મંગળવાર, 29 ડિસેમ્બર, 2020

માનવજાતને કાયમ માટે સમજણનો સેતુ રચી આપાતું અમોઘ શસ્ત્ર એટલે ભાષા !





મોટા ભાગના ભાષા શાસ્ત્રીઓ માને છે કે આશરે 50000 વર્ષ પહેલા જીભ ના માધ્યમથી માણસ જાતે બોલવાની શરૂઆત કરી હતી અને એ જ ભાષાનો ઉદ્ભવ. વર્ષો પહેલા કોઈ માનવે પોતાના મનની વાતને વ્યક્ત કરવા માટે જ્યારે અવાજનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું ત્યારે જ ભાષાનો ઉદ્ભવ થયો એવું માનવું રહ્યું. સમય વહેતો રહ્યો- પ્રદેશ બદલાતા રહ્યા અને આ અવાજ એના પ્રદેશ કે સ્થળ મુજબ અલગ અલગ ભાષામાં રૂપાંતરિત થતો રહ્યો. જયારે કોઈક જગ્યાએ  લાગણી, ભાવના, શક્યતા કે વિચાર વ્યક્ત થતા હોય છે ત્યારે ત્યાં હંમેશા ભાષાનું વિજ્ઞાન રજૂ થતું હોય છે. 

કલ્પનાને વાચા ફૂટે અને જે સર્જન થાય એ ભાષા ! ભાષા એટલે માણસજાતનું એવું સર્જન કે જ્યાં માનવ મનમાં આકાર પામેલી આકૃતિઓ કે વિચારો શબ્દના રૂપે સાર્થક થતાં હોય છે. કોઈ જાણકારી ને અર્થસભર રીતે રજુ કરવા જે માધ્યમનો ઉપયોગ થાય એ જ ભાષા ! જ્યારે કોઈની ઈચ્છાને, કોઇકના શોખને, કોઈકની લાગણીને કે કોઈકની ભાવનાને રજૂ કરવા જે માધ્યમ કામ લાગે એ જ ભાષા. 

ભાષા જ સંપર્કનો ખરો સેતુ છે, તો ઉચ્ચારણ માટેનું માધ્યમ છે. તો ભાષા જ માણસ જાતનું સૌથી ઉચ્ચકોટિનું સર્જન છે. કોઈક સાથેના સંપર્ક માટેનું જો કોઈ મહતવપૂર્ણ માધ્યમ હોય તો એ ભાષા છે. ભાષાએ સંપર્ક માટેનું માત્ર માધ્યમ જ નથી પણ વિચારોને રજૂ કરી નવી આર્થિક વ્યવસ્થા કે સાંસ્કૃતિક સંબંધો બનાવવા તરફની એક પહેલનું પણ મહત્વનું માધ્યમ છે. વિચારોની અભિવ્યક્તિ એ ભાષા છે. તો સામાની સમજણનો સેતુ અને અનુસંધાનનો દોર એ ભાષા છે. સંસ્કૃતિના અસ્તિત્વની  ખરી ઓળખ  ભાષા છે. તો વિચારોના પડઘમની ખરી સમૃદ્ધિ ભાષા છે. ભાષાનું સંપાદન ક્યાંક નવજાત બાળકના રડવાથી કે એના અસંતોષથી થતું હોય છે તો ક્યાંક વૃદ્ધના બોખા સ્મિતમાં ભાષાનો ઘંટારવ પડઘાતો હોય છે.

Oliver Wendell Holmes એ ખૂબ જ સરસ વાત કરી છે કે “Language is the blood of the soul into which thoughts run and out of which they grow.” તો વળી 1964 માં બર્નરે ખૂબ સરસ શબ્દોમાં કહ્યું કે Language is a cultural technique upon which the phylogenetic and ontogenetic development of human intelligence depends.

ભાષાનો પ્રભાવ એવો હોય છે કે એ સતત પ્રતિક્ષણ નવા શબ્દોનો ઓચ્છવ પામતી જ રહેતી હોય છે. અને તે ભાષાના સાહિત્યને બળવાન બનાવતુ જ હોય છે. આજકાલ તો કોઈક બીજી ભાષાનો નવો શબ્દ જાણી એને પોતાની ભાષામાં ઢાળીને કે સેટ કરીને બોલવાનો એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે, જે ક્યાંક મજાનો પણ લાગે છે.  

ભાષામાં બદલાવ આવે છે ક્યાથી ? તો જવાબ છે ઇન્ટરનેટ જેવા માધ્યમો થકી કે પછી જુદી ભાષાના લોકોના સપર્ક થકી ! એક સમયે તો ઓશોએ હિંદી ને રાષ્ટ્રભાષા ન બનાવવા માટે પણ કહ્યું હતું અને એના કારણ સ્વરૂપે જણાવ્યુ હતું કે ભાષાની આટલી મજાની વિવિધતા ધરાવતી ધરતીમાં એવું ન કરવામાં આવે તો આ બધી ભાષાઓના સમનવ્યમાંથી જ કોઈ એક નવી જ ભાષા ઉદભવશે જેનું આયુષ્ય ખૂબ જ લાંબુ હશે.... 

ભાષા હમેશા બદલાતી રહે છે અથવા રૂપાંતરણ પામતી રહે છે. કોઈ એક સમુહ કે એક જ સમૂહના જુદા પ્રદેશમાં પણ કોઈ એક ભાષા બદલાતી હોય છે. પેઢી દર પેઢી ઉચ્ચારોમાં ક્યાંક ને ક્યાક બદલાવ આવે જ છે. ક્યાંકથી કોઈક ભાષામાથી ઉછીના શબ્દો લેવાય છે તો ક્યાંક નવા શબ્દો શોધાય પણ છે. જૂના શબ્દોના બંધારણમાં કે એના વલણમાં ક્યાંક ફેરફાર થાય છે તો ક્યાંક નવું જ નામ કે નવો શબ્દ એનું સ્થાન લેતો હોય છે. ક્યાંક કોઈક ભાષામાં આ પ્રક્રિયા ફાસ્ટ હોય છે તો ક્યાક ધીમી ! પણ ભાષાનું રૂપાંતરણ એ ચોક્કસ અને પ્રતિક્ષણ આકાર પામતી ઘટના છે એ સ્વીકારવું રહ્યું.  અને છતાં દરેક ભાષાને પોતાનો એક અલગ ભૂતકાળ હોય છે અને એ જ રીતે દરેક ભાષાને પોતીકો વર્તમાન પણ હોય છે.  દરેક ભાષાને શબ્દોની સંગત ને સંસ્કૃતિની રંગત હોય છે સહજ અને સરળ એક્સપ્રેસન હોય છે. દરેક ભાષામાં એક લહેકો હોય છે ને ટહુકો હોય છે. ને પોતીકી સંગત હોય છે. ક્યાંક મંત્રોની ગુંજ હોય છે ને ક્યાંક ભજનની છોળો હોય છે. જ્યારે ઓછા શબ્દોમાં ઘણું વ્યક્ત થતું હોય છે ત્યારે ત્યાં શબ્દોનું ગણિત હોય છે એમાં પણ ભાષાનું જ પ્રભુત્વ !  જયારે ચિત્રો માં કંઈક રજુ થાય છે ત્યારે કોઈકનું મૌન બોલતું હોય છે એને  પણ ભાષાનો જ વૈભવ ગણવો રહ્યો. ક્યારેક કોઇકનું ડૂસકું અને હાસ્ય પણ કઈક કહી જાય તો એને પણ ભાષાનો કેકારવ જ ગણી શકાય. ક્યાંક સંગીતના લયની ભાષા એ જીવંતતાનો ખ્યાલ  છે તો પાણીના તરંગની પણ એક ભાષા છે.. ખળખળ વહેતુ જળ એ જાણે નદીની ભાષા છે. આ બધાની વચ્ચે જ્યારે કોઈ  ફૂલની સુંદરતા અને થોરના કાંટા માનવ મનને વિચારોના વમળમાં લઇ જાય ને ત્યારે એની વ્યક્તતામાં ક્યાંક ભાષાનો ઉદ્ભવ થતો હશે એમ માનવું રહ્યું. વિચારોની પણ એક ભાષા છે, ને સપનાઓની પણ કોઈક ચોક્કસ પોતીકી ભાષા  છે. આમ જોવા જઈએ તો આખું જીવન એક અલગ જ પરિભાષા છે.  જોકરની પણ એક ભાષા હોય છે અને ખરા અર્થમાં એના અભિનયનો ક્યાસ કાઢીએ તો એમાં પણ એક જીવતી ભાષા મળે. ભાષાના આ ક્યાસમાં ક્યાંક સમગ્ર જીવન એક નોન ઝીરો સમ ગેઇમ જેવુ લાગે છે. ક્યાંક નિર્વિકાર શૂન્યમાં કોઈ નાદ એ જ નાદબ્રહ્મનો નાદ હોય છે, અને એ જ ભાષાનું ખરું ગૌરીશિખર હોય છે. આ બધાની વચ્ચે જીવનમાં સુમધુર સંગીત ના લયમાં ભાષાનો કોલાહલ હોય છે તો ગીતના શબ્દોમાં એનો લાવણ્યકારી વૈભવ બોલતો હોય છે. 

નાટક એ ભાષાની એક આગવી શૈલી રજુ કરતુ સ્ટેજ છે તો કવિતા એ ભાષાનું હૃદય  છે. ગદ્ય એ ભાષાના સહારે રજુ થતું એક માર્મિક તાર્કિક કે પ્રાસંગિક વર્ણન છે.  તો શબ્દોને જ્યારે લયની સુંવાળપ સાંપડે ત્યારે ભાષાની કૂખે જે ઉદ્દવભવે એ ગઝલ ! વ્યાકરણ ભાષાનું મસ્તિસ્ક છે તો જોડણી એનું હૃદય છે. ભાષા તો એને પોતાના કોઈ મળે અને ખરો મલાજો જળવાય એ રીતે રજૂ થતી  હોય ત્યારે ખરા અર્થમાં ગર્વન્વિત થતી હોય છે અને એ જ એનો સૌથી સુંદર સમય ! તો આ બધાની વચ્ચે ભાષાનો ભૂતકાળ કાયમ એને ગર્વન્વિત કરતો હોય છે. પણ એનો વાર્તમાન કાયમ એને ખૂંચતો હોય છે. એને કાયમ એમ જ થાતું હોય છે કે એ ક્યાંક રોજે રોજ વર્ણશકંર બનતી જાય છે. કદાચ આને જ ભાષાનો સૌથી મોટો ડર ગણવો રહ્યો !  અને આ જ વાતને ક્યાંક ગુજરાતી ભાષા માટે કવિ મૃગાંક શાહે ખુબ જ સરસ રીતે રજૂ કરી છે.  

“બ્લ્યુ બ્લ્યુ સ્કાયમાં રેડ રેડ બર્ડી કરી રહ્યું છે ફ્લાઈ,
આટલુય ગુજરાતી આવડે છે અમને એ જ નથી નવાઈ ?

બીજાને ભલેને પોતાની માતૃભાષા માટે હોય ભારે પ્રાઈડ,
અમે ગુજરાતી હોવાની ઓળખ કરીએ છીએ હાઈડ.

કોઈ પણ ધોળિયાને અમે હોંશે હોંશે આપીએ રાઈડ,
બટકવાડાને બદલે અમને ભાવે છે પોટેટો ચિપ્સ ફ્રાઈડ.

ખોટું ઇંગ્લિશ બોલનારને અહી લોકો ગણે છે બ્રાઇટ,
એ માણસ તો એકદમ દેશી છે જે ગુજરાતી બોલે રાઇટ.

પૈસાની વાત આવે તો અમે ભેગા મળીને કરીએ ફાઇટ,
પણ માતૃભાષા મારવા બેઠી છે એને અમે લઈએ છીએ લાઇટ.

ચગે છે ને શું ફરક પડે છે, પતંગ હોય કે કાઇટ,
ફરક પડશે, આજે નહિ ને કાલે, એ ત્યારે હ્રદય કરશે બાઇટ.”

Arrival મૂવીમાં એક મજાનો ડાયલોગ આવે છે કે Language is the foundation of civilization. It is the glue that holds a people together. It is the first weapon drawn in a conflict. આ  પિક્ચર જોતી વખતે મનના એક ખૂણામાં વિચાર આવી જાય છે કે સદીઓથી એલિયન્સ સાથે કે બીજા દેશ સાથે વાત કરવા ક્યાંક ભાષાના અનુસંધાનની દુનિયાના દરેક ખૂણે પ્રતિક્ષણ શોધ રહી છે. અને આ શોધ પાછળ એ જ આશા કે- આ શોધ જ  વિશ્વના દરેક ખૂણે દરેક દેશમાં ક્યાંક ને ક્યાંક આજે પણ પ્રતિક્ષણ શ્વાસી રહી છે. અને આટલું વિચારું છું ત્યાં મનમાં બીજો વિચાર આવી જાય છે કે  જરૂરિયાત એ સંશોધનની જનેતા છે એના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ ભાષાથી વિશેષ બીજું  શું હોઇ શકે ! 

કોઈપણ ભાષાના વ્યાકરણને તો એ ભાષાના નિયમોનું ખરું વર્ણન કે એનું બંધારણ રજૂ કરતું કાયદાકીય પુસ્તક કહેવું રહ્યું. આ બધાની વચ્ચે જ્યારે વૈશ્વિક લેવલે વિચારવા બેસીએ ત્યારે યાદ આવે છે કે  વિશ્વમાં કુલ 6809 ભાષાઓ છે. જેમાંથી 90 % ભાષા એવી છે કે જેને બોલનારા લોકો 1 લાખ કરતાં પણ ઓછા છે. તો બીજી બાજુ 200 જેટલી ભાષા એવી છે કે જેને બોલનાર લોકોની સંખ્યા 10 લાખ કરતાં પણ વધુ છે. 357 ભાષા એવી છે કે જેને બોલનારા 50 કરતાં પણ ઓછા છે. તો બીજી બાજુ 46 ભાષા એવી છે કે જેને બોલનાર કે રજૂ કરનાર આખા વિશ્વમાં માત્ર એક જ વ્યક્તિ છે. 

આવી અનેક ભાષાનો ઇતિહાસ તપાસીએ તો જણાય કે કોરિયન ભાષા ઇસ. પૂર્વે 600 વર્ષ પહેલાની છે દુનિયામાં આ ભાષા બોલનાર 8 કરોડ લોકો છે. આ ભાષા પર ચાઈનીઝ ભાષાનું ઘણું પ્રભુત્વ જોવા મળે છે. તો પશ્ચિમોતર એશિયાની મુખ્ય ગણાતી ભાષા અરેબિક 1000 વર્ષ જૂની ગણાય છે. તો વળી, વિશ્વમાં સૌથી વધુ લોકો બોલી રહ્યા છે એવી ભાષા એટલે ચાઈનીઝ ભાષા. વિશ્વમાં 120-150 કરોડ લોકો આ ભાષા બોલી રહ્યા છે. આ ભાષા ઇસ. પૂર્વે 1200 વર્ષ પહેલાની એટલે કે 3200 વર્ષ જૂની છે. તો વળી, યુરોપની સૌથી પ્રાચીન ભાષા ગ્રીક ગણાય છે જે ઇસ. પૂર્વે 1450 માં આકાર પામેલી એટલે કે લગભગ 3500 વર્ષ જૂની ગણાય છે. જેની બોલીના મુખ્ય પ્રદેશ ગ્રીસ, અલ્બેનિયા, સાઈપ્રયસ ગણાય છે લગભગ 13 કરોડ લોકો આજે પણ આ ભાષા બોલી રહ્યા છે. દુનિયાની પ્રથમ ત્રણ પુરાણી ભાષાઑમાં ગ્રીકનો સમાવેશ થાય છે તો એ પણ ન ભૂલવું જોઈએ કે લેટિન ભાષા પ્રાચીન રોમન સામ્રાજ્યની મુખ્ય ભાષા ગણાતી અને આજે પણ રોમન કેથલિક ચર્ચ ની મુખ્ય ભાષા પણ લેટિન જ ગણાય છે તો આજે પણ વેટિકન સિટી ની મુખ્ય ભાષા લેટિન જ છે. લેટિન ને યાદ કરો અને હિબ્રૂ ને ભૂલી જાવ એ કેમ ચાલે ! હિબ્રૂ લગભગ 3000 વર્ષ જૂની ભાષા ગણાય છે. અને હિબ્રૂ આજે ઈજરાયલની મુખ્ય ભાષા ગણાય છે. એના નામશેષ થયાની ઘોષણા થાય બાદ ઈજરાયલી લોકોએ એને ફરીથી જીવતી કરી છે એ જ આ વિશ્વની સૌથી મોટી ઉપલબદ્ધિ ગણાવી રહી. Mandarin Chinese એ વિશ્વની સૌથી અઘરી ગણાતી ભાષા છે. તો ત્યાર બાદ ક્રમશ: અઘરી ગણાતી ભાષાઑમાં અરેબિક, જાપાનીસ, ,હંગેરિયન, કોરિયન પૉલિશ, રશિયન અને ટર્કીશ આવે છે. આ બધાની વચ્ચે દુનિયાની 20% વસ્તી અંગ્રેજી બોલી જાણે છે. તો 36 કરોડ લોકો એવા છે કે જેની માતૃભાષા અંગ્રેજી છે. તો 130 કરોડ કરતાં વધુ લોકો સમગ્ર વિશ્વમાં અગ્રેજી ભાષા બોલી જાણે છે. પપુઆ ન્યુ ગુએના એટલે વિશ્વનો એવો દેશ કે જ્યાં વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં અલગ અલગ ભાષા બોલાય છે. અહી જુદી જુદી 840 ભાષા બોલાય છે. તો બીજા નબરે 710 જુદી જુદી ભાષા સાથે ઈન્ડોનેશિયા આવે છે તો આફ્રિકાના નાઈજીરિયામાં 515 જુદી જુદી ભાષાઑ હજુ પણ જીવંત છે. તો વળી આ બધામાં ફ્રેંચ વિશ્વની સૌથી સુંદર ભાષાનું બિરુદપામેલ ભાષા છે. તો Norwegian, Swedish, Spanish, Dutch, Portuguese, Indonesian, Italian, French, Swahili જેવી ભાષાઑ સરળતાથી શિખતી ભાષાઑમાં સ્થાન પામે છે. દ્રવીડિયન ભાષાની શ્રુંખલમાં આવતી બધી ભાષાઓમાં તમિલ ભાષાએ વિશ્વની સૌથી પ્રાચીન ભાષા ગણાય છે. તો સંસ્કૃતને દેવભાષાનો દરરજો પ્રાપ્ત થયો છે. બધી જ યુરોપિયન ભાષાઓનું ઉદ્ગમસ્થાન સંસ્કૃત ને માનવામાં આવે છે. અરે દુનિયાની દરેક ભાષાનું ઉદ્ભવ સ્થાન સંસ્કૃત છે એમ કહીએ તો પણ કશું ખોટું નથી. અને એટલે જ આ ભાષા માટે કહેવાયું છે કે  
भाषासु मुख्या मधुरा, दिव्य गीर्वाण भारती |
तस्याम ही काव्यं मधुरम, तस्मा दपि सुभाषितम ||

ભાષા શાસ્ત્રમાં અને એના અભ્યાસને લઈને આ વિશ્વમાં અનેરા ખેડાણ થયા છે, ઐતિહાસિક દ્રષ્ટિએ કોઈ એક ભાષા બીજી કોઈ ભાષા સાથે કેવો સુમેળ ધરાવે છે- એ કઈ બીજી ભાષામાથી રૂપાંતરતીત થઈ છે એ વાતોને રજૂ કરતું એનું આખું એક શાસ્ત્ર વિકાસ પામ્યું છે. આજ-કાલ ભાષા પર જે સંશોધન ચાલી રહ્યા છે એને મુખ્ય બે ભાગમાં વહેચી શકાય. Synchronic Analysis અને Diachronic Analysis. માત્ર આટલેથી જ વાત અટકતી નથી. જ્યાં એક ભાષાનો બીજી એના જેવી જ ભાષા સાથે તુલનાત્મક અભ્યાસ થાય એવા ક્ષેત્રનો પણ વિકાસ થયો છે જેને comparative linguistics તરીકે ઓળખવમાં આવે છે. તો વળી કોઈ શબ્દ લઈ એના ઊંડાણ સુધી- એના ઉદભવથી લઈ એનામાં સંયતરે થયેલા ફેરફારોનો અભ્યાસ કરવાનું અને એને જાણવાનું જે શાસ્ત્ર છે એ Etymology કહેવાય છે. શબ્દોમાં થયેલા ફેરફારોને જાણવા માટે જે રીતનો ઉપયોગ થાય એને Philology કહે છે. જેમાં સ્વર અને ઉચ્ચાર કે પછી એક જ પ્રકારની પણ જુદી પડી આવતી ભાષાનો પણ અભ્યાસ થાય છે.

જે તે પ્રદેશના લોકોની બોલી કે કોઈ એક જુથ કે સમુદાયની ભાષાનો અભ્યાસ અને સંશોધન થાય એને Dialectology તરીકે ઓળખાય છે. કોઈ ભાષાના ચોક્કસ શબ્દો બોલવા સાથે થતાં શારીરિક ફેરફારો અને વર્તણૂકનો જ્યાં અભ્યાસ થાય છે એને Morphology કહે છે. જ્યાં ભાષાના બધારણનો અભ્યાસ થાય છે અને શબ્દોને જોડીને વાક્યો ઘડાય છે એનો જે અભ્યાસ છે એ Syntax કહેવાય છે. આમ ભાષાના અભ્યાસના અનેક ક્ષેત્રો ખૂલ્યા છે. આમ, ભાષાને જાળવવાના કે એના મૂળિયાં સુધી પહોચવાના અનેક આયમો આકાર પામ્યા છે એ મોટા ગર્વની વાત છે. 

Indo-Aryan ગ્રૂપમાં Indo-Iranian સભ્યતામાંથી Indo-European ભાષામાની એક ભાષા એટલે મારી પોતાની ભાષા ગુજરાતી. બીજી  Indo-Aryan ભાષાઓની જેમ જ ગુજરાતી પણ સંસ્કૃત ભાષામાથી ઉતારી આવી છે. અરે આ ભાષા એટલી તો સરળ છે કે જો તમને ખરેખર શીખવાનું પેશન છે તો તમે 15 થી 20 દિવસમાં શીખી શકશો. અરે, ઉર્દુ, સિંધી અને હિન્દી ભાષાના સમન્વય થકી જન્મેલ ભાષા એટલે ગુજરાતી. વિશ્વમાં સાડા 6 કરોડ કરતાં પણ વધુ લોકો ગુજરાતી બોલે છે. અરે સૌથી મોટી ખાસિયત તો એ છે કે ગુજરાતી ભાષાના સ્વર ગમે ત્યાં સ્વતંત્ર રીતે એકલા પણ લખી શકાય છે અને ઉપયોગ માં પણ લઈ શકાય છે. 

મને મારી માતૃભાષા ગુજરાતી ગમે છે કારણ કે દુનિયાના કોઇપણ ખૂણામાં બે ગુજરાતી ભેગા થઇને સહજતાથી ગુજરાતીમાં વાતો કરવા લાગે છે ત્યારે મને વિદેશમાં ગુજરાત ઉભુ થતું ભાષે છે. કેટલીય વખત ક્રિકેટમાં સ્ટંપની પાછળથી પાર્થિવ પટેલનો શુદ્ધ ગુજરાતી લહેકો સંભળાઇ જાય છે ત્યારે મને લાગે છે મારીભાષા અનેક સિમાડાઓ તોડીને સતત વિસ્તરે છે. જ્યારે પ્રધાનમંત્રી વિદેશમાં જઇને ડાયસ પરથી બધાને કેમ છો એમ કહીને ખબર અંતર પુછે છે અને પછી જે અવાજ આવે છે તે સાંભળું છું ત્યારે મને થાય છે કે મારી ભાષા હજુ ઘણી મઝલ કાપવાની છે. અરે હા.... જ્યારે હું થિયેટરમાં જાવું છું અને છેલ્લો દિવસ, ગુજ્જુભાઇ ધ ગ્રેટ, લવની ભવાઇ, સુપરસ્ટાર, ચલ મન જીતવા જઇએ જેવા અર્બન ગુજરાતી પિકચરોને જોવું છું ત્યારે હાશકારો થાય છે અને મન કહે છે હવે મને સારું છે. રેવા જેવા મજાનાં ગુજરાતી પિક્ચર જ્યારે આકાર પામે છે ત્યારે ભાષા અને સંસ્કૃતિનો એક અદ્ભુત સમનવ્ય આખી પ્રજા પામતી હોય છે. 

મને બિથોવનની સિમ્ફની ગમે છે. તો હું રિકીમાર્ટીન કે માઇકલ જેકસનને સાંભળું છું ત્યારે ઝુમી પણ ઉઠું છું પરંતુ જ્યારે જળકમળ છાંડી જા ને .... વાળુ પ્રભાતીયું સાંભળું છું ત્યારે હું એક અલગ જ ભાવવિશ્વમાં ખોવાઇ જાવું છું અને મને થાય છે કે આ પ્રભાતિયા જ મારી ભાષાને જીવતી રાખે છે. તો શિવજીનું હાલરડું સાંભળું છું ત્યારે શરીરમાં એક નવા જોમનો સંચાર થતો અનુભવાય છે. તો ક્યાંક ગુજરાતી ભજનો મને આગમના દોરી સંચાર જેવા લાગ્યા છે.  

નવરાત્રી કે લગ્નમાં  લાખો લોકોને જ્યારે હું ગરબાના તાલે રમતા જોવું છું ત્યારે મને એમ થાય છે કે મારી ભાષા હજી ઘણી લાંબી મઝલ કાપવાની છે. આસોની અમાસ પછી ઉગતા સૂર્યોદય સાથે લોકોને જ્યારે નૂતન વર્ષાભિનંદન કે સાલમુબારક કહી મળતા જોવું છે ત્યારે મને એમ થાય છે કે જ્યાં સુધી કારતકની પ્રભાત આવા શબ્દોથી થશે ત્યાં સુધી મારીભાષા વર્ષોના વર્ષ કુદાવતી રહેશે. છેલ્લા એક જ વાત કહી દઉં કે મને ઇમ્પ્રેસ શબ્દ કરતા સહજતામાં વધારે ઉંડાણ અનુભવાયું છે એટલે ઇડિયટ જેવા શબ્દો કરતા ઇસ્કોતરા જેવા શબ્દો સાથે જીવવાનું ફાવી ગયુ છે. કારણ કે ત્યાં સહજ સ્ફુરણા છે. બસ આવી સહજ સ્ફુરણા જ કદાચ વિશ્વની તમામ માતૃભાષાના આયુસ્યનું કારણ છે. વિદાય વેળાએ પણ આવજો (ફરીથી આવજો નો ટહુકાર કે ફરીથી મારા મહેમાન થાજો) ની જે  મીઠાશ છે એ મારી માતૃભાષા ગુજરાતી ! અને આ મીઠી મજાની ગુજરાતી માટે ખલીલ ધનતેજવી કહે છે એમ કે .....

“ વાત મારી જેને સમજાતી નથી, 
એ ગમે તે હોય ગુજરાતી નથી. “ 

 છેલ્લે એટલું જ કહીશ કે માત્ર ગુજરાતી જ નહી પણ વિશ્વની તમામ ભાષાઓને ક્યાંક નામશેષ થતી બચાવી લેવી એ પ્રયાસ જ નવી સદીનું સમણું હશે અને રહેશે. 
- અજિત કાલરિયા

ગુરુવાર, 10 ડિસેમ્બર, 2020

Happy Birthday Shaileshkaka and Nileshkaka.....(22/10/2020)

Happy Birthday Shaileshkaka and Nileshkaka,




ભલે હું હંમેશા આ બન્ને વ્યક્તિગત પાત્રોને કાકાના સંબંધનથી સંબોધતો હોવું, પણ વાસ્તવમાં બન્ને મારા કાકા-સસરા થાય ! અને છતાં એમની સાથે સમજણ અને સંબંધની ઊંચાઈ અનેરી ! ઉંમરમાં મારા કરતાં એક દશક જેટલા મોટા, પણ જીવન પ્રત્યેના અભિગમના દ્રષ્ટિકોણથી જોવા જઇએ તો next generationના જ વિચારો સાથે ચાલતા જોવા મળે.
બન્ને સામાજીક, વ્યવહારીક કે પરિસ્થિતીજન્ય સંજોગોમાં હંમેશા નિર્ણય લેવામાં પુરેપુરા પાવરફુલ. જાણે સફળતા સાંગોપાંગ ગમે ત્યાંથી આવીને કદમ ચૂમે જ એવો હંમેશા એમનો નિર્ણય હોય અને કદાચ એ જ એમની ખરી ઓળખ !
બન્નેમાંથી કોઇ એક સંબંધ સાચવે તો બીજો એ સંબંધની સુંવાળપને વધુ મજ્બૂત બનાવે એવી બન્નેની એકબીજા પ્રત્યે કંઇપણ બોલ્યા વગર કરેલ સમજૂતી ! વડોદરા હોય કે મોરબી શૈલેષકાકા કે નિલેશકાકાનું નામ એક આદર અને સફળ વ્યક્તિ તરીકે જ લેવાય એ જ એમની ખરી ઓળખ ! તો મારા જેવા અનેક માટે તો એ પ્રેરણાના સ્ત્રોત સમાન ! બન્નેના વિચારો સરખા જ ! જ્યારે જ્યારે એમને નજીકથી જાણ્યા અને માણ્યા છે ત્યારે અનેક સમયે એવું પણ બનતા જોયુ છે કે બન્નેના વિચાર કોઇ અલગ દિશામાં જાય છે પણ છેલ્લા કોઇ એક બાબત પર બન્નેના નિર્ણય સરખા જ આવે અને આમ કરતાં બન્ને વચ્ચે મજાનું ડિશ્કશન જામે અને આખો એક સચોટ નિર્ણય જાણે સામે હોય - જેમાં ભવિષ્યની જીતના પડઘમ સંભળાતા હોય ! બન્ને સૅન્સ-ઓફ-હ્યુમરથી ભરપુર તો વળી હાસ્યના કિમિયાગર, ક્યાંક નાની વાતમાં પણ હાસ્ય શોધી લે અને સામેવાળાને મજા કરાવી દે એવો એમનો સ્વભાવ !
ક્યાંક એમનું વિઝ્ન છલકતું દેખાય તો ક્યાંક એમની લાગણીમાં સામેનાનું દુ:ખ પોતિકું લાગી ઉઠે ! ક્યાંક બન્નેને જોઇને એવું લાગે કે જીવનરૂપી ડિક્શનરીમાં થાક નામના શબ્દને સ્થાન જ નથી ને ! ક્યાંક બન્નેમાં પરિવાર માટે અભિમાન છલકતું દેખાય તો ક્યાંક ચુપચાપ સહનશીલતાની મૂર્તિ બનીને સહન પણ કરી લે એ એમનો મુઠી ઉંચેરો સ્વભાવ ! સામેવાળાની સફળતા માટે ભોગ પણ આપી જાણે એ બન્નેનો સ્વભાવ (પોતાના પરિચયમાં છે એને માટે ઘસાઈ છૂટવામાં સહેજેય નાનપ નહી ને )! ઘસાઇ છુટવું અને સામેવાળાને જરૂર પડ્યે સાનમાં સમજાવી દેવું એ જાણે એમની આવડત.
એકનું દુ:ખ જાણે બીજાને પણ એટલું જ પોતિકું લાગે બન્ને એવા પરફેક્ટ ટ્વિન્સ ! કોઇ એકની જીત બીજાને પણ પોતિકી જ લાગે એવો બન્નેનો મજાનો સ્વભાવ ! પ્રત્યેક પળ જાણે કર્મમય બનીને જ જીવન વ્યતીત કરવાનું છે એવું જ એમના પ્રત્યેક દિવસની દિનચર્યા જોતા લાગે ! નિયમિતતા અને સ્વછતાના બન્ને આગ્રહી. શિષ્ત અને રૂટિન તો જાણે એમના પ્રત્યેક પળનો એક અભિન્ન ભાગ એ એમને જોતા જ સમજાઇ જાય અને છતાં નિખાલસ સરળતા એ બન્નેનો પ્રથમ ગુણ.
આ બધા વચ્ચે મને સૌથી વધુ સ્પર્શી ગયેલ વાત એટલે નાના જોડે નાનારે બની જાય અને મોટા વચ્ચે પીઢ બની પ્રભાવ પાથરે એ બન્નેનો પ્રભાવ. આવા whole hearted, visionary, ambitious, and down to earth personality સમા બન્ને કાકાને જન્મદિવસની અઢળક
શુભેચ્છાઓ
!
- અજીત કાલરિયા

સોમવાર, 9 નવેમ્બર, 2020

સુગંધનાં સરનામાં




નમસ્કાર કનુભાઇ આચાર્ય,

આપનું પુસ્તક સુગંધનાં સરનામાં એકી બેઠકે વાંચી જવાનું બન્યું. આપે ચિંધેલા સરનામાં તો જીવનપ્રેરક અને તિર્થસ્થાન સમા છે જ ! પણ સાથે સાથે એ કહેવાનું મન થાય કે આજે જ્યારે આખો સમાજ આર્થિક દોડની પાછળ દોડી રહ્યો છે અને જાણે એક મશીન બની ચુક્યો છે, એને ક્યાંક જગાડી મૂકે અને પથ્થર બની ગયેલા મનને ક્યાંક ઝીણી ધારે ભીંજવી પાડે એવું મજાનું આલેખન થયું છે. વાંચતાં વાંચતાં ક્યાંક આંખોના ખૂણા ભીના થઇ ઉઠે છે તો ક્યાંક એ મજાના પરબ ધામના સરનામે પહોંચી જવા મન ઘેલું થઇ ઊઠે છે. તમારા દરેક આલેખનમાં માત્ર વાત નથી. વાતની સાથે સાથે લાગણીનો રણકાર છે. સામેના ની વેદના કે વાત ને તમે બખૂબી પ્રમાણી છે - અને વધાવી છે એનો પુરાવો છે. તમારી દરેક વાતમાં સત્યનો રણકાર આપો આપ પ્રગટ થતો દિશે છે. તો ક્યાંક તમારું ઉચ્ચકક્ષાનું વાંચન અનેક શબ્દો દ્વારા પ્રગટ થતું દિશે છે. અંગ્રેજી ક્વોટ હોય કે કોઇ અંગ્રેજી શબ્દ કે કોઇ ઉપનિષદીય વાત કે ગીત-ગઝલ કે કિવતા તમારા બીજા આયામોનો પણ પરિચય આપી જાય છે. જે મારા જેવા અનેક વાચકોને લાગણીભીના, ભાવનાશીલ અને આધ્યાતમથી ભરેલા કનુભાઇનો પરિચય આપી જાય છે. સુગંધના સરનામાએ મને માત્ર પુસ્તિકા ન લાગતાં સમગ્ર પરિવાર સાથે દરેકે દરેક  તિર્થસ્થાને જઇ આવાવાનું નેવિગેટર લાગ્યું છે. અને હું આ સરનામાએ આજે નહી તો કાલે જરૂર પહોંચીશ જ એ નક્કી છે ! અંતમાં એટલું જ કહીશ કે સુગંધના સરનામા ક્યાંક હ્રદય પરિવર્તન કરી આપનાર કે કોઇ સહજ જીવને પોતાને વિચારો સાથે આગળ વધાવાનું ઇંધણ પુરુ પાડે એવું મજાનું પુસ્તક છે.

 

-    અજીત કાલરિયા

ગુરુવાર, 8 ઑક્ટોબર, 2020

Happy Birthday Mehul sir




Happy Birthday Mehul sir,
થ્રી ઇડિયટ મુવીમાં જોવા મળતા ફરહાન, રાજુ અને રેન્ચો જેવા અમે ત્રણ હું, ઓજસ અને નિલેશ F. Y. Bsc. નું ફેઈલનું રિઝલ્ટ લઈને મેહુલ સરના ક્લાસ Helix complex પર પહોંચ્યા. મેહુલ સરને મળ્યા અને કહ્યું સર અમારે ટ્યુશન આવવું છે. અને એક પીઢ શિક્ષકની અદાથી અમને થોડા પ્રશ્નો પણ પૂછી લીધા અને પછી કહ્યું, અલા તમે ફેઈલ કેમ થયા ! અમારો જવાબ એવો હતો કે સર અમે તો રખડી ખાધું !!!! અમને તો એમ જ કે કોલેજમાં તો એમ જ પાસ થઇ જવાય!!! અમને તો એમ જ કે, જાણે કોલેજ એટલે બાપનો બગીચો ! અમે એ ઉક્તિને સાચી પાડી રહ્યા હતા.... થોડું હસ્યાં અને પછી ભરપુર ભણ્યા.... મેહુલ સરનું ટ્યુશન ચાલ્યું - પરીક્ષા આવી અને છેલ્લે રિઝલ્ટ આવ્યું .... કેવું ખબર છે??????? ઓજસ તેરેદેસાઈ મેથ્સમાં ટોપર અને અજીત કાલરિયા સ્ટેટિસ્ટિક્સમાં ટોપર. અને એ પણ એવા માર્ક્સ સાથે કે આટલા માર્ક્સ તો પ્રથમ ટ્રાયલે પાસ થનારા પણ ન હોતા લાવી શક્યા..... !!! જાણે મુરજાયેલા પુષ્પો ફરી જાગી ઉઠ્યા....
પછી તો બીજા બે વર્ષ સર સાથે ભણ્યા અને નવું નવું ઘણું શિખાયું. આમ મારા જીવનમાં કોલેજકાળના શિક્ષકોમાં જેમનો પ્રભાવ રહ્યો છે એ બે શિક્ષકોમાંથી એક નામ એટલે મેહુલ મેહતા સર. આમ તો મારા જીવનના ઘડતરમાં સ્કૂલના શિક્ષકોનું અનેરું યોગદાન રહ્યું છે પણ એક શિક્ષક તરીકે જ્યારે પણ હું વિદ્યાર્થીઓ સમક્ષ પ્રસ્તુત થયો છું ત્યારે મારામાં કયાંકને કયાંક મેહુલ સરની અસર મેં સતત જોઈ જ છે-અનુભવી જ છે. પિરિયડ પત્યા પછી સરની જેમ હું પણ કાયમ વિદ્યાર્થીઓને Enjoy એમ કહી ઉઠતો ! તો કોઈક ચેપ્ટર પત્યા પછી ઇતિ સમાપ્ત: ...... જેવું વાક્ય બોલતો અને વિદ્યાર્થીઓ કંઈક આનંદ પામી મજાની સ્માઈલ આપી ઉઠતા !!!! ક્યાંક સરની જેમ જ બ્લેકબોર્ડ પાસે ઉલ્ટી ખુરશી કરી બેસી વિદ્યાર્થીઓને ઓબઝર્વ કરવાની મને મજા આવતી એટલે હું એમ કાયમ કરતો !!!! આટલું જ નહી નિખાલસ બનીને ઠલવાઇ જવાનુ અને જરૂર પડ્યે સ્માર્ટનેસ બતાવીને સીધો જ મેસેજ કેમ પહોંચાડાય એ હું સર પાસેથી શીખ્યો !!! મેં જોયેલા જુજ અપડેટેડ શિક્ષકોમાં એક એટલે મેહુલ સર ! જયારે ઇનકમીંગના પણ ફૂલ ચાર્જેબલ હતું ત્યારે સર મોબાઈલ ફોન વાપરતા હતાં. હજુ પણ સમયાંતરે જયારે પણ સરને મળવાનું બને છે ત્યારે આનંદ જ આનંદ હોય છે. બાકી એ સમયે કરેલ ફંક્શન હોય કે જય અંબે ના દાલવડા કે જનતાનો આઈસ્ક્રીમ કે મિલ્કશેકની પાર્ટી બધુ જ યાદ છે...
આમ મેહુલ મેહતા સરનો પ્રભાવ મારા જીવન પર અનેરો છે જ અને રહેશે જ ! રાજશ્રી પણ સર પાસે જ ભણી ! આમ અમે બન્ને પાછા સરના સ્ટુડન્ટ ! પોઝીટીવીટીથી ભરેલ સહજ વ્યક્તિત્વ સામા મેહુલ સર માટે એટલું જ કહીશ કે
I have been taught by so many teachers, but amongst them all you made the greatest impact by not only teaching by guiding us too. Once again Happy birthday Mehul sir.

બુધવાર, 16 સપ્ટેમ્બર, 2020

પૂજ્ય મામા-મામીને હૃદયાંજલી સહ ભાવાંજલી




પૂજ્ય મામા-મામીને હૃદયાંજલી સહ ભાવાંજલી
=====
મામાનું ઘર કેટલે ? દિવો બળે એટલે... પણ આજે એ ઘરનો દિવો ઓલવાઇ ગયો છે. બગથળાના એ ઘરમાં આજે સુનકાર છે. એક ખાલીપો છે. ધોળા દિવસે પણ ઘરમાં અંધકાર છે. કોરોનાનો કહેર આ ઘર સુધી પહોંચ્યો મામી એનો ભોગ બન્યા અને હજુ ગઇકાલે જ મામીએ સૌને અલવિદા કહ્યું. આ દુ:ખદ સમાચારને હજુ 18 કલાક પણ થયા નથી ત્યાં તો મામા આ દુનિયા છોડીને ચાલ્યા એ બીજા દુ:ખદ સમાચાર મળ્યા. અનેક ઉત્સવ અને પ્રંસંગોનું સાક્ષી એવું બગથળાનું આ ઘર આજે ખામોશ બનીને રહી ગયું ! આજે એવું લાગે છે કે જાણે એક વૈભવ ખરી પડ્યો !
હા, મામાનો પોતાનો એક વૈભવ હતો. સ્વમાની અને સંબોધોને સાચવી જાણનારા મામાને ત્યાં સમજણો થયો ત્યારથી દરેક વૅકેશન ગાળવા જતો અને અખૂટ પ્રેમ પામતો. નગર દરવાજામાં વાસણની દુકાનમાં બેસીને તોલમાપ સાથે ગણિતની ગણતરીઓ મંડાતી. અને બપોરે પેલો માવા ગુલ્ફીવાળો આવતો ત્યારે થળા પરનું ડ્રોવર ખુલતું અને મારા માટે ગુલ્ફી મંગાવાતી. તો સાંજે જ્યારે ગ્રીન ચોક પાસે પાન ખાવા મામા સાથે જતો ત્યારે કંઇકને કંઇક મળતું એ નફામાં રહેતું. અરે, મામા એટલે ખાવાના શોખીન ! ખાવામાં માત્ર સારું જ નહી, શ્રેષ્ઠ જ ખપે એવા મારા આ મામા ! વર્ષો પહેલા જ્યારે ઘરે કોઇ પ્રસંગ ઉજવાતા ત્યારે મોરબીથી ત્રીવેદી સ્વીટવાળા શ્રેષ્ઠ રસોઇયાને જ બોલાવવામાં આવતો અને આખું ગામ જમતું ત્યારે જાણે વટ પડી જતો એવું મને હંમેશા લાગતું. એમને બીજાને ખવડાવવામાં જે આનંદ મળતો એ શબ્દાતીત હતો. આવા તહેવારની જ્યારે પણ ઉજવણી જોતો ત્યારે મામા મને એક આયોજનના પર્યાય સમા દેખાતા. અને આ બધાની વચ્ચે જાતે મજાનું કંઇક બનાવી પણ જાણે ! મને બરાબર યાદ છે કે હું રાજશ્રી સાથે જ્યારે પહેલી વાર બગથળા ગયો ત્યારે મામાએ જાતે અમારે માટે લાડવા બનાવ્યા હતાં. તો હિરલ અને આશિષ પણ જ્યારે પહેલી વાર ગ્યા હતા ત્યારે પણ એ જ જલસા કરાવ્યા હતાં.
આજે પણ યાદ છે કે બગથળાના એ ઘરમાં પોતાના જ અનેક વાહનોનો જમાવડો થતો ! ત્રણેય ભાઇઓના અલગ વાહન અને મામાનું પોતાનું એ અલાયદું વાહન ! દરેક વાહન ચાર વર્ષે બદલી જ નાખવાનું અને બીજુ નવું જ લેવાનું એવા તો શોખીન જીવ ! ક્યારેક મામા સાથે એમનું સ્કુટર ચાલાવીને મોરબી જતો કે આવતો ત્યારે વાવડી હનુમાનજીનું મંદિર આવતું ત્યારે એક વડિલ તરીકે સલાહ આપતા - અચૂક હોર્ન મારવાનું કહેતા અને પાછા કહે કે હોર્ન મારીને નામ લઇ જ લેવાનું ! રાજદૂતના જમાનામાં એમના પાસે પોતાનું રાજદૂત હતું. આ એમનો અવલ્લ નંબરનો શોખ ! અનેક સફરો ખેડી- પ્રવાસો કર્યા અને ભારતનો ખૂણે ખૂણો ફરી વળ્યા. આ બધાની સાથે સાથે અનેક જગ્યાએ મજાની મહેફીલો કરી અને ખરા અર્થમાં ઉજાણી કરી જીવનને માણ્યું ! આ બધાની વચ્ચે જ્યારે કોઇ વારે-તહેવારે આખું કુટુંબ ભેગુ થાતું ત્યારે અનેક વખતે આ કુટુંબરૂપી વડલાને(મામા) હરખાતો જોતો ને ત્યારે અનેરો આનંદ થાતો. અને એમનામાં મને ખરા અર્થમાં એક બાગબાન જીવતો દેખાતો !
મને આજે પણ યાદ છે કે અનેક વખતે મને ખરીદી કરવા મામા સાથે લઇ જતા ત્યારે જે પણ લે -એ બધું જ ત્રણના ગુણાકારમાં જ લે અને છેલ્લે ત્રણેય દિકરાની ઘરે આપીને આવતાં. આ સીલસીલો હજુ પણ ચાલુ જ હતો એમ કહી જ શકાય. અરે, હું તો ત્યાં સુધી કહીશ કે પપ્પા જ્યારે પણ મોરબી કોઇ એક ભાઇની ઘરેથી એમને મળતાં ત્યારે અચૂક પૂછી ઉઠતા કે બીજા બે ઘરે જઇ આવ્યા કે નહીં. બસ, એમને મન બધા જ સરખા ! સ્વામન સાથે છેલ્લે સુધી બગથળા જ રહ્યા અને મનભરીને ખાધુ, કોઇ જ પરવા ન કરી. જીવનને છેલ્લે સુધી ભરપુર માણ્યું ! આવા સ્વમાની મામા પર મને અનેરો ગર્વ છે અને જીવનભર રહેશે જ ! આજે સતત એવું લાગી રહ્યું છે કે અસ્તિત્વને ઉત્સવ સમજી માણનારો એક જીવ ક્યાંક ખોવાયો છે. Miss you mama. Miss you mami. ભગવાન તમારા આત્માને શાંતિ આપે એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના.
ॐ त्र्य॑म्बकं यजामहे सु॒गन्धिं॑ पुष्टि॒वर्ध॑नम् ।
उ॒र्वा॒रु॒कमि॑व॒ बन्ध॑नान् मृ॒त्योर्मुक्षीय॒ मा ऽमृता॑त् ।
હજી 29 ઑગસ્ટે જ્યારે મામા- મામીને મળાયું ત્યારે મને એવી ઓછી ખબર હતી કે આ છેલ્લી મુલાકાત હશે.

સોમવાર, 7 સપ્ટેમ્બર, 2020

Happy Birthday my dear wife - Rajshree


પ્રિય રાજશ્રી,

પાકિસ્તાની શાયર પરવીના શાકિરના શબ્દોમાં તને વર્ણવી હોય તો કહી શકાય કે

“અક્સ-એ-ખુશ્બુ હું બિખરને સે ન રોકે કોઇ, 
ઔર ફિર બિખરું તો મુઝ કો ન સમેટે કોઇ.”

હા, ફેલાઇ જવા – ફેલાઇને ભળી જવા જ સર્જાઇ હોય એવું તારું આ અદભુત વ્યક્તિત્વ. પહેલી નજરમાં શાંત દેખાઇ ઉઠતા વ્યક્તિત્વ પાછળ રહેલી ચંચળ અને બાળસહજ રાજશ્રીને માણવાની જે મજા છે એ શબ્દાતીત છે. તારા સ્વભાવની સૌથી સહજ અને કોઇને પણ સ્પર્શી જતી બાજુ એટલે તારી નિખાલસતા. શ્રેષ્ઠતમને જ પસંદ કરવું એ જાણે તારી જન્મજત આવડત. આ બધાની વચ્ચે ક્યાંક તું મને સતત અપડેશનનો પર્યાય લાગી છો તો ક્યાંક એક કેરિંગ મા પણ લાગી છો. કંજને તે બધી જ રીતે કેળવ્યો છે એનો મને અનેરો ગર્વ છે અને કાયમ માટે રહેશે જ ! તારા દરેક શોખ તને એક ગરીમા બક્ષનારા લાગ્યા છે. તો તારી ડ્રેસિંગ સેન્સનો તો માત્ર હું જ નહી પણ તને ઓળખનારા લગભગ બધા જ દિવાના ! ક્યાંક તારામાં સેન્સ ઓફ હ્યુમર છલકતી દિશે તો ક્યાંક ક્રિયેટીવીટીથી ભરપુર અનેક વિચાર દેખા દે, ક્યાંક કોન્ફિડન્સથી ભરપુર વ્યક્તિત્વ દેખાય તો ક્યાંક મોજનો દરિયો બની બિંદાસ રહે એવું વ્યક્તિત્વ, ક્યાંક તારામાં પરફેક્શન બોલે તો ક્યાંક  ઓફબીટ  વિચાર પ્રગતો દિશે, ક્યાંક પોતાના જણાતા દરેક માટે લાગણી કશું જ બોલ્યા વગર વ્યક્ત કરી આપે તો ક્યાંક કોઇને પણ પોતાના પણાનો અહેસાસ કરાવી જાય એવું અદભુત ફ્યુઝન એટલે રાજશ્રી. તારા માટે એક જ વાક્યમાં કંઇ કહેવું હોય તો કહી શકાય કે તને માણવા અને જાણવા માટે કદાચ આ આખો જન્મારો ઓછો જ પડે ! જો હજુ ઓછા શબ્દોમાં કંઇક મજાનું કહેવું હોય તો મારા માટે તું પ્રેમનો પર્યાય અને શબ્દાતીત વ્યક્તિત્વ !

સેન્સ ઓફ હ્યુમર સાથે સરળતાના પડઘમ પાડી શકે એ રાજશ્રી. કોઇપણ કામ જો દિલો-ઓ-જાનથી કરે તો એને ચાર ચાંદ લાગે જ એ તારો વટ ! પછી ભલે ને એ રસોઇ હોય કે સંગીતની મહેફિલ. હા, એટલું તો ચોક્ક્સ કે દરેક બાબતની સૅન્સ પારખી લેવાની તારી આવડત કાબીલેદાદ છે.

ક્યારેક તારો ખોટો ખોટો કોન્ફિડન્સ પણ સામે વાળાને ડરામણો લાગે એવું તારું Dashing વ્યક્તિત્વ ! એમ પણ તું Danger છો જ ને !

આપણા બન્નેનો મજાનો પડાવ એટલે એ જ આણંદ, વિદ્યાનગર, સિંધરોટ કે સુખીડેમ બાજુ ફરવા એમ જ નિકળી પડવાનું કે પછી લોંગ ડ્રાઇવ પર એમ જ ચાલી નિકળવાનું કે પછી કોઇ નવી જ ખુલેલી હોટલમાં જઇ આવવાનું અને અમથું અમથું પણ રીસાઇ જવાનું ને પાછું ફરીથી એ જ મસ્તીમાં બોલી ઉઠવાનું એ જે દિવસો છે એ કાયમનો મજાનો ખજાનો છે. જીવનમાં મેળવેલું સાચું ધન છે. બસ આવા જ મોજ મસ્તી ભરેલા દિવસો આવ્યા કરે એ જ અભ્યર્થના. બાકી એમ જ વરસાદમાં પલળવું અને ભીની માટીની સુગંધથી એને ખાવા દોડવું એ નિર્દોશતાનો હું ચાહક છું. કંઇક નવું બનાવીને કે ક્રિયેટ કરીને વખાણ માટે તૈયાર રહેવું અને હું જાણી જોઇને કશું જ ન બોલું ને તારું ગુસ્સે થાવું અને બોલવું કે ગામ આખાના વખાણ કરો છો ને મારું કંઇ જ નહી ! અરે, ગાંડી હું મારા જ વખાણ કરું એ તો ખરાબ કહેવાય ને!!! તું અને હું ક્યાં જુદા છીએ !!! બોલ હવે કંઇ કહેવું છે .... મને ખબર છે કહીશ જ .... કે .... તો પણ વખાણ તો કરવાના જ કારણ કે મારા શબ્દોમાં તું તો કંજ કરતા પણ નાની જ છો ને !!! જે હોય તે આ બધામાં જે મજા છે ને એ જ સાચી મજા ને મજાની જીંદગી ! એ જ તો માણવાનું ને આગળ વધવાનું !!!  ચાલ આ જ વાતને વ્યક્ત કરતી કવિ તુષાર શુક્લના શબ્દોમાં એમણે રચેલી કવિતા તને કહું....

"એકબીજાને સાદ દઇને 
એકમેકમાં ઢળી જવાનું 
એકબીજાની પાસે વહેતાં 
એકબીજામાં ભળી જવાનું 
એ સુખનું નામ છું હું 
ને એનું સરનામું છે તું.

મનગમતું એક ફૂલ થઇને 
એકમેકમાં મ્હેકી રહેવું, 
મદીલ સ્પર્શનો ઘૂંટ ભરીને 
રોમરોમથી બહેકી રહેવું 
અધૂરપ કેરી મધૂરપ લઇને 
એકમેકમાં મળી જવાનું સુખ 
એ સુખનું નામ છે તું 
ને એનું સરનામું છું હું.

સુખની કલમ લઇને આપણે 
સુખના કાગળ માંહે લખવું 
સુખની આંખે સુખની પાંખે 
સુખના આભે સાથે ઉડવું 
અનુકુળ જન્માક્ષરવા જેવું 
એકમેકને ફળી જવાનું સુખ
એ સુખનું નામ છું હું 
ને એનું સરનામું છે તું." 

 

જીવનરૂપી સફરમાં નિકળી તો પડ્યો છું પણ દરેક ડગલે તારા શ્વાસના હાંફની મને એટલી જ જરૂરી છે જે મને પ્રતિક્ષણ યાદ અપાવતી રહે કે તું મારી સાથે જ છો એટલે અજીત દોડ્યે જા...  !!!

 

અને છેલ્લે તને Joanna Fuchs ની કવિતા સાથે Happy Birthday.


Another year has passed for you, sweetheart;
It’s time to cut the cake and celebrate.
And once again, my love, I start to think
Of things about you I appreciate.

 

It means so much to have you in my life;
your loving care fills up my days with pleasure.
your warm and giving nature helps create
close, special times together that I treasure.

 

I live within a safe and steady world,
Because you love me unconditionally.
your easy going ways mean that I’m blessed
with peace and joy and blissful harmony.

 

To me your birthday is a precious day;
I hope it brings you joy in every way.


Once again Happy Birthday Rajshree.

 

 

 

 



શનિવાર, 5 સપ્ટેમ્બર, 2020

આત્મનિર્ભર શિક્ષકત્વ - Happy Teacher's Day (Speech)




આજે જ્યારે દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આજે આ દેશના શિક્ષકના અત્મનિર્ભર શિક્ષકત્વની વાત કરવી છે. 2020નું આ વર્ષ આમ તો પોણી મઝલ અને શિક્ષણ ક્ષેત્રમાં અડધી મઝલ કાપી ચુક્યુ છે અને છતાં પણ ત્યાંને ત્યાં જ ઊભું હોય એવું લાગી રહ્યું છે. આખો healthcare staff, Security staff કે આખો Protective staff ને Covid-19ના કહેરમાં frontline worriers ના બિરૂદ આપી ભરપૂર વખાણ કરાયા... સાચું જ છે અને થવું જ જોઇએ. પણ ક્યાંક કોઇક ચોક્ક્સ ભુલાયું છે. એનો અફસોસ છે.

Every House a school, Every parents a teacher. આ વાક્ય Covid-19ના લોકડાઉનના સમયમાં ખુબ જ ચગ્યું પણ લોકડાઉનના પ્રથમ બે ચરણમાં જ 24 કલાક સાથે રહીને અને ક્યાંક વધારે નવું ન પીરસી શકવાના કરણે બધા જ હાંફી રહ્યા,  તરત જ સ્કૂલ ચાલુ થાય એની કે ઓનલાઇન શિક્ષણ ચાલુ થાય એની બૂમો પડવા લાગી ! અને આજે પણ અનેક ખૂણે ફરીથી સ્કૂલ જલ્દી ચાલું થઇ જાય એના અથાક પ્રયત્નો થઇ જ રહ્યા છે શું જલ્દી છે એ સમજાતું નથી ???

આ બધાની વચ્ચે એ હકિકત  યાદ આવી કે ભાષા ભણાવતા શિક્ષકને કે ગણિત કે વિજ્ઞાન ભણાવતા શિક્ષકને કે સમાજવિદ્યા ભણાવતા શિક્ષકને કદી રેગ્યુલર દિવસોમાં કોમ્પ્યુટર રૂમમાં જવા દેવામાં ન આવતા હોય....સમજોને કે એમનો ક્લાસરૂમ નથી જ એમ જ મનાતું હોય.....અને  એમને કોઇપણ જાતની આર્ગ્યુમેન્ટ વગર કોઇપણ જાતની ટ્રેઇનિંગ વગર ઓનલાઇન શિક્ષણ ચાલુ કરવાનું ફરમાન રાતો-રાત છૂટે ! અને એ બાપડો શિક્ષક ચુપચાપ પ્રયત્નો કરે કોઇકની મદદ લઇને શીખે અને ભૂલો કરીને પણ એકાદ દિવસમાં ખરો માસ્ટર બની જાય અને વિદ્યાર્થીઓને ભણાવવાનું ચાલું કરે !!! અને સબિત કરે કે Yesterday’s luxuries become today’s necessity. બાકી આ જ મોબાઇલમાં કંઇ કેટલાય અરજન્ટ ફોન કેટલીય વખત આવ્યા જ હતાં પણ સ્ટ્રીકનેશના કારણે કે એક ફરજ ગણીને ચાલુ ક્લાસે નથી જ ઉપાડ્યા.(એવું અનેક સમયે બન્યું જ છે) પણ આ બધું જ બાજુ પર મુકી ને શિક્ષક તૈયાર થયો....  શા માટે ખબર છે?   કારણ કે એનામાં ભારોભાર જીવંત શિક્ષકત્વ જીવે છે.... એટલા માટે કે એના શિક્ષણમાં એનામાં રહેલા જીવંત શિક્ષકત્વમાં સતત એક લાગણી-ભાવના અને મજાનો સૉફ્ટ કોર્નર એના વિદ્યાર્થી માટે છે એને ફરીથી વાચા આપવા એ સતત તડપતો હતો ! એને એના બાળકોની સતત ચિંતા હતી. તો આ Covid-19ના સમયમાં કોઇએ જેનો જરા જેટલો પણ આભાર નથી માન્યો અને માત્ર એની serviceનો લાભ જ લીધો છે એવા backstageમાં સતત લડી રહેલા અને છતાં હસ્તાં મોઢે કામ કરી રહેલા  backstage worriers સમા દરેક  teacherને એક Thank you સાથે Happy teacher’s Day.

 

હું મારી જ વાત કરું તો મારા જીવનમાં મેં મારી કારકિર્દી એક શિક્ષક તરીકે જ કરી હતી. આજે જે શિક્ષકો સમક્ષ હું બોલી રહ્યો છું એ જ સ્કૂલના અનેક શિક્ષકોના હાથ નીચે હું ભણ્યો છું. અરે ભણ્યો છું એમ કહીશ તો હું અન્યાય કરી બેસીસ કારણ કે દિલીપ મહેતા કે જે.ડી. પટેલ જેવા શિક્ષકોએ મને ઘડ્યો છે મને કંડાર્યો છે. S.B. Solanki sir, Suvarna madam, Jagruti madam, Jorubha Khachar sir જેવા અનેક વિષયના નિષ્ણાંત શિક્ષકોની આખી વણઝાર મને મળી છે એનો ગર્વ છે. તો આજે સવારે જ સામેથી માધવસિંહ રાણા સરનો ફોન આવે અને મારા પર ગર્વ લે કે અજીત તારા જેવા વિદ્યાર્થી અમને મળ્યા એ આનંદ છે મારે સામે કહેવું પડે કે એને કંડારનાર શિક્ષક મળ્યા એનો અમને ગર્વ છે એનું શું સર ? આવા મજાના શિક્ષકો અને સાથે સાથે એક મજાની વાત કરી કે 1994 માં જ્યારે ગેબરીલ્લે મીસ્ટેલને નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે એણે ખુબ જ સરસ વાત કહેલી કે

We are guilty of many errors and many faults, but our worst crime is abandoning the children neglecting the function of life. Many of the things we need can wait, the children cannot. Now is the time, his bones are being formed, his blood is being made and his sense are developed. To him we cannot  answer ‘Tomorrow’. His name is TODAY.

એનો મજાનો ભાવાનુવાદ પણ જોવો....

આમ તો આપણે વડિલો ઘણી બધી ભૂલો અને મર્યાદાઓ માટે જવાબદાર છીએ, છતાં બાળકોને તરછોડવા એ ભયંકર ગુનો છે, જે તેના જીવનમાં ઉછળતા આનંદના ફુવારાઓ(સ્ત્રોત)ને શમાવી દે છે. આપણને જરૂરી એવી આપની વસ્તુઓને આપણે મોટેરાઓ રાહ જોઇ શકીએ છીએ, બાળક તો ક્યારેય નહી. આ અવસ્થામાં તેનું લોહી ઉછાળા મારી રહ્યું છે. અને તેની સમજણ વિકસી રહી છે ત્યારે તેમને આપણે ‘ આવતી કાલે’ એવો જવાબ આપી શકીશું નહી. કારણ ??? તેનું બાળકનું નામ જ આજ છે.

આજના દિવસે આવી મજાની વાત પીરસે એ સરને માટે બધા શબ્દો ઓછા જ પડે !!!! ખરેખર નસીબદાર છું કે હું આઇ.પી.સી.એલ. સ્કુલમાં ભણ્યો અને આગળ વધ્યો.

મારા માટે ખરેખર ગૌરવંતી ક્ષણો ગણું છું કે જ્યારે પણ S.B. Solanki sir કે બીજા સ્કૂલના શિક્ષકો મને યાદ કરીને લાયક ગણે છે. બાકી એમની પાસેથી જ શીખવાનું એટલું છે કે મારું આખું જીવન આપી દેવું પડે.  

Physics ના વૈજ્ઞાનિક Ernest Rutherford ની જન્મની 150મી શતાબ્દી વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ. અને આ રૂથરફોર્ડના જીવનની ગુરૂ-શિષ્ય પરંપરા ખરેખર મજાની છે.

1891 માં J J Thomson electron શોધ્યો અને એના જ શિષ્ય એવા Ernest Rutherford1920  માં Proton શોધ્યો તો Rutherford ના શિષ્ય James Chadwick 1932 માં Neutron ની શોધ કરી. આમ એક શિક્ષક પોતાના વિદ્યાર્થીને જ્યારે પોતાના કરતાં આગળ જોતો હોય છે  ત્યારે આનંદ પામતો હોય છે એ શબ્દાતીત હોય છે.

આવી જ મજાની બીજી ગુરૂ શિષ્ય પરંપરા ગ્રીકમાં થઇ ગઇ જેમાં Socrates-Plato-Aristotle-Alexander the great.

તો આપણા દેશમાં આ ગુરૂ શિષ્ય પરંપરાને શંકરાચાર્યે ખુબ જ સરસ રીતે વર્ણવી છે કે

सदाशिव समारम्भाम् शंकराचार्य मध्यमाम्
अस्मद् आचार्य पर्यन्ताम् वंदे गुरु परम्पराम्

અમારી પરંપરા તો છેક શિવથી શરૂ થાય છે અને મધ્યમાં શંકર છે અને પછી આખા એક મોટી કડીમાં અનેક ગુરૂઓ છે એને વંદન ! અરે આપણી આચાર્ય પરંપરામાં તો નામ લઇએ એટલા ઓછા છે. આચાર્ય ઉદ્દાલક, આચાર્ય યાસ્ક, આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણ્કય, શંકરાચાર્ય, ભાષ્કરાચાર્ય, રામાનુજાચાર્ય, માધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, શ્રીકંઠ, શ્રીપતિ, વલ્લભાચાર્ય, આચાર્ય રજનીશ....

પોતાનું કશું જ ન હોય અને છતાં બીજાની જીત પર કાયમ ગર્વ લેતો હોય એવું જો કોઇ પાત્ર આ સમાજમાં હોય તો એ માત્ર ને માત્ર શિક્ષક જ છે. અરે દુનિયાની દરેક ટેલેન્ટ પાછળ, દરેક સંશોધન પાછળ, દરેક વૈજ્ઞાનિક, ડૉકટર, એન્જિનિયર કે બેંક મેનેજરની સફળતા પાછળ એક શિક્ષક હોય જ છે.

આજે આ  Covid-19ના સમયે પુરવાર કરી આપ્યું છે કે ગામડા ગામનો સામાન્ય શિક્ષકમાં પણ ક્યાંક એક ખૂણે આનંદ કુમાર જીવે જ છે.

5th October International Teacher’s Day તરીકે મનાવાય છે પણ આપણા દેશમાં કે પ્રદેશમાં આનું કોઇ મહત્વ અંકાતું જ નથી. એ તો નસીબ ગણો કે આ દેશનો એક શિક્ષક રાષ્ટ્રપતિ બને અને એના વિદ્યાર્થી પ્રેમના કારણે એમના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઉજવાય અને શિક્ષકોને એક દિનનું બહુમાન મળે.

સ્કૂલમાં વર્ગખંડમાં કે લેબમાં ભણાવાતા વાઇરસને શિક્ષકે અને વિદ્યાર્થીઓએ રીયલ લાઇફમાં જોયો. અરે ટાઇમલાઇન ભણાવતા શિક્ષકો આજે ટાઇમલાઇનના સાક્ષી બની ગયા. વર્ગખંડની ચાર દિવાલમાં કોઇપણ વાત રજુ કરીને વિચારને એવી રીતે પ્રક્ષેપિત કરાતો કે જાણે વિદ્યાર્થી નવા વિશ્વમાં જઇ પહોંચતો અને એ કમાલ આજે પણ થઇ જ રહી છે માત્ર માધ્યમ બદ્લાયું છે. વર્ગખંડની જગ્યાએ લૅપટોપ કે મોબાઇલની સ્ક્રીન છે.

બાકી રોજે રોજ રજીસ્ટર મેઇન્ટેઇન કરતો, લેશન પ્લાન લખતો અને ડેઇલી ભરતો શિક્ષક એકાએક લૅપટોપ કે મોબાઇલની સ્ક્રિન સામે ગોઠવાઇ જાય અને પોતાને બાળક માટે પોતાની જાતને  અપડેટ કરી લે ને ત્યારે સમાજનો આ ઘડવૈયો માનને પાત્ર તો બને જ છે. ત્યારે ગર્વ સાથે કહેવું પડે કે આ દેશના શિક્ષકનું શિક્ષત્વ સો ટકા આત્મનિર્ભર જ છે અને એ આદરને પાત્ર છે જ .

આજે આ આત્મનિર્ભર શિક્ષકને મારે આ સદીના મહાન ફિલોસોફર એવા યુવા નોહલ હરારીની બે બુકની વાત કરવી છે સૌથી પહેલા તો એણે રજુ કરેલ કેટલાક વિષયોની વ્યાખ્યા સાથે કરુ તો ....

લગભગ 1350 કરોડ વર્ષ પહેલા દ્રવ્ય, ઉર્જા, સમય અને અવકાશ અસ્તિત્વમાં આવ્યા અને એ બિગબેંગ તરીકે ઓળખાયા. અને આ મૂળભૂત પાયાના લક્ષણોની બ્રહ્માંડની વાત એ જ ફિઝિક્સ.

3 લાખ વર્ષ પછી દ્રવ્ય અને ઉર્જા કોઇ ચોક્ક્સ બંધારણમાં ગોઠવાયા જે એક અણુ તરીકે ઓળખાયો. અણુ પરમાણુમાં રૂપાન્તરીત થયો. અણુ અને તેની ક્રિયાપ્રતિક્રિયા એ કેમેસ્ટ્રી.

લગભગ સાડા ત્રણ કરોડ વર્ષ પહેલા પૃથ્વી નામના ગ્રહ પર ચોક્ક્સ પ્રકારના પરમાણુઓ જોડાયા અને મોટા અને જટીલ બંધારણનું નિર્માણ કર્યું જેનાથી જીવતંત્રનું નિર્માણ થયું જેનાથી  બાયોલોજીનો ઉદભવ થયો.

70 હજાર વર્ષ પહેલા homo Sapience સંસ્કૃતિ સુધી પહોંચ્યા અને એના વિકાસની જે ગાથા શરૂ થઇ ત્યાંથી ઇતિહાસ ઉદભવ્યો.

અને આમાં જ ક્યાંક જ્ઞાનનો ઉદભવ થયો.....

હરારી આ જ્ઞાનની વાત એની બીજી બુક Homo Dues માં કરતાં કહે છે કે

મધ્યયુગમાં યુરોપમાં જ્ઞાનની ખરી ફોર્મ્યુલા શું હતી?

શાસ્ત્રો અને તર્કનો સમન્વયએ  જ્ઞાન.

Wow

Knowledge = Scripters x Logic

વૈજ્ઞાનિક ક્રાંતિએ આ વ્યાખ્યાને આખો નવો જ આયામ બક્ષી દીધો...
પ્રયોગસિદ્ધ પરિણામો અને ગણિતનો સમન્વય એ જ્ઞાન
.

ટુંકમાં

Knowledge = Empirical Data x Mathematics.

 

દિવસે ને દિવસે માણસ પોતે વિશ્વસ મેળવતો ગયો Confident બંતો ગયો અને જ્ઞાન એક નૈતિકતાની ઉંચાઇ પામનારું બનતું ગયું આજે એની વ્યાખ્યા શું કરી શકાય તો .....

અનુભવ અને સંવેદનશીલતાનો સમન્વયએ જ્ઞાન

એટલે કે.....

Knowledge = Experience x Sensitivity

જ્યાં  Experience

અનુભવમાં લાગણી, આવેગ અને વિચારોનો મોટો સમન્વય છે. આમ, લાગણી, આવેગ અને વિચારો સાથેનો  અનુભવ જ્યારે સંવેદના સાથે ભળે ત્યારે જે પ્રાપ્ત થાય એ આજના યુગનું ખરું જ્ઞાન છે.

આમ શિક્ષણના મૂળિયા આપણને છેક ક્યાંય સુધી લઇ જનારા સાબિત થયા છે.  

આજનું જે શિક્ષણ છે જે Education છે એ Education નો E બીજા ચાર મુખ્ય E પર ઊભો છે. જેમાં Emotion, Evolution, Experimentation અને Examination નો સમાવેશ થાય છે.

શિક્ષણની શરૂઆત જ નાના બાળકથી થાય છે એની સમજણને સમજવાથી થાય છે. જ્યાં લાગણી મહત્વની બને છે. એક શિક્ષક જ્યારે ભણાવે ત્યારે એ સામે બેઠેલા વિદ્યાર્થીની આંખમાં જોઇને એના પ્રશ્નને પામી જાય એ જ લાગણી.... આ લાગણી ક્યાંક વિદ્યાર્થીને સંતોષ આપવામાં તો ક્યાંક રક્ષણાત્મક કવચ પુરુ પાડવામાં જવાબદાર છે. ક્યાંક કલ્યાણ તો ક્યાંક દયા જેવા સદગુણો શીખવવામાં પણ Emotion જ કામ કરે છે. તો વળી ક્યાંક ફાઇટીંગ સ્પિરીટ તો વળી ક્યાંક પ્રેમના પાઠ ભણાવવામાં પણ Emotion જ કામ આવે છે. ટુંકમાં કહી શકાય કે જીવનના દરેક પડાવ પર Emotion ડગલે ને પગલે સતત ઉપયોગમાં આવે છે. UNESCO એ પણ સ્વિકાર્યુ છે કે  All learning has emotional correlates. લાગણીભીના શબ્દો કે વાત ક્યારેક કોઇક વિદ્યાર્થીના આતંરિક વિકાસમાં ખુબ જ મોટો ભાગ ભજવી જતો હોય છે. ક્યાંક આ Emotion જ વિદ્યાર્થીની વર્તણુક બદલવામાં મોટો રોલ ભજવતા હોય છે.

Education સાથે જોડાયેલો બીજો E એટલે Evolution.જ્યારથી હોમો સેપિયન્સ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી લઇને આજ સુધી અને ક્રાતિમાંથી માણસ પસાર થયો છે અને હજુ પણ થઇ રહ્યો છે તો અનેક પ્રકારની ભૌતિક, શારિરીક કે બૌધિક ઉત્ક્રાંતિ પ્રતિક્ષણ આકાર લેતી જ હોય છે એ સમજણ સુધી પહોંચાયું છે એ જ ખરું શૈક્ષણિક Evolution ગણાય. હજુ ગઇકાલ સુધી દરેક શિક્ષક ક્લાસરૂમમાં બોર્ડ પર ચોક અને ડસ્ટર લઇને ભણાવતો હતો અને આજે સ્ક્રિન પર ઘરમાં બેઠા બેઠા ભણાવતો થયો છે એ પણ શૈક્ષણિક Evolution જ છે. આવા અનેક Evolution ના સાક્ષી આપણે રહ્યા છીએ.

Education સાથે જોડાયેલો ત્રીજો  E એટલે Experimentation. કોઇપણ હકિકત કે વાત પ્રાયોગિક ધોરણે ચકાસાયા બાદ જ સ્વિકૃતિ પામે અને ચકાસણીની એરણે ચડે અને અનેક રહસ્યોના નવા પડણો ખુલે એ વાત કે એ રીત એટલે Experimentation. ગણિત કે વિજ્ઞાન તો આના સિદ્ધાંત પર જ ઉભા છે એમ ચોક્ક્સ કહી શકાય તો જ્યારે કોઇ વિદ્યાર્થી પ્રાયોગિક ધોરણે આ સમજુતી પમાતો હોય છે ત્યારે એ રોમાંચ એના માટે અનેરો હોય છે  છેલ્લા 4000-5000 વર્ષથી આ પૃથ્વી માનવજાત માટે સતત એક પ્રયોગશાળા સાબિત થઇ છે.  માત્ર ગણિત અને વિજ્ઞાન જ નહી પણ માનવજાત ઘણી ઐતિહાસિક કે ફિલોસોફિકલ કે બીજી અનેક વાતોને સમજીને ચકાસીને  ઘણી આગળ વધી જ છે અને આજના પડાવ પર ઊભી છે. 1918ના પ્લેગના ડેટા કે એ સમયની વાતો આજે Covid-19 માં અનેક રીતે ઉપયોગી થઇ રહી છે. Experiment ની આવી વાત રજુ કરતા અનેક મુવી પણ બન્યા છે અને series પણ છે જ !  Theory of everything, the man who knew Infinity કે  A Beautiful Mind જેવા મુવીમાં પ્રયોગની વાતો બખુબી વર્ણવાઇ છે.

Education સાથે જોડાયેલો ચોથો  E એટલે Examination. આચાર- વિચાર કે સમર્પણની જે નીવ નંખાઇ હોય એ જ્યાંથી પ્રાપ્ત થાય એ જ્યાં પ્રોજેક્ટ  જેના પર આખી ઇમારત ઉભી થાવાની હોય એની સાબીતી થાય એ વાત એટલે examination. આઇન્સ્ટાઇનની એક વાત યાદ આવે છે કે એ એના એક શિષ્ય સાથે કોઇ એક પ્રયોગ કરી રહ્યો હતો પણ વારંવારના અનેક પ્રયત્નો છતાં એમાં સફળતા ન હોતી મળતી, આખરે 15 -20 પ્રયત્નો પછી એ શિષ્ય આઇન્સ્ટાઇનની સામે જોવા લાગ્યો પણ એમની મોઢા પરની કોઇ જ રેખા બદલાઇ નહોતી. એણે નવાઇ સાથે પુછ્યું કે આટલી બધી વખત ફેઇલ થયા પછી પણ તમે તો એ જ ઉત્સાહ સાથે કામ કરી રહ્યા છો, કારણ શું ? આઇન્સટાઇન હસ્તાં હસ્તાં જવાબ આપે છે કે અસફળ થવાનો તો સવાલ જ નથી. માત્ર એટલું જ વિચારવાનું કે આટલા વિકલ્પ આપણા માટે નકામા હતાં તો બીજા નવો વિકલ્પ પર કામ કરો.  પણ આજે તો એના પણ ધારા ધોરણ બદલાયા છે એનો અનેરો આનંદ છે. જે કંઇ પ્રાપ્ત કર્યું છે એનો ખરો આધાર એ સર્ટીફિકેટ કે માર્ક્સ નથી એ વાત સમજાતી થઇ છે એ આ સદીનો ખરો અને આવકારદાયક વણાંક છે. હા, માર્ક્સ મહત્વના નથી પણ તમારી ટેલેન્ટ અને વિચાર કે સ્પાર્ક મહત્વનો છે. એપલ કે ગુગલ જેવી અનેક કંપનીઓ આ વાત અપનાવતી થઇ છે. જે એક નવા વિશ્વને સામે લાવીને મુકી દેશે.  ટુંકમાં આ પડાવમાં પણ evolution તો થયું જ કહેવાય.


તૈત્તિરીયોપનિષદની દ્વિતીય વલ્લીના અષ્ટમ અનુવાકમાં જે આનંદમીમાંસા છે એમાં આ પ્રકરણમાં આનંદના સર્વોચ્ચ સ્વરૂપની વિચારણા કરવામાં આવી છે. આ વિચારણાના અંતમાં બ્રહ્માનંદને આનંદનું સર્વોચ્ચ સ્વરૂપ ગણવામાં આવ્યું છે. આ વિચારણાનો પ્રારંભ સર્વોચ્ચ માનવીય આનંદથી થાયો છે એ વાત છે. સર્વોચ્ચ માનવીય આનંદ કયો ? તો તેના જવાબમાં ઋષી તૈત્તિરીય ઉપનિષદના શિક્ષાવલ્લીમાં  કહે છે કે

સૈષાડડનન્દન્સ્ય મીમાંસા ભવતિ |

યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક: આશિસ્ઠો બલિષ્ઠ: |

તસ્યેયં પૃથિવી સર્વા વિત્તસ્ય પૂર્ણા સ્યાત |

સ એકો માનુષ આનન્દ : |

હવે આ આનંદની મીમાંસાનો પ્રારંભ કરવામાં આવે છે કોઇ એક યુવાન હોય; તે શ્રેષ્ઠ આચરણવાળો યુવાન હોય; તે વેદનું અધ્યયન કરી ચૂકેલો હોય; તે અન્ય બ્રહ્મચારી વિદ્યાર્થીઓને શિક્ષા આપવામાં કુશળ હોય(એટલે કે કુશળ શિક્ષક હોય); તે શરીર અને મનથી દ્રઢ; તે બળવાન હોય; આ ધનધાન્યથી ભરેલી પૃથ્વી તેને પ્રાપ્ત થયેલી હોય આવ પુરૂષને જે આનંદ તે મનુષ્યલોકનો એક આનંદ છે. આમ, ઋષિ શિક્ષકના આનંદને સર્વોચ્ચ અનંદ ગણે છે.

સમાજસેવાનું સર્વશ્રેષ્ઠ સ્વરૂપ કયું ? સમાજના ઘડતર માટે શિક્ષણ સર્વશ્રેષ્ઠ માધ્યમ છે.  

ગુણવંત શાહ સરસ વાત કહે છે કે તૈત્તિરીય ઉપનિષદમાં ભારતિય શિક્ષણવિચારને અત્યંત સુંદર રીતે પ્રગટ કરતો મંત્ર છે કે :

આચાર્ય: પૂર્વરૂપમ | અંતેવાસી ઉત્તરરૂપમ |

વિદ્યા સંધિ : | પ્રવચનમ સંધાનમ ॥

ઋષિ કહે છે કે “ સૌથી પ્રથમ સ્થાને આચાર્ય છે, પછીના બીજા સ્થાને અંતેવાસી એટલે કે શિષ્ય છે. આચાર્ય અને અંતેવાસીને જોડતો સેતુ વિદ્યા છે અને એ સેતુ રચાય તે માટેનું જોડાણ- દ્રવ્ય પ્રવચન છે.

આ પ્રવચન થકી પોતાના વિચારો વિદ્યાર્થી સુધી પહોંચતા રહે અને ક્યાંક શિક્ષણ ન ભુલાય એ માટે આ દેશમાં આ શિક્ષકોએ અનેક અથાક પ્રયત્નો કર્યા છે અને આજે પણ પ્રતિક્ષણ કરતો  જ રહે છે અરે, શિક્ષકનો કિરદાર એ કોઇ સામાન્ય કિરદાર નથી જ એનો જો એક રોલ સમજવો હોય તો રોલ છે બાકી શિક્ષકની જીંદગી એ એક મિસન છે મિસન !  ચાલો એક – બે એના ઉદાહરણ આપું તો .... આજના આ કોરોના ના કહેરમાં

ક્યાંક કવિતા બનાવીને તો ક્યાંક વાર્તા કહીને હેન્ડ સેનિટાઇઝ કરવાની વાત હોય કે સોશિયલ ડિસ્ટંસિંગની વાત હોય કે માસ્ક કેમ પહેરવું એ વાત હોય બાળકોને સજાગ કરવા પાછળ અનેક શિક્ષકોની અનેક કહાનીઓ છે. અરે, ઝુમ કે બીજા વિઝુઅલ પ્લેટફોર્મ વાપરતા વિદ્યાર્થીઓને નથી આવડતું તો વોહ્ટસએપમાં વિડિયો ક્લિપ બનાવીને પણ ભણાવ્યા છે. અરે, બંગાળમાં તો એક વિસ્તાર ગજલપુરમાં કોઇ સુવિધા ન હોતી તો લાઉડ સ્પીકર ઓન કરીને પણ ભણાવ્યા કે જેથી ડ્રોપ આઉટના ચાન્સ ન રહે. યુપીના હાથરસ જેવા વિસ્તારમાં રેડિયો પર ભણાવાયું. કોલકત્તાના એક ગામમાં પોતાની ફરજ પુરી કરવા ઝાડ પર માચડો બાંધીને ટાવર પકડતો પિનાકી ચોધરીની પોતાની અલગ દાસ્તાન છે. ક્યાંક કેટલાય શિક્ષકોએ પોતાના પગારની ચિંતા કર્યા વગર બધા જ પૈસા ગરીબ વિદ્યાર્થીના કુટુંબ પાછળ આપી દીધા છે આવી તો અનેક દાસ્તાન છે.

‘કિફાયત હુસૈન જે લેહની એક સ્કૂલમાં મેથ્સના શિક્ષક છે અને એને કોરોના થાય અને પોતાના કોરીનટીન રૂમને(isolation ward) જ પોતાનો ક્લાસરૂમ બનાવી નાખે અને પોતાના વિદ્યાર્થીઓને ઓનલાઇન ભાણાવે આ મિસાલ અને આ જજ્બો છે જ શિક્ષકમાં રહેલા શિક્ષકત્વની ઓળખ છે. આશિષ નેગી નામના ગઢવાલના શિક્ષકે 100 કરતાં વધારે ઓડિયો સ્ટોરી બનાવીને બાળકને નોલેજ પુરુ પાડ્યુ તો એના આ વિચારને બીજા અનેક લોકો સુધી પહોંચાડવા આકાશવાણી રેડિયોએ એક પ્લેટફોર્મ પુરુ પાડ્યું.

જ્યારે આજે આવા અનેક ઉદાહરણો સામે છે ત્યારે કવિ ઓમ પ્રકાશ શર્માની કવિતા યાદ આવે છે કે

તુમ હો

પર્યાપ્ત હૈ તુમ્હારા હોના

યહ ભી પર્યાપ્ત હૈ કિ

તુમ્હારે પાસ દો આંખે હૈ

યહ જરૂરી નહીં

કિ, તુમ્હારી આંખો મેં ભી

વહી ગહરાઇ હો

જો હોતી હૈ ઝીલ કે પાસ !

પર્યાપ્ત હૈ તુમ્હારી આંખો પર

પલકોં કા હોના

કમ-સે-કમ સ્વપ્ન તો ઉગ સકતે હૈ

ઔર ઉડ સકતે હૈ ફૈલે હુએ આકાશ મેં

પર્યાપ્ત હૈ ઇતના

કિ સંવેદનાંએ હૈ દૂર તક- બહુત દૂર તક

સિંધુ મેં મોતિયોં તક

આકાશ મેં તારો તક

યદિ નહિં હૈ હમારે પાસ આજ

હો સકતા હૈ કલ ન ભી હો

સંભાવનાએં બહુત હોતી હૈં

જીને કે લિએ. 

મને નિત્સેએ જીવનને ફિલોસોફિકલી જે પાંચ ભાગ કે પ્રકાર પાડી વહેંચી વાત કરી હતી એ યાદ આવે છે....

નિત્સે એ એક મજાની વાત કહી છે કે માણસ જીવનમાં જુદા જુદા પાંચ તબ્બક્કાઓમાંથી પસાર થતો હોય છે. પહેલો તબ્બક્કો એ ઉંદર જેવી જીંદગી જેમાં એના જીવનમાં લાલચને સ્થાન હોય છે જીવનમાં જે કામનું નથી એ પણ ભેગું કરતું જવું એવી મનોવૃતિ. બસ જે પણ મળે કામનું કે ન કામનું એને ભેગું કર્યે જ જાવ.  

જીવનનો બીજો તબ્બ્કો એ ઊંટ જેવો છે. પોતાના અહમને સંતોષવા માટે એ બસ એમ જ વેંઢાર્યે જ જાય છે. એકના એક રૂટીનમાંથી રોજે રોજ પસાર થયે જ જાવ અને એ આગળ વધતો જ નથી ને !

જો આ બધુ છોડવું હોય અને અલગ જ રસ્તે ચાલવું હોય તો માણસ પાસે હિંમત જોઇએ. કાંટાળા રસ્તે આગળ વધાવાનું સાહસ જોઇએ.... અને આ કાંટાળા માર્ગને પુરો કર્યા સિવાય જીવનમાં ફળદ્રુપ મેદાન નથી જ આવવાનું ! એટલે આ સમયને આ તબ્બક્કાને નિત્સેએ  સિંહ જેવો કહ્યો છે.

ચોથા તબ્બક્કાને હાથી જેવો કહ્યો છે. જ્યાં માણસ ગૌરવ સાથે શાણપણનો માલિક હોય છે. સિંહ તબ્બક્કામાં રહેલો આક્રમકતા ભર્યો સ્વભાવ કે દેખાવ આ તબ્બક્કામાં મધુર બની જતો હોય છે.

અને પાંચમો અને છેલ્લો તબ્બક્કો એ બાળકનો છે. અહિં નિર્દોષતાએ પહેલું પગથિયું ગણાય છે. બધુ જ છુટી જતું હોય છે. નિખાલસતા અને નિર્દોષતા સ્થાન લઇ લેતી હોય છે.  

પણ નિત્સે કહે છે કે સૌથી મોટી કમનસીબી જ એ છે કે મોટા ભાગના ઉંદર તબ્બક્કામાંથી જ બહાર નથી નિકળી શકતા અને જીવન એમ જ પુરુ કરે છે. અને જો એમાંથી નિકળીને ઊંટ વાળા તબ્બક્કામાં પહોંચે છે તો ત્યાંથી સિંહ તબ્બક્કામાં છલાંગ નથી લગાવી શકતાં. પણ આ દેશના શિક્ષકો એ Covid-19 ના કહેરમાં એ સિંહ છલાંગ લગાવી જ લીધી અને આદરપાત્ર ભૂમિકા ભજવી જ છે ! અરે એટલું જ નહીં પછીના તબ્બક્કામાં પહોંચવા માટે સિંહે માત્ર અહમને છોડવાનો હોય છે અને આ દેશના બધાજ શિક્ષકોએ લાગણી અને ભાવનાને પ્રાધન્ય આપી અહમને છોડ્યો અને હાથી તબ્બક્કામાં પણ પહોંચી બતાવ્યું છે જે ખરેખર સલામીને પાત્ર છે. શાણપણ તો શિક્ષકની ધરોહર છે એ તો જાણે આ દેશના શિક્ષકમાં ભારોભાર પડેલી જ છે એમ ચોક્ક્સ કહી શકાય એટલે એ તો છેલ્લા બળક તબ્બક્કાને પણ અતિક્રમી ગયા છે આમ Covid-19 ના કહેરમાં નિત્સેએ બતાવેલા ચારેય તબ્બક્કા જો કોઇએ પાસ કર્યા હોય તો એ માત્રને માત્ર શિક્ષક જ છે.

આ બધાની વચ્ચે એક મજાના સમાચાર એ આવ્યા કે સરકારે એક નવી education Policy ની જાહેરાત કરી અને એમાં માતૃભષાને ભરપુર ન્યાય અપાયો છે. એ સૌથી મોટા આનંદની વાત છે. ચાલો મોડામોડા પણ જાગ્યા તો ખરા ! આજે ક્યો યુરોપિય દેશ પડોશી દેશની ઉછીની ભાષા પર જીવે છે? દરેક ને પોતીકી ભાષા છે.  નાના નાના એ દેશો ભરપુર અભિમાન સાથે પોતાની ભાષાને જાળવીને જીવે છે અને રાજ કરે છે. ટુંકમાં કોરોનાના કહેરમાં નેવાના પાણી મોભે ચડશે જેવી અનેક કહાવતો સાથે ભાષાનું આયુષ્ય વધી ગ્યું એનો અનેરો આનંદ છે.

ગુણવંત શાહે શિક્ષણ મીમાંસામાં મજાની વાત કરી છે એને એ જ શબ્દોમાં રજુ કરુ છું.

ઇલેકટ્રોનિક યુગના દ્રષ્ટા એવા આચાર્ય માર્શલ મેકલુહાનના શબ્દો સાથે મારી વાત પુરી કરું છું.

Someday,
all of us will spend
our lives in our own school, the WORLD.
And education in the sense of learning
to love, to grow, to change can become
not the woeful preparation for some job
that makes us less than we could be
but the very essence,
the joyful whole of existence of existence itself !

એટલે કે ....

એક દિવસ,
આપણે સૌ આપણી પોતાની જ નિશાળમાં ભણીશું.
એ નિશાળ એટલે દુનિયા.
પ્રેમ કરવા માટેનું
વિકાસ કરવા માટેનું
અને પરિવર્તન પામવા માટેનું અધ્યયન
એ જ શિક્ષણ !
કોઇ નોકરી મેળવવા માટેનું શિક્ષણ તો
આપણે જે થઇ શકીએ,
તેમાં ઘટાડો કરનારું છે.
શિક્ષણ એટલે
આપણા આનંદમય અસ્તિત્વના ઉત્સવની સુગંધ !

શિક્ષકમિત્રો આ કોરોના કહેરમાં કે એમ પણ તમે સૌ આ સમાજ માટે દેશ માટે સંકોફા પક્ષી જ છો. આ સંકોફા પક્ષી શું છે ? તો સંકોફા પક્ષીની કહાની છે.  સંકોફા શબ્દ અકાન જાતિના લોકો જે ઘાના અને આઇવરી કોસ્ટના પ્રદેશમાં વસે છે એમનો છે. અકાન પ્રજાતિએ પોતની વાત રજુ કરવા સિંબોલીક ભાષા ઘણી વિકસાવી હતી. ઘાનાની માયથોલોજિકલ સ્ટોરીમાં આ સંકોફા પક્ષીની વાત આવે છે. આ પક્ષીનું સિમ્બોલાઇઝેશન એવી રીતે થયું છે જેમાં એ ઉડે છે આગળ તરફ પણ જુએ છે પાછળ તરફ અને એના મોઢામાં પાછા ઇંડા સાચવેલા છે. આ શું બતાવે છે.... આ શેનો નિર્દેશ છે... તો જવાબ છે કે તમે જે ભુલી ગ્યા છો કે ભૂલ કરી છે એ સુધારવા કે લેવા માટે પાછા જવું એમાં કશું જ ખોટું નથી. ભુતકાળમાંથી કે ગઇકાલમાં શીખયેલી સારી વાતો કે જ્ઞાનના સહારે આગળ વધાવા એને આજે વર્તમાનમાં સાથે રાખવી અને ભવિષ્યમાં પણ લઇ જવી એ સંકોફાનો નિર્દેશ છે. તો વળી સંકોફા પક્ષીની વર્તુળાકાર શૈલી બતાવે છે કે જીવનમાં ક્યાંય અંત પણ નથી અને શરૂઆત પણ નથી. એના મોઢામાં ઇંડા છે એ બતાવે છે કે ગઇકાલની વાતો કે જ્ઞાનમાંથી શીખાયેલું શાણપણ સચવાયું છે અને એ માત્ર પોતાના પુરતું જ નહી રહે પણ આવનારી નવી પેઢી પણ એનો ઉપયોગ કરીને વધારે આગળ વધશે. સાંસ્કૃતિક રીતે સંકોફા પક્ષી લોકોના સામુહિક જ્ઞાનને પ્રદર્શિત કરે છે અને દરેકને પોતની ખરી વિરાસત સમજાવી વર્તમાનમાં કેમ રક્ષણ કરવું અને ભવિષ્ય માટે- નવી પેઢી માટે કેમ તૈયારી કરવી એ વતાવે છે.  ટુંકમાં આ એક ચોખ્ખો મેસેજ છે કે આગળ વધવા માટે પાયાને કેટલો મજબુત બનાવવાનો છે અને પ્રતિક્ષણ તૈયાર રહેવાનું છે જે તમે સૌ કરી જ રહ્યા છો.