની ગણતરીઓ મંડાતી. અને બપોરે પેલો માવા ગુલ્ફીવાળો આવતો ત્યારે થળા પરનું ડ્રોવર ખુલતું અને મારા માટે ગુલ્ફી મંગાવાતી. તો સાંજે જ્યારે ગ્રીન ચોક પાસે પાન ખાવા મામા સાથે જતો ત્યારે કંઇકને કંઇક મળતું એ નફામાં રહેતું. અરે, મામા એટલે ખાવાના શોખીન ! ખાવામાં માત્ર સારું જ નહી, શ્રેષ્ઠ જ ખપે એવા મારા આ મામા ! વર્ષો પહેલા જ્યારે ઘરે કોઇ પ્રસંગ ઉજવાતા ત્યારે મોરબીથી ત્રીવેદી સ્વીટવાળા શ્રેષ્ઠ રસોઇયાને જ બોલાવવામાં આવતો અને આખું ગામ જમતું ત્યારે જાણે વટ પડી જતો એવું મને હંમેશા લાગતું. એમને બીજાને ખવડાવવામાં જે આનંદ મળતો એ શબ્દાતીત હતો. આવા તહેવારની જ્યારે પણ ઉજવણી જોતો ત્યારે મામા મને એક આયોજનના પર્યાય સમા દેખાતા. અને આ બધાની વચ્ચે જાતે મજાનું કંઇક બનાવી પણ જાણે ! મને બરાબર યાદ છે કે હું રાજશ્રી સાથે જ્યારે પહેલી વાર બગથળા ગયો ત્યારે મામાએ જાતે અમારે માટે લાડવા બનાવ્યા હતાં. તો હિરલ અને આશિષ પણ જ્યારે પહેલી વાર ગ્યા હતા ત્યારે પણ એ જ જલસા કરાવ્યા હતાં.
આજે પણ યાદ છે કે બગથળાના એ ઘરમાં પોતાના જ અનેક વાહનોનો જમાવડો થતો ! ત્રણેય ભાઇઓના અલગ વાહન અને મામાનું પોતાનું એ અલાયદું વાહન ! દરેક વાહન ચાર વર્ષે બદલી જ નાખવાનું અને બીજુ નવું જ લેવાનું એવા તો શોખીન જીવ ! ક્યારેક મામા સાથે એમનું સ્કુટર ચાલાવીને મોરબી જતો કે આવતો ત્યારે વાવડી હનુમાનજીનું મંદિર આવતું ત્યારે એક વડિલ તરીકે સલાહ આપતા - અચૂક હોર્ન મારવાનું કહેતા અને પાછા કહે કે હોર્ન મારીને નામ લઇ જ લેવાનું ! રાજદૂતના જમાનામાં એમના પાસે પોતાનું રાજદૂત હતું. આ એમનો અવલ્લ નંબરનો શોખ ! અનેક સફરો ખેડી- પ્રવાસો કર્યા અને ભારતનો ખૂણે ખૂણો ફરી વળ્યા. આ બધાની સાથે સાથે અનેક જગ્યાએ મજાની મહેફીલો કરી અને ખરા અર્થમાં ઉજાણી કરી જીવનને માણ્યું ! આ બધાની વચ્ચે જ્યારે કોઇ વારે-તહેવારે આખું કુટુંબ ભેગુ થાતું ત્યારે અનેક વખતે આ કુટુંબરૂપી વડલાને(મામા) હરખાતો જોતો ને ત્યારે અનેરો આનંદ થાતો. અને એમનામાં મને ખરા અર્થમાં એક બાગબાન જીવતો દેખાતો !
મને આજે પણ યાદ છે કે અનેક વખતે મને ખરીદી કરવા મામા સાથે લઇ જતા ત્યારે જે પણ લે -એ બધું જ ત્રણના ગુણાકારમાં જ લે અને છેલ્લે ત્રણેય દિકરાની ઘરે આપીને આવતાં. આ સીલસીલો હજુ પણ ચાલુ જ હતો એમ કહી જ શકાય. અરે, હું તો ત્યાં સુધી કહીશ કે પપ્પા જ્યારે પણ મોરબી કોઇ એક ભાઇની ઘરેથી એમને મળતાં ત્યારે અચૂક પૂછી ઉઠતા કે બીજા બે ઘરે જઇ આવ્યા કે નહીં. બસ, એમને મન બધા જ સરખા ! સ્વામન સાથે છેલ્લે સુધી બગથળા જ રહ્યા અને મનભરીને ખાધુ, કોઇ જ પરવા ન કરી. જીવનને છેલ્લે સુધી ભરપુર માણ્યું ! આવા સ્વમાની મામા પર મને અનેરો ગર્વ છે અને જીવનભર રહેશે જ ! આજે સતત એવું લાગી રહ્યું છે કે અસ્તિત્વને ઉત્સવ સમજી માણનારો એક જીવ ક્યાંક ખોવાયો છે. Miss you mama. Miss you mami. ભગવાન તમારા આત્માને શાંતિ આપે એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના.
ॐ त्र्य॑म्बकं यजामहे सु॒गन्धिं॑ पुष्टि॒वर्ध॑नम् ।
उ॒र्वा॒रु॒कमि॑व॒ बन्ध॑नान् मृ॒त्योर्मुक्षीय॒ मा ऽमृता॑त् ।
હજી 29 ઑગસ્ટે જ્યારે મામા- મામીને મળાયું ત્યારે મને એવી ઓછી ખબર હતી કે આ છેલ્લી મુલાકાત હશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો