બુધવાર, 11 માર્ચ, 2026

Happy Birthday Bhai,



જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ ભાઇ, 


ઓસ્ટ્રેલિયાથી વતનની યાદમાં જે કોઇપણ યાદ આવતું હોય, જેનો ખાલીપો સતત અનુભવાતો હોય કે તમારા શબ્દોમાં કહું કે વિરહના વમળમાંથી પસાર થતાં મનમાં કેટલાક નામો સતત યાદ આવે તેમાં તમારૂં નામ અને ટહુકાની એ મુલાકાતોની સાંજ કે જેમાં સતત હું કંઇક પામીને જતો એ છે જ ! માત્ર છે, એ કહેવું થોડું ઓછું લાગે એટલે એમ કહીશ કે પહેલી હરોળમાં છે. હું એટલો ભાગ્યશાળી કે એક સારા વાચક તરીકે તમારા લિસ્ટમાં સામેલ થઇ શક્યો અને તમે એક વાચકને પોતિકો ગણીને પોંખ્યો ! હકિકતમાં આ મારી જ વાત છે એમ કહું તો ક્યાંક એ ભૂલ ભરેલી લાગશે કારણ કે તમે પ્રત્યેક વાચકને એવો જ પ્રેમ અને આસન આપ્યું છે. આજે મને ચોક્ક્સ કહેવાનું મન થાય કે તમે જ્યારે લખો છો ત્યારે તમારો વિચાર વૈભવ કેવો હોય છે, તો એ ક્યાંક પારિજાતના પુષ્પથી શરૂ થાય અને પર્વતના શિખર પર જઇને સમગ્ર વિશ્વનું અવલોકન કરે અને એક મજાનો ફિલોસોફિકલ નિચોડ આપે તેવો અદભૂત. તો વળી, ક્યારેક કોઇ મહાન ફિલોસોફરના વિચારથી શરૂ થતો નોચોડ ક્યાંક આપણાં જ વર્તન પર કે વિચાર પર આવીને પ્રશ્ન મુકી જાય તેવો ? તો વળી, ક્યાંક સિસ્ટમમાં રહેલાં લૂપહોલ તરફ અંગૂલી નિર્દેશ કરીને હજારોને કે સિસ્ટમને ઢંઢોળવાનું કામ કરે તેવો !  અને તમારા એ નિર્દેશ રૂપી તિરથી તમે નિશાન નથી જ ચૂકયા અને તમારા એ તીર ચોક્કસ વાગ્યા છે અને પ્રજાને કે ચોક્ક્સ વ્યક્તિને એનો ફાયદો પણ મળ્યો જ છે. તમારી કલમે ત્રાજવાના એક પલ્લામાં તમે આવા અદ્ભૂત વિચારો મુક્યા છે અને બીજા પલ્લમાં વૃંદાવન ઉભું કર્યું છે. જેમાં કૃષ્ણ સતત તમારા સખા રહ્યા છે, એમ કહીએ તો કશું જ ખોટું નથી. હકિકતમાં તમે તો આજના આ સમાજમાં અર્જુન જેવી ઋજુતા સાથે ઉભેલા અનેક મનુષ્યોને કે  જે ક્યાંક ને ક્યાંક કોઇ કૃષ્ણનો સાથ ઝંખે છે એના સારથી બન્યા છો. તમારા શબ્દો થકી તમે ક્યાંક હજારો વાચકોના જીવનપ્રત્યેના નવા અભિગમના પથદર્શક બન્યા છો અને હજુ પણ બનતા રહેશો એમાં કોઇ બે મત નથી. તમારા શબ્દો થકી પ્રત્યેક વાચક એક નવો દ્ર્ષ્ટિકોણ પામ્યો છે. એવું મારું ચોક્ક્સ માનવું છે. તો આજે જ્યારે તમે 9માં દશકમાં પ્રવેશી રહ્યા છો ત્યારે તહે દિલથી જન્મદિવસની શુભેચ્છાઓ અને હજુ પણ ગુજરાતી પ્રજાને તમારું પ્રદાન મળતું રહે એવી અભ્યર્થના. બાકી મનોજ ખંડેરિયાના શબ્દોમાં …

" મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઇ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.”

ત્યાં હાજર ન હોવાના અફસોસ સાથે, ફરીથી ભાઇ આપને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ ! 


ઉત્સાહનો ઉછળતો ફૂવારોનુ બિરૂદ પામેલો

અજીત કાલરિયા