સોમવાર, 9 નવેમ્બર, 2020

સુગંધનાં સરનામાં




નમસ્કાર કનુભાઇ આચાર્ય,

આપનું પુસ્તક સુગંધનાં સરનામાં એકી બેઠકે વાંચી જવાનું બન્યું. આપે ચિંધેલા સરનામાં તો જીવનપ્રેરક અને તિર્થસ્થાન સમા છે જ ! પણ સાથે સાથે એ કહેવાનું મન થાય કે આજે જ્યારે આખો સમાજ આર્થિક દોડની પાછળ દોડી રહ્યો છે અને જાણે એક મશીન બની ચુક્યો છે, એને ક્યાંક જગાડી મૂકે અને પથ્થર બની ગયેલા મનને ક્યાંક ઝીણી ધારે ભીંજવી પાડે એવું મજાનું આલેખન થયું છે. વાંચતાં વાંચતાં ક્યાંક આંખોના ખૂણા ભીના થઇ ઉઠે છે તો ક્યાંક એ મજાના પરબ ધામના સરનામે પહોંચી જવા મન ઘેલું થઇ ઊઠે છે. તમારા દરેક આલેખનમાં માત્ર વાત નથી. વાતની સાથે સાથે લાગણીનો રણકાર છે. સામેના ની વેદના કે વાત ને તમે બખૂબી પ્રમાણી છે - અને વધાવી છે એનો પુરાવો છે. તમારી દરેક વાતમાં સત્યનો રણકાર આપો આપ પ્રગટ થતો દિશે છે. તો ક્યાંક તમારું ઉચ્ચકક્ષાનું વાંચન અનેક શબ્દો દ્વારા પ્રગટ થતું દિશે છે. અંગ્રેજી ક્વોટ હોય કે કોઇ અંગ્રેજી શબ્દ કે કોઇ ઉપનિષદીય વાત કે ગીત-ગઝલ કે કિવતા તમારા બીજા આયામોનો પણ પરિચય આપી જાય છે. જે મારા જેવા અનેક વાચકોને લાગણીભીના, ભાવનાશીલ અને આધ્યાતમથી ભરેલા કનુભાઇનો પરિચય આપી જાય છે. સુગંધના સરનામાએ મને માત્ર પુસ્તિકા ન લાગતાં સમગ્ર પરિવાર સાથે દરેકે દરેક  તિર્થસ્થાને જઇ આવાવાનું નેવિગેટર લાગ્યું છે. અને હું આ સરનામાએ આજે નહી તો કાલે જરૂર પહોંચીશ જ એ નક્કી છે ! અંતમાં એટલું જ કહીશ કે સુગંધના સરનામા ક્યાંક હ્રદય પરિવર્તન કરી આપનાર કે કોઇ સહજ જીવને પોતાને વિચારો સાથે આગળ વધાવાનું ઇંધણ પુરુ પાડે એવું મજાનું પુસ્તક છે.

 

-    અજીત કાલરિયા