આમ તો આપણે ત્યાં કોઇની યાદમાં સ્મરણાંજલિકા વહેંચવાનો નિયમ
છે જેમાં ભગવાનના ભજનો હોય કે થોડા ઘણા શ્લોક હોય કે થોડી આધ્યાત્મિક વાતો હોય પણ
જ્યારે અનેક માટે ભગવાનની સમકક્ષ હોય એવા અનોખા પાત્ર માટે જ આ કામ કરવાનું હોય
ત્યારે ક્યાક એ સ્મરણ ન રહેતા સ્મૃતિ વિશેષ થઈ પડે છે. અને થોડા મિત્રો,
થોડા સગાવ્હાલા અને તુષારના જ થોડા શિક્ષકોના અથાક પ્રયત્નો શરૂ થાય અને સોશિયલ
મીડિયા થકી તુષારને લાગતાં વળગતા સૌને મેસેજ આપાય કે તમારે તુષાર માટે કઈ કહેવું
હોય તો અમને લખી મોકલશો ! તુષાર પ્રત્યેની એ ભાવના- એની એ દાસ્તાન આખરે "આઓ અંદાજે સફર સબકો સિખાતે જાયે, રાહ મે નક્ષે કદમ મિલાતે જાયે".... ની ટેગલાઈન સાથે "ડો. તુષાર
એફ. પટેલ અવિસ્મરણીય સ્મૃતિ" ના ટાઇટલ સાથે આજે હાથમાં છે ત્યારે લાગણી અને
અશ્રુબિંદુ સહ એનો અભિષેક થતો અનુભવું છું. આમ જોવા જઈએ તો લાગણી - ભાવના - વ્યથા અને આભાર સાથેનો તુષારને એક ટ્રીબ્યુટ આપતું એક
તુષારનામા જ વાંચીએ ત્યારે આ સ્મૃતિવિશેષ આપણને લાગી ઊઠે છે. હા, એ વાત પણ પાકી જ છે કે તુષારને ચાહનારા આ બુકમાં છે એથી વિશેષ હજુ ઘણા છે
ક્યાંક એમને મેસેજ નથી પહોચ્યો તો ક્યાંક એમને પોતાની લાગણી કે ભાવનાને શબ્દદેહ
આપતા નથી ફાવતું એ હકીકત પણ સ્વીકારવી રહી.
આ અવિસ્મરણીય સ્મૃતિ ગ્રંથમાં ક્યાંક સેવાની સુવાસની મધુરમ
છેતો ક્યાંક કરૂણા છે તો ક્યાંક થેંક્સ ગિવિંગ છે તો ક્યાંક વેદના અને અફસોસની
વણજાર છે તો ક્યાક વિષાદ વચ્ચે પણ યાદ કરી ઉઠતાં તુષારના કર્મોના પ્રેરણાના પગરવ
છે. ક્યાંક કાવ્યરૂપે તો ક્યાંક શબ્દોના સ્પંદનમાં સતત તુષાર સૌને યાદ આવ્યો છે. આ
બધાની વચ્ચે ક્યાંક એના કર્તવ્ય પરાયણ સ્વભાવની વાત છે તો ક્યાંક એના આદર્શની વાત
છે. ક્યાંક એના કર્મોની મહેક છે તો ક્યાંક
એના માટે રૂપિયા નહી પણ માણસ મહત્વનો છે એવી અનેરી સુવાસ છે.
શ્રદ્ધા સુમન બાદ શુભેચ્છા સંદેશથી શરૂ થયેલ આ સ્મૃતિ
વિશેષની કહાની જ્યારે તુષાર : મારો માનસપૂત્ર પર આવે છે ત્યારે એક નવી જ
શીખરયાત્રા શરૂ થતી હોય એવું લાગે છે. તો 1995ની બેચ બોલે છે ત્યારે જાણે તુષારમય
સૌ બોલતા હોય એવું લાગે છે. અને આ બેચે આ મિત્રોએ એ આજે પણ તુષારને સતત સાથે
રાખ્યો છે એના વિચારોને પૂરી મક્કમતાથી પૂરા કરવા હરહંમેશ પ્રયત્નો કર્યા છે
તુષારના સપના એ એમના સપના બની ચૂક્યા છે એ માટે આજે એમનો તહે દિલથી આભાર માનવો જ
રહ્યો. એ સૌ મારા દોસ્તો પણ છે જ એટલે આ એમને નહી જ ગમે પણ જો હું નહી કહું તો
ક્યાંક હું નગુણો કહેવાવું ! તુષાર માટે અને 95ની બેચ માટે nostalgia ની ઈવેન્ટ બાદ સૌની બેચ બની રહી
અને સૌ એના જ બની રહ્યા. એટલે એ સૌ મિત્રો સાથે તુષારની ચેતનાને વંદન !
સ્મૃતિવનના ચિત્રો જોવું છુ ત્યારે એમ થઈ ઊઠે છે કે આજે
લોકો વચ્ચે તુષાર જેટલો પ્રસ્તુત છે એટલો જ આવતી કાલે - નવી જનરેશન માટે પણ એ એટલો જ પ્રસ્તુત રહેશે
એ પાકી વાત છે. તુષાર સ્મૃતિવનમાં એનું મોન્યુમેંટ જાણે આપણને સૌને કહી રહ્યું છે
કે એ દોસ્ત હું તમારી સાથે જ છુ જોવોને મારા વિચારોને તમે કેટલા અપનાવ્યા છે એને
પૂરા કરવા તમે જે કરો છો એ જ મારી જીત છે માત્ર માધ્યમ તમે બનો છો બીજો શું ફર્ક
છે. આજે જ્યારે એ તુષારનું મોન્યુમેંટ જોવું છુ અને અને સામે ઉભો રહું છુ ત્યારે
એમ થાય છે કે જો કોઈક થાકીને કે હારીને આવેલો માણસ સામે ઊભો રહેશે તો જાણે અંદરથી
તુષારનો આવાજ આવશે કે એ દોસ્ત તને ખબર છે તું થાક્યો છો - એ તારો વહેમ છે - દોડ હીમતથી દોડ હજુ તો તું હિમાલય ચડી શકે એટલું સામાર્થ્ય તારામાં પડ્યું
છે. જોને હું સતત દોડ્યો અરે છેલ્લા શ્વાસ સુધી દોડ્યો અને આજે પણ મારી એ દોડ
ક્યાંક મારા મિત્રો મારા સગા કે મારા પરિવારજાનો પ્રતિક્ષણ શ્વાસી જ રહ્યા છે.
દિલિપ સારે જે રીતે તુષારનો જીવનવૃતાંત રજૂ કર્યો છે એ
વાંચતાં તો એમ થાય કે જાણે આ તુષારનામારૂપી વાત ક્યાંક અનેક માટે પ્રેરણારૂપ સાબિત
થશે ! આશ્વાશનના ઓળીપા વચ્ચે પણ તુષારના શબ્દો આવે છે ત્યારે જાણે એક પવનની લહેરખી
એવી આવી જાય છે કે જાણે તુષાર સામે જ છે અને જાણે તુષાર એની અનેરી અદામાં જ કઈક
કહી રહ્યો હોય એવું પ્રતીત થયા વિના નથી રહેતું. આ ગ્રંથના દરેક પાનાં પર ક્યાક ને
ક્યાંક ગામના લોકોની સંવેદના અનેક સમયે સામે આવી ઊઠે છે. તો અનેક શિક્ષકોના
આશીર્વાદ છડી પોકારી ઊઠે છે તો ક્યાંક તુષાર નથીની વેદનામાં સર પાસેથી દુહા નીકળી
પડ્યા છે એ સંવેદના દેખાઈ ઊઠે છે. અનેક મિત્રોની જુબાં બોલે છે અને છેલ્લે જ્યારે
હું છુ જ... તારી આસપાસ ના ટાઇટલ નીચે વિન્નીની કવિતા આવે છે ત્યારે આ ગ્રંથ ખરા
અર્થમાં તુષાર માટે આપણાં સૌ માટે અવિસ્મરણીય બની રહે છે.
ટૂંકમાં સામાજીક સંબંધોની વણજાર જેની પાસે હતી,
પોતાના જ કર્મક્ષેત્રમાં અનેક સહયોગીઓનો જેને અનેરો સાથ હતો તો જે અનેક મિત્રોનો ખજાનો હતો અને એ ખાજાનાનો
કોહિનૂર પોતે હોવા છતાં એ સાવ સહજ જ હતો અને આ બધાની વચ્ચે દરેક સાથે પારિવારિક
હુફ જેવો નાતો હતો એ તુષાર બસ તુષાર હતો... બસ એ તુષાર હતો... તુષાર હતો.... અને આ
અવિસ્મરણીય ગ્રંથ આ સમાજના અનેક યવાનોને તુષાર બનવા કે તુષારના નકસે કદમ પર ચાલવા
મજબૂર કરશે એ પાકકું છે અને છેલ્લા એટલું
ચોક્કસ કહીશ કે જેમ ઓશોની સમાધિ પર લખ્યું છે કે Osho Never born, never
Die. Only visited this planet earth…. એવું જ તુષાર માટે પણ ચોક્કસ
કહીશ કે Tushar born to win the heart, heal the heart and to rule the
thousands of heart. Salutation to Dr. Tushar. તુષારની ચેતનાને
પ્રણામ.