ગુરુવાર, 7 જાન્યુઆરી, 2010

પેશન પર છે ગોવિંદભાઇ.......



જાન્યુઆરી મહિનો એટલે વડોદરાવાસીઓ માટે ઉતરાયણની તૈયારીના દિવસો. અને બસ એવું જ કંઇક બન્યું. હું અને જયેશભાઇ દોરો લઇ આવ્યા. ગુજરાત સિરેમિકમાં આવ્યા અને અમારા સૉ રૂમના માણસ રાજુએ તરત જ કહી દિધુ કે જયેશભાઇ દોરો તો મહેતાપોળમાં જ સૂતાવાય. અમે ગયા વર્ષે 10 જાન્યુઆરીએ ગયા હતા તો ના પાડી દિધી હતી. 5000 વાર સૂતવાના રૂ. 200 લે છે. શરૂમાં તો મને વાત સાચી લાગી નહી. કારણ કે જે ભાવમાં દોરાની રીલ મડે એ ભાવમાં કોઇ દોરો સૂતે. લગભગ અશક્ય વાત હતી.....
હું રાજુને લઇને સીધો જ મહેતાપોળમાં ઉપડી ગયો. દૂરથી જ દેખાય જાય એવડા મોટા બે સાઇન બોર્ડ મારેલા હતા. જય રણછોડ. નજીક ગયો અનેબીજુ સાઇન બોર્ડ વાંચીને જ હું દંગ રહી ગયો. તેના પર રીલ સૂતવાના રૂપિયા લખ્યા હતા. અને સૌથી ઉપર લખ્યું હતું 01/01/2010 થી અમલી. હું ગોવિંદભાઇને મળ્યો અને મારી ફોર્મલ પૂછ્તાછ શરૂ થઇ ગઇ. છેલ્લા 35 વર્ષથી સતત દોરો પિવડાવતા આ ગોવિંદભાઇને મેં પૂછ્યું આ જય રણછોડ એવું નામ રાખવા પાછ્ળનું મુખ્ય કારણ શું તેના જવાબમાં મને જાણવા મળ્યું કે દર પૂનમે તેઓ ડાકોર જાય છે. એકપણ પૂનમ છોડતા નથી.વડોદરામાં છેલ્લા 35 વર્ષથી તેઓ દોરો પિવડાવવાનું કામ કરે છે. અને લોકોની ઉતરાયણને સફળ બનાવે છે. વડોદરા ખાતે સૌથી વધુ રૂપિયા લેવાનું બિરૂદ ગોવિંદભાઇને ફાળે જાય છે. 5000 વાર દોરો સૂતવાના રૂપિયા 225 લોકો આ વર્ષે ચૂકવે છે. શરૂઆતમાં 4 આનામાં દોરો સૂતવાવાળા ગોવિંદભાઇ માટે આજે મને ગુજરાતી કહેવત બદલવાનું મન થઇ જાય છે. હા એ જ કહેવત કે "તારા કરતા વધારે દિવાળી જોઇ છે." અરે ના ..ના... "4 આના થી ચાલુ કરીને રૂપિયા 225 સૂધીની ઉતરાણો લોકોને ઉજવડાવી છે."(ગોવિંદભાઇ) 4 આના પછી 12 આના થયા પછી દોઢ રૂપિયા થયા પછી બે પછી અઢી થયા. 11 પણ થયા. અને આજે 1000 વારના રૂપિયા 50 છે. ડિસેમ્બર મહિનાથી વડોદરાવાસીઓની ઉતરાણ સુધારવાની તેમની મહેનત શરૂ થઇ જતી હોય છે. જો કોઇ વિધાર્થી સારા માર્કસ લાવે તો પછી તેને તેના શિક્ષકનું નામ પૂછાતુ હોય છે એમ સારા પેચ કાપ્યા પછી આજુબાજુ વાળા બુમ પાડીને પૂછતા હોય છે દોસ્ત દોરો ક્યાં સૂતાવ્યો. અરે વાહ આ વાતનો અંદાજ તો પછી જ આવ્યો કે જ્યારે ગોવિંદભાઇએ આંગળી કરીને મને બતાવતા કહ્યું કે મારી પાસે આવા 17 ચરખા છે અને દરેક ચરખા પર 15 રીલો ભરાય. દિવસમાં આવા 17 થી 24 ચરખા ભરાતા હોય છે. સતત આખો દિવસ ચરખા પર રિલો ભરવાની અને પછી એમના રાખેલા માણસો રીલો વિંટીં લે. કોઇ જ કંઇ વધારે કરી લેવાની જરાય ઇચ્છા નહી. કારણ કે બીજા બે ત્રણ વધારે માણસો રોકીને એમની આવકને 3-4 ગણી કરી શકાય. પરંતુ એક એક રીલ એમના હાથેથી જ ચરખા પર જાય. પ્રોફેસનાલીઝમ નહી જ. કારણ કે ડિસેમ્બરમાં દોરો સૂતાવવા માટે જાવ તો તમને બજારભાવ કરતા થોડા જ વધારે રૂપિયામાં કે લગભગ એ જ ભાવે દોરો મળી જાય. અને 13 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે તો દોરો સૂતવાનું બંધ કરી જ દે. જ્યારે દુનિયા કમાવવા પડી હોય ત્યારે ગોવિંદભાઇ ચરખા વિંટવાનું કામ શરૂ કરી દે. કારણ કે પછી દોરો પિવડાવીએ તો દોરો સૂકાય નહી અને ઉતરાયણ સારી જાય નહી. રોજ રાત્રે 9:30 કે 10:00 વાગ્યા સૂધી સતત કામ એ જ એમનું ધ્યેય. કદાચ આ માણસની ઉમર કરતા મને એમનો જુસ્સો વધારે જુનો લાગ્યો. થોડાક ગરાકો પાછા પણ જાય, ગુસ્સે પણ થાય પરંતુ આવતા વર્ષે થોડા વહેલા આવે અને જૂના ગરકો મોડા આવતા જાય. આ વાત સરળતાથી ગોવિંદભાઇએ મને કહી દિધી. બહારગામથી આવનારા લોકો માટે 200 જેટલા ચરખા તૈયાર પણ હોય. બોમ્બેના ગ્રાહકો પણ આવતા હોય છે એવું ગોવિંદભાઇનું કહેવું છે. અનેક લોકોની ઉતરાયણ સારી જાય અને પછી આભારના શબદો નીકળે એ જ જુસ્સો મેં કદાચ ગોવિંદભાઇના મોઢા પર સતત જોયા કર્યો છે.......

રવિવાર, 3 જાન્યુઆરી, 2010

શ્રીનાથજી – અંબાજીની સફરે.......


31 મી ડિસેમ્બર 2009 ની રાત્રીએ જ્યારે સમગ્ર વડોદરાવાસીઓ નવા વર્ષની ઉજવણીમાં અને વર્ષના છેલ્લા દિવસને ઉજવવામાં મગ્ન હતા એ સમયે અમે 11 શિક્ષકો એક અલગ જ તૈયારીમાં મગ્ન હતા. રાત્રીના 10:30 વાગ્યા હતા. તુફાન સનરાઇઝમાં કલ્પેશસરના ઘરે આવી પહોંચી. આજે અમારે તાવેરાની જગ્યાએ તુફાનમાં જવાનું હતું. કારણ કે નવ દસ નહી પરંતુ 11 શિક્ષકો તૈયાર હતા. નવા વર્ષની કંઇક અલગ જ ઉજવણી માટે અમે સૌ તૈયાર જ હતા. કલ્પેશસરના ઘરેથી અમે સૌએ ચા પીધા પછી તુફાનમાં સૌએ પોત પોતાની જ્ગ્યા લઇ લીધી. અમારી તુફાન રિંગરોડ પર હિંમતનગર તરફ જવાના રસ્તા પાસે ઉભી રહી. હવે અમે સૌ અમારો પોતપોતાનો સામન લઇને નીચે ઉતર્યા અને નવી ક્રુઝરમાં ગોઠવાઇ ગયા. કારણ કે તુફાન ટેક્ક્ષી પાસિંગની હતી અને જો અમે એ લઇને રાજસ્થાન બોર્ડર પર જઇએ તો અમારું પૈસાનું તોફાન મચી જાય એ પાકી વાત હતી. અમે સૌ નવી ક્રુઝરમાં પોતપોતાના સ્થાને ગોઠવાઇ ગયા. આ પહેલા અમે જ્યારે એક્સ્પ્રેસ હાઇવે પતાવીને અમદાવાદ રિંગરોડ પર ચઢતા હતા ત્યારે દુનિયા 2010 ના વર્ષને આવકારી રહી હતી. ક્યાંક દુર થતા ફાયર ક્રેકર્સ આ વાતની સાબિતી આપી રહ્યા હતા. હિંમતનગર હાઇવે પર પ્રથમ સ્ટોપ આવ્યું અમે સૌ ચા પીવા ઉભા રહ્યા. મેં મારા સાયબરસૉટમાં ફોટો લેવા બટૅન ક્લિક કર્યું પરંતુ મારી શક્યતાઓ ઉંધી પડી ફોટો સાથે કેટલાક વાતાવરણમાંથી મોઇસ્ચર પણ લેતો આવ્યો. મારે તાત્કાલીક કેમેરો બંધ કરી દેવો પડ્યો. ઉપર આકાશમાં જોયું તો ચંદ્ર થોડો કપાયેલો દેખાતો હતો. ગ્રહણ હ્તું પરંતુ અમદાવાદમાં દેખાવાનું ન હતું. કોઇક વાદળ એવી રીતે ગોઠવાઇ ગયું હતું કે ખરેખર ચંદ્રગ્રહણ નો જ નજારો લાગતો હતો. હિંમતનગર આવી ચુક્યું હતું. રસ્તાની બાજુ પર હું સિટી ટાઇલ્સ અને એસિયન ટાઇલ્સની ફેકટરીઓ જોઇ રહ્યો હતો. નેસનલ હાઇવે નંબર 8 પર ખરેખર ગાડી ચલાવવાની ખૂબ જ મજા આવે એવો રસ્તો હતો. જોત જોતામાં ક્યારે શામળાજી આવી ગયું કંઇ જ ખબર ન રહી. પર્વતોથી ઘેરાયેલા આ પ્રદેશને જોવાની લાલચને હું રાત્રે પણ રોકી શકતો ન હતો. અંધારામાં પણ હું કંઇક શોધી રહ્યો હતો. શું એ તો મને ખબર નથી. પરંતુ ખરેખર કંઇક અલગ જ વિચારોમાં હું મગ્ન હતો. ચેકપોસ્ટ પરથી અમે સરળ્તાથી પસાર થઇ ગયા. બાજુમાં ટેક્સ ભરવા માટે ઉભેલી ગાડીઓની લાંબી કતારો અમે જોઇ શકતા હતાં. રાજસ્થાન બોર્ડર ખૂબ જ સરસ બનાવવામાં આવી હતી. અંદર ક્રુઝરમાં અડધો અડધ શિક્ષકો ઉંધ લઇ રહ્યા હતા. રસ્તાની બન્ને બાજુ સરસ પર્વતો હતા.સતત વણાંકો વાળા રસ્તા પરથી અમે પસાર થતા હતા. ક્યાંક થડી ગડમથલ થઇ અને પાછળથી પાટીલે મને ઉઠાડયો. કારણ કે રસ્તો હવે સિંગલ લેન નો જ હતો અને ટ્રફિક ખૂબ જ હતો. પાટીલ અને વિપૂલનું કહેવું એમ હતું કે ડ્રાઇવરે એક જોકું ખાઇ લીધું પરંતુ એવું કંઇ હતું નહી. આગળ જઇ ને અમે ચા પીધી. પછી ફરીથી અમે સૌ આગળ વધ્યા અને દૂરથી ઉંચાઇ પરથી અમે ઉદયપૂરને રોશનીમાં ઝળહળતું જોયું. ઉંચાઇ પરથી નજારો ખરેખર ખૂબ જ સરસ લાગતો હતો. જોત જોતામાં અમે એકલિંગી મહાદેવના મંદિર પાસે પહોંચી ગયા. ત્યાં સવારના 6 વાગ્યા હતાં. ઠંડી કોને કહેવાય તે તો રાજસ્થાનમાં પગ મૂક્યા પછી જ ખબર પડે. મંદિરમાં પગ મૂકતાની સાથે જ સૌ ઠરી ગયાનો અહેસાસ કરતા હતા. મંદિરમાં પગમાં મોજા પહેરવાની પણ મનાઇ હતી. અને નીચે બરફ પર ચાલતા હોઇએ એવી ઠંડક હતી. પરંતુ મંદિરની રચના જોઇને મારી તો ઠંડી જ ગુમ થઇ ગઇ હતી. મંદિરમાં અદભૂત મહાદેવના દર્શન કર્યા. આસપાસમાં મંદિરના પરીસરમાં બીજા પણ અસંખ્ય મંદિરો હતા. પરંતુ ત્યાં જવા પર પ્રતિબંધ હતો. મારું મન થડું ખીન્ન થઇ ગયું પરંતુ મનોમન નક્કી કરી લીધું હતું કે ભવિષ્યમાં યેન કેન પ્રકારેણ આ મંદિરનો સંપૂર્ણ પરીચય મેળવીને જ જંપીશ. અને અમે સૌ પાછા ફરતા હતા ત્યાં જ આરતી નો ઘંટારવ થયો અને આગળના મંદિર ના એક ગોખમાંથી નરેનદ્રસરે તરત જોયું અને કહ્યું અહિંથી દેખાય છે આરતી થાય છે. સૌએ દર્શન કર્યા. ચા પીધી અને ગાડીમાં ગોઠવાઇ ગયા. શ્રીનાથજી આવી ગયું એક રુમ ભાડે કરી લેવામાં આવી અને લગભગ દોઢેક કલાકમાં બધા નાહી ધોહીને ફ્રેશ થઇ ગયા. ફટાફટ અમે સૌ મંદિર પર પહોંચી ગયા. વિઆઇપી ક્વોટામાંથી અમે મંદિરમાં એન્ટ્રી લીધી અને જીગરસર અને સમીરસરે સન્મુખ્ અને અમે સૌએ પાછ્ળથી આરતી નો લાભ લીધો. પાછ્ળથી કલ્પેશસરની પાછળ પાછ્ળ અમે પણ સનમુખ દર્શનનો લાભ લીધો. આજે દર્શન કરતી વખતે સમજાતુ હતું કે વાણિયા તો ભગવાનને પણ પોતાના જ બનાવીને રાખે. માત્ર એક જ શબ્દ સનમુખ પર તો રસ્તો કલિયર થઇ જાય. જીવનમાં ફરીથી જ્યારે હું શ્રીનાથજી આવીશ ત્યારે હું હંમેશા સન્મુખ શબ્દને હું મારી સાથે જ રાખીશ. ખરેખર મનોમન હું કલ્પેશસરનો ખૂબ ખૂબ આભારમાની રહ્યો હતો. અને એમણે શીખવેલ શબ્દ સન્મુખને તો હું ક્યારેય નહી ભૂલું. જીગર સર અને કલ્પેશસરની ગાઇડલાઇન નીચે અમે સૌ સમગ્ર મંદિરનો પરીચય મેળવ્યો. પાછા ફરતી વખતે અમે ધી તેલ ના કુવા જોયા. ખરેખર અદભૂત વાત હતી. શ્રીનાથજીમાં જ ઘણું મોડું થઇ ગયું હતું હજુ અમારે અંબાજી જવાનું હતું . હવે અમારી ક્રુઝરે હલ્દીઘાટી જવાનું શરું કર્યું. હલ્દીઘાટીમાં આ ઘાટી જોયા પછી ખરેખર મગજમાં એક સવાલ થાય જ કે શું મહારાણા પ્રતાપે ચેતક ઘોડાને આટલી મોટી જ્ગ્યા પરથી કુદાવ્યો હશે. ધન્ય છે એ ધોડાને અને ધન્ય છે એ સવારને.... હલ્દીઘાટી પર થોડી ફોટોગ્રાફી કરી અને ત્યાંથી આગળ નિકળ્યા. આગળ રસ્તાની બાજુ પરથી જ ચેતક ઘોડાની સમાધી અને એક મ્યુઝ્યમ પસાર થયું. મેં કહ્યું પરંતુ ગાડી ઉભી રાખવામાં ન આવી. કારણ કે મોડું થતું હતું. હજી ગબ્બર ચઢવાનો બાકી હતો. મોડું થઇ રહ્યું હતું. એક તરફ સખત ગુસ્સો આવી ગયો. પરંતુ બીજી જ ક્ષણે વિચાર આવી ગયો કે આ બધા બક્ષી કે મારી જેમ ઇતિહાસપ્રેમી થોડા છે. બસ થોડો ગુસ્સો આવી ગયો અને હું સૂઇ ગયો. કારણ કે એમ પણ થાકી ગયો હતો અને ઉંઘ આવતી હતી. થોડો આરામ થઇ ગયો અને આમ તેમ કરતા નજર પડી તો અમે મોટા હાઇવે પર આવી ચુક્યા હતા. હજુ પણ પહાડોથી ઘેરાયેલો રાજસ્થાનનો પ્રદેશ કંઇક અલગ જ ભાત ઉપસાવતો હતો. મેં મારા સાઇબરસૉટને તૈયાર કર્યો અને થોડા સારા ફોટો કલિક કરી લીધા. ખરેખર રાજસ્થાન નો આ પ્રદેશ એક અજાયબી જ છે. પાછો હું ઉંઘમાં સરી પડયો અને થોડીવારે જીગ્નેશસરે મને ઉઠાડ્યો અને જોયું તો બે મોટા પહાડોમાંથી બનાવેલા બોગદામાંથી અમારી ક્રુઝર પસાર થઇ ગઇ. ખરેખર આ કામગીરી એક અજાયબી જેવી જ લાગે છે. હજુ પણ તેમાં કામકાજ ચાલુ જ છે. બપોરના 2:30 થયા હતા. બધાને કકડીને ભૂખ લાગી હતી. અમે સૌ હોટલ પર ઉતર્યા અને પેટ ભરીને ખાધુ. પાછા અમે સૌ આગળ ઉપડયા. બપોરે 4 વાગ્યે ગબ્બર પર પહોંચ્યા. હું, નરેન્દ્ર્સર, જીગરસર, પાટીલ, જીગ્નેશ, વિપુલ, નાનકાણીસર અને સમીરસર ચાલતા ગબ્બર ચઢયા અને બાકીના રોપવેમાં બેસીને ગબ્બર ચઢયા. આ વખતે પાટીલ અને જીગ્નેશ બાજી મારી ગયા બન્ને સૌ પ્રથમ ઉપર ચઢી ગયા. ત્યાર બાદ નરેન્દ્ર્સર અને જીગરસર પહોંચ્યા. હું પાછળ હતો. પરંતુ પહોંચી ગયો ખરો. મને રસ્તામાં પીધેલું લીંબુ સરબત નડી ગયું. મારા પછી નાનકાણીસર અને સમીરસર આવ્યા. ઉતરવામાં તો નો પ્રોબલેમ. ફટાફટ ઉતરી જ ગ્યા. નીચે બધા ભેગા થયા અને અમે સૌ ફરીથી આગળ વધ્યા અને પહોંચી ગયા. અંબે માતાના મંદિરે. મંદિર બંધ હતું. બહાર લાઇનમાં થોડી પ્રતિક્ષા કરી. અને 6:30 મંદિર ખૂલ્યું અમે સૌએ મંદિરમાં આરતીનો લાહવો લીધો. ખરેખર મંદિરમાં આરતી કરવાની ખૂબ જ મજા આવી ગઇ. મંદિરમાં આરતી પતી અને અમે લાઇનમાં ઉભા હતા ત્યાં બાજુમાં શંકર ભગવાનની આરતી શરુ થઇ. એ આરતીમાં અમે સૌ સામેલ થયા. પરંતુ પૂજારી સાથે ત્યાંનો એક લોકલ ભકત હતો તે જે રીતે આરતી ગાતો હતો તે જોઇને ખરેખર અમે સૌ દંગ જ રહી ગયા. એક નિખાલસ બાળક જે અદામાં તેના બાપને રીજવે એ રીતે એ ભોળાને રીજવતો હતો. આરતી પછી પણ એણે શંભૂ શરણે પડી ગાયું. ખરેખર આ વ્યકિત ભોળાને રીજવી જ નાખશે એવા એના તેવર હતા. નિખાલસતા, ગંભીરતા અને ભકિતનો અજબ સંયોગ તેનામાં દેખાતો હતો. જો તે વ્યકિત મને મળેત તો હું ચોક્કસ કહેત કે ભાઇ આજે મને એવું લાગ્યું કે તમારા અને ભોળા વચ્ચે કોઇ હાજર ન હતું. ધન્ય છે દોસ્ત ધન્ય છે.....
દર્શન કરીને અમે સૌ પાછા ક્રુઝરમાં ગોઠવાઇ ગયા. ઇડર પાસે અમે સૌ ચા પીવા ઉભા રહ્યા. સામે એક વિશાળ પર્વત દેખાતો હતો. સમીરસરે મને તરત જ કહ્યું અજીત આ રસ્તા પરથી દેખાતો છેલ્લો પર્વત આગળ એક બીજો પર્વત આવશે બસ પછી પૂરું. પછી આપણે આવા પહાડો નહી જોઇએ. આ કથ્થઇ કલરનો પહાડ દિસવમાં ખૂબ જ સરસ લાગતો હોય છે. થોડીઘણી વાતો કરતા હતા ત્યાં ખેડબ્રહ્મા આવી ગયું. ત્યાં અમે સૌએ અંબિકા માતાના દર્શન કર્યા. અને ગાડીમાં ગોઠવાઇ ગયા. હવે લગભગ બધા જ સૂઇ ચૂકયા હતા. ટોલટેક્ક્ષ નાકુ આવ્યું ત્યાં પૈસા કાઢતા પણ વાર લાગી. બધા જ થાકી ગયા હતા. આખો દિવસ હા વર્ષનો પહેલો દિવસ અમે 24 કલાક બહાર વિતાવ્યો. કંઇક અલગ જ રીતે એન્જોય કર્યો. ખરેખર ખૂબ જ મજા આવી. મોડી રાતે અમે સનરાઇઝમાં ઉતર્યા અને સૌ પોતાના ઘર તરફ જવા નિકળી પડયા. આ વખતની મજાને યાદ કરત કરતા જ્યારે હું ઘરે જઇ રહયો હતો ત્યારે મને એક વિચાર આવ્યો કે દરેક ટ્રીપે અમને એક વાત ચોક્કસ શીખવી છે કે ફરવું એ એક મજા છે અને ગ્રુપમાં ફરવું એ એક અલગ જ લાહવો છે. એમાં ઘણું પ્રાપત થતું હોય છે. અને કદાચ આ વિચારમાં જ તો અમે સૌ તૈયાર થઇ જતા હોઇએ છીએ.

Ajit Kalaria