ઋજુતા ભરેલા પ્રશ્નો અને અનેક મૌલિક વાતો સાથે પ્રત્યેક પાને લાવણ્યતા સાથે રજુ થયેલી વાતોનું એક અનોખું પુસ્તક એટલે કાગળની કુંજગલીમાં ! પ્રત્યેક પ્રશ્ન જાણે એક ઋજુતા સાથે વિચારોના વમળમાં ધકેલી મુકે છે.
400 કરતાં વધારે ઋજુતા ભરેલા પ્રશ્નો છે. આ પ્રશ્નો વચ્ચે અનેક ઉદ્ગારો ઉગે છે અને સાથે સાથે વિચારોનો વંટોળ ઉઠે છે. આવો અદ્ભૂત સમનવ્ય ધરાવતું એક ઓફ-બીટ પુસ્તક એટલે કાગળની કુંજગલીમાં ! આ કુંજગલીમાં ક્યાંક કવિતાનો કલરવ છે તો ક્યાંક સાચી વેદનાનો પોકાર છે, પણ જે છે એ બધું જ પોતિકું છે કશું જ ઉછીનું નથી. કોઇ મહાન હસ્તીનું ક્વોટ નથી પણ પોતિકા કહી શકાય એવા અનેક ક્વોટની ભરમાર જરૂર છે. વાંચતા – વાંચતા ક્યારેક તો ખરેખર કોઇ નિર્જીવ વસ્તુ સામે જોઇને વિચારે ચડી જવાય કે આ પદાર્થને જો વાચા ફૂટે તો કુંજગલીમાં જે શબ્દો છે એ જ કદાચ એ પ્રગટ કરી માવન સામે આવી ઉભા રહે ! એ બધામાં ક્યાંક, એકવેરિયમની વાતમાં પરપોટો પણ હોય અને એ વાત છેક કૂપમંડૂક સુધી પહોંચે અને બીજા છેડે એ જ એક્વેરિયેમ અશોક વાટિકાની એરણે ચડે અને ત્યાં માણસની મૃદુતાના આક્રંદની કસોટી સાબિત કરે એવી કુંજગલી આ પુસ્તકમાં શ્વાસે છે તો ક્યાંક મેઘધનુષ્યથી સુગંધના વિસ્તાર સુધીનો વિચાર વૈભવ કુંજગલીમાં ખીલી ઉઠે છે. ત્યારે ચોક્ક્સ જાણે પુસ્તકનું નામ કાગળની કુંજગલીમાં સાર્થક ઠરે છે. અરે, આવી જ કુંજગલીમાં ક્યાંક પારસ વિચારો થકી કિડીથી કૃષ્ણ સુધી વિસ્તરતો દેખાય છે. તો ક્યાંક કાગળની વેદનાને જ કાગળ પર આલેખતા પારસ કુમાર સતત ઋજુતા ભરેલા હોવાની પ્રતિતી કરાવી જાય છે. વૃક્ષની વેદના તો ઘણી સાંભળી પણ પાંદડાની વેદનાને પણ જાણે પર્ણમય બની પામી આવવાની જેની પહોંચ ચત્તી થાય છે એ પારસ કુમારની કલમ ક્યાંક આ કુંજગલીમાં સતત શ્વાસતી દેખાઇ ઉઠતી હોય છે. એમ સમજો ને કે શબ્દે શબ્દે જાણે વિચાર મહેકી ઉઠયા છે અને એ વિચાર આપણને પોતિકાપણાનો પણ અહેસાસ કરાવી જાય છે.
પોતિકો લય – પોતિકા વિચારો અને પોતિકી રજુઆત સાથે એક ઋજુ માણસ ખીલે તો કેવો ખીલે એનું ઉમદા ઉદાહરણ એટલે કાગળની કુંજગલીમાં ! સાચું કહું આ કુંજગલી ક્યાંક કોઇક કોલેજના કેમ્પસના પગથિયા બેઠેલ યુવાનને કે બાગમાં બેસી પોતાની ફુરસતમાં મસ્ત એવા મિજાજી મિજલસી માણસને કે પછી સૂર્યોદય સાથે જ પુસ્તકને પોતિકુ ગણી એને માણનારા મજાના માણસને કે પછી નેક દિલ બંદાને ઝંકઝોળ કરી અદ્ધરતા બક્ષી જવા સર્જાયું છે એવું કહું તો એમાં કશી જ અતિશ્યોકતિ નહી હોય ! અને ક્યાંક આવું ચોક્ક્સ બની ઉઠશે એ પણ પાક્કુ જ છે. અરે, ક્યાંક કોઇક સ્કૂલના પ્રાંગણમાં કે પછી ઓડિટોરિયમમાં માઇક પરથી એક વિદ્યાર્થી આ પુસ્તકના શબ્દોને વાચા આપી સામે ઉભેલા અનેક વિદ્યાર્થીઓને અનોખી કુંજગલીમાં ઋજુતાભેર લઇ જશે અને એમાંથી પણ ક્યાંક કોઇક પારસ કુમાર ખીલી ઉઠશે ત્યારે ખરા અર્થમાં પારસ કુમારનું પુસ્તક કાગળની કુંજગલીમાં સાર્થક થઇ ઉઠવાનું ! અને મને પુરો વિશ્વાસ છે કે મારો આ વિચાર આજે નહી તો કાલે ગુજરાતના કોઇક ખૂણે ચોક્કસપણે ખીલી ઉઠવાનો ! અને આ પોતિકી લાગી ઉઠતી પારસ કુમારની કુંજગલી અનેક જગ્યાએ ફણગો થઇ ફૂટી ઉઠવાની એ પાક્કુ જ છે. આવું મજાનું પુસ્તક ગુજરાતી સાહિત્ય જગતને આપવા માટે પારસ કુમાર તમને
અભિનંદન
સહ શુભેચ્છાઓ
!!!!