ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ super 30 મૂવી જોયું. મજા
આવી ગઇ... મન આનંદીત થયું,રોમાંચિત થયું અને થોડું ખિન્ન થઇને વિચારે ચડી ગયું. હા, એવું નથી કે super 30 ની સ્ટોરીથી હું
અજાણ હતો,આજથી વર્ષ – દોઢ વર્ષ પહેલા
જ્યારે Outlookમાં એ સ્ટોરી
આવેલી ત્યારે દિલીપ સરે ખૂબ જ સરસ નેરેટ કરીને ફેસબુક પર મુકેલી એ વાતો નજર સમક્ષ
આવવા લાગેલી.પણ સાથે સાથે શિક્ષણ જગત પણ
નજર સમક્ષ તરવરવા લાગ્યું કે ક્યાં શોધું આવા આનંદ કુમારને ગુજરાતની ધરતી પર.પૈસા
લઇને ભણાવે તો પણ વાંધો નથી પણ ભરી પડેલી ટેલેન્ટ બહાર ન લાવી શકે અને
વિદ્યાર્થીને અપીલ જ ન કરી શકે એનું શું ? કારણ કે આ બધું નજરે દેખાય છે,સમજાય છે અને
બળાપો નીકળે છે એટલે જે શિક્ષકોને લાગી આવવાનું હોય અને પોતે મારા શબ્દોથી લાંછીત
થયા છે એવું લાગવાનું હોય તો વાંચવાનું અત્યારથી જ બંધ કરી દેજો,બાકી પંતુજીની જેમ
શિક્ષણ શબ્દ સાથે જીવન પુરુ કરી દેનાર શિક્ષકો માટે આગળના મારા શબ્દો
ગુરુપૂર્ણિમાના દિવસે ગ્રહણ સમાન જ છે. હિંમત હોય તો જ વાંચજો.......
લો.....
હા, આવતીકાલે દરેક સ્કૂલના પ્રાંગણમાં એક કાર્યક્રમનું આયોજન
થાશે.ચોપડે નોંધ લેવાશે.અહેવાલ સરકાર સુધી પહોંચે એ માટે સ્કૂલનો આચાર્ય સુંદર
અક્ષરોમાં પોતે અથવા બીજા કોઇ શિક્ષક પાસે સમગ્ર આયોજનની નોંધ તૈયાર કરાવડાવશે.
અને પછી જ્યારે કોઇ શિક્ષણ અધિકારી આવશે ત્યારે આગળ પાછળ ફરીને પોતે કરેલા આવા
ફાલતું કામોની નોંધ બતાવશે સંતોષ માનશે..... બસ આ જ દાસ્તાન છે દરેક ઓર્ડિનરી શિક્ષક
અને આચાર્યની! બાકી દરેક વિદ્યાર્થીની જેમ જ મારી આંખ એક ઓફબીટ શિક્ષકને શોધે
છે.પણ ભાગ્યેજ ક્યાંક દેખાય છે.આજના દિવસે દરેક શિક્ષક સ્કૂલના બાળકો પાસેથી ભરપૂર
આદર પ્રાપ્ત કરશે અને એક દિન કા સુલ્તાનની માફક ફૂલાઇને પાછા એ જ પ્રકારના એક
બીબાઢાળ વેદિયાવેળામાં આખું વર્ષ પુરુ કરી દેશે પંતુજી! ખુટે છે ઘણું ઘણું ખુટે છે
ક્યાં સમજાવવું એ નાનકડા બાળકોને ! સખત
નફરત રહી છે મને એવું કહેવાવાળા શિક્ષકોથી કે અમે તો અમારું કામ પુરુ કરી લઇએ છીએ
સરકારનું પણ અને બાળકોને ભણાવવાનું પણ.આનાથી બહાર જઇને કામ કરી બતાવે એવા
શિક્ષકરૂપી ગુરુની શોધ આ ગુજરાત કરે છે.જેને ફિલોસોફી શબ્દની જ ખબર નથી એવો શિક્ષક
બાળકના હાવભાવ અને વર્તણૂંક પરથી શું કળી શકવાનો ? સારા શિક્ષકો નથી
જ સાવ એવું પણ નથી જ ! પણ દુ:ખ સાથે કહેવું પડે છે કે ભણાવી લીધા બાદ પણ વર્ષો
સુધી યાદ રહી જાય એવા શિક્ષકો સતત ઘટતા જાય છે. મારી નજરમાં નથી એવું પણ નથી! છે જ
! પણ પ્રમાણ ઘણું ઓછું છે લો જવાબ આપું...... ઉનામાં નચિકેતા જેવું મિશન ચલાવીને
બાળકોની ટેલેન્ટ બહાર લાવવા માટે જીવન નિચોવી દેતા આનંદ ઠાકર અને રાજેન્દ્ર
જોષી જેવા શિક્ષકને હું મળ્યો છું. તો
ભરપુર વાંચન કરીને કિન્ડલ દ્વારા પોતાને સતત અપડેટ રાખી શકે અને અંતરની ઊર્મિઓને
બુક બનાવીને પ્રગટ કરી શકે તથા જેની પાસે ખુદની જોતાવેંત ગમી જાય તેવી લાઇબ્રેરી
છે એવા જામનગરના પારસ કુમાર જેવા શિક્ષકોને પણ હું ઓળખું છું.હજુ હશે મારી જાણ
બહારના આવા નામ એ બધા માસ્ટરો(માસ્તર નહી !)ને મારી સલામ! પણ અફસોસ એક જ છે કે એ
વર્ગ માત્ર આંગળીને વેઢે ગણાય એટલો જ છે.
મોરારિ બાપુ હોય કે ગુણવંત શાહ હોય કે સાંઇરામ દવે હોય એમણે એક શિક્ષક ક્યા
લેવલ સુધી જઇને સમાજને નવા સ્તર પર લઇ જઇ શકે છે એનું ઉદાહરણ પુરુ પાડ્યું જ છે.
સાચું કહું, હું એવા શિક્ષકને શોધું છું જે 10-12 વ્યક્તિઓની
આત્મકથા વાંચી ચૂક્યો હોય,3 થી 4 એના પ્રિય લેખક હોય જેના પર એ ખુલ્લા મને
ચર્ચા કરી શકે, નોલેજ માટે ઘરે
બે કે વધારે ન્યુઝ પેપર આવતાં હોય અને રોજે રોજ ક્લાસમાં હાજરી પત્રક ન ભરીને કંઇક
નવી વાત બાળકોને કહીને પછી સ્કૂલની બુક ખોલાવીને ભણાવતો હોય. પણ, સાચું કહું આ
બધું પંતુજીઓ માટે તો મિજાજ બહારની વાત
છે. બીબાઢાળ શિક્ષકોની જમાત બેઠી છે અને એની
એક જ વાત કે આજકાલના બાળકો બગડતા જાય છે,
બાળક બગડતો નથી એ તારા કરતાં અપડેટ છે એટલે બોરીંગ વાતોમાં
એને કોઇ રસ પડતો નથી.આ સીધું સમજાતું ગણિત અર્બન એરિયામાં ચાલતી પ્રાઇવેટ સ્કૂલનો
વધીને 15000નો પગારદાર
શિક્ષક નહીં જ સમજી શકે ! કારણ કે એણે માત્ર દિવાળી જ વધારે જોઇ છે અને એ જે બાળક સામે
પ્રેઝન્ટ થાય છે એ બાળક નેટફ્લિક્સ પર કે એમેઝોન પ્રાઇમ પર પંતુજી એ નામ પણ ન
સાંભળ્યું હોય એવી ફિલ્મો જોઇને આવ્યો હોય છે. એમાં એ ક્યાંથી આગળ નીકળી શકે બોલો ?
એ પંતુજી સ્કૂલમાં ભણાવવા આવે છે એમાં એનો સર્વાઇવ થવાનો
જ સ્વાર્થ રહેલો છે.બીજુ કશું જ નથી.એને
યેન કેન પ્રકારેણ માત્ર ડ્યૂટી પુરી કરવી છે.પણ હું શોધું છું એવા શિક્ષકને જેણે
બે-ચાર સાયન્સ ફિકસન નોવેલ વાંચી હોય કે 10 બાર સાયન્સ ફિક્સન સ્ટોરી બાળકને કહેવા માટે
મોઢે હોય કે પછી 8-10 સાયન્સ ફિક્સન
મૂવી જોઇ હોય એવો શિક્ષક ખરેખર ગુરુ પદને શોભાવે.... બાકી તો, બધાને પંતુજીઓની જ જમાત ગણવી પડે ! તો બીજી બાજુ ક્લાસીસ ચલાવતા એ શિક્ષકને માત્ર
બાળકના રિઝલ્ટમાં જ ઇન્ટરેસ્ટ છે એને માત્ર પેરેન્ટસને સાબિત કરી બતાવવું છે કે
અમે એટલું સારું ભણાવીએ છીએ કે ઊંચામાં ઊંચું રીઝલ્ટ આપવામાં અમે હંમેશા ખરા ઉતરીએ
છીએ. અને એટલે જ,
એ માત્ર સિલેબસરૂપી ટ્રેક પર જ દોડ્યા કરે છે જે બાળકના
જીવનમાં બળતામાં ધી હોમવાનું કામ કરે છે. આમાં ને અમાં બાળકની બીજી ટેલેન્ટ અને
ક્રિયેટીવીટી પુરી થઇ જાય છે. આમાં શું વાંક એ બાળકનો એ મને સમજાતું નથી. અને સાથે
સાથે એના મા-બાપને પણ નથી સમજાતું એ મારે
મન મોટો પ્રશ્ન છે. આમ, બાળક જય તો ક્યાં જાય કોને કહે ? શું કહે ? ટ્યુશન ચલાવતા બધા જ શિક્ષકો એવા છે
એવું નથી જ કહેતો ત્યાં પણ અપવાદ તો છે જ ! પણ, જ્યાં સુધી એક શિક્ષક સમજી નહી શકે કે સામે
બેઠેલ બાળકનો એ પહેલો રોલમોડેલ છે ત્યાં સુધી એ શિક્ષક માત્ર ને માત્ર પંતુજી જ
છે. સીધી અને સરળ દેખાઇ ઉઠતી આ વાત પણ ન સમજી શકનારને શું ગણવો ? સિસ્ટમ પર દોષારોપણ કરનારો
શિક્ષક માત્ર જવાબદારીમાંથી છટકનારો જ છે એમ હું ચોક્ક્સ કહીશ બાકી પોતાની રીતે
કામ કરનારા અને ફરજ કરતાં વધુ આપનારા શિક્ષકોને વર્ષો પછી પણ સ્ટુડન્ટ યાદ રાખે જ
છે અને એમની કહાની ક્યાંક ને ક્યાંક બોલાય જ છે. તો બીજી બાજુ ગામડાની સ્કૂલમાં ફુલ
પગાર લઇને ભણાવતા શિક્ષકને કાં તો કામચોરી
કરવી છે અથવા તો ત્યાંના બાળકોમાં એને ખાસ કંઇ ખાસ રસ નથી. એ માસ્તરને બાળકને સપના
બતાવતા આવડતું જ નથી. કારણ કે એના પણ કોઇ સપના જ નથી તો એ બીજાને કેવી રીતે બતાવી
શકશે. અને એની આ શૈલી જ એને માત્ર ને માત્ર માસ્તર જ બનાવી રાખે છે. અને એ જીવન
પર્યંત માસ્ટર નથી જ બની શકતો. બાકી વર્ષો પહેલા ગુણવંત શાહે કહેલા શબ્દો મને આજે
પણ સાચા લાગે છે કે “ જેણે જ્ઞાનસાધના કરી હોય, જે ચારિત્ર્યવાન
હોય અને જેનું જીવન પ્રમાણમાં ઉદાત્ત હોય તેનો પ્રભાવ વિદ્યાર્થી પર પડે જ છે.
યુનિવર્સિટીઓમાં પગારદાર પ્રાધ્યાપકો તો બધા હોય છે, પરંતુ પ્રભાવ તો
સાચા અને તેજસ્વી પ્રાધ્યાપકનો જ પડે છે. નિસ્તેજ આચાર્ય સમાજને લાંબે ગાળે ખૂબ
મોંઘો પડે છે. શિક્ષણની ગુણવત્તાનો ખરો આધાર કેવા શિક્ષક સમાજને મળ્યા છે, તેના પર રહે છે.
જે પ્રભાવહીન હોય તે આચાર્ય નહીં, લાચાર્ય ગણાય.”
ગુણવંતભાઇએ કરેલી આવી વાત જ્યારે ગુજરાતમાં મોટી સંખ્યામાં
સાચી પડતી દેખાશે ત્યારે કોઇક ખૂણામાંથી આનંદ કુમાર ઉભો થશે એ પાક્કુ બાકી ત્યાં
સુધી તો માત્ર મોટા પાયા પર બદલાવની જરૂર છે. વિચારમંથનની જરૂર છે. મોટા પાયે
શિક્ષકોના અપડેશનની જરૂર છે. અને જે અપડેટ થવા તૈયાર ન હોય એને ઘરનો રસ્તો બતાવી
નવાને તૈયાર કરવાની જરૂર છે.
બાકી મારા જીવનમાં તો મને અનેક ટેલેન્ટેડ અને કમીટેડ ગુરુઓ
મળ્યા. એટલે એમને તો હું ચોક્ક્સ કહીશ કે....
Happy
Guru Purnima to દિલિપ મહેતા સર. જીવનમાં
જોયેલ અને માણેલ સૌથી વધુ ટેલેન્ટથી ભરેલ ગુરૂ.
Happy
Guru Purnima to જે.ડી. પટેલ સર. ગણિત અને
વિજ્ઞાન ભણાવતો શિક્ષક કવિતાપ્રેમી અને સાહિત્યપ્રેમી પણ હોઇ શકે એ તમે સાબિત કરી
ગયા. અને મારા જેવા અનેકના પ્રેરણાસ્તોત્ર.
Happy
Guru Purnima to જોરૂભા ખાચર સર જેમણે મને
કશું જ ભણાવ્યું નથી પણ એમને જોઇને એમને અનુસરીને ઘણું શીખાયું છે.
Happy
Guru Purnima to મેહુલ મહેતા અને ગૌરાંગ
શાહ કે એમની ભણાવવાની સ્ટાઇલ મેં જીવનમાં ઉતારી. તો Happy Guru Purnima to મનીષાબેન પાનવાલા
જેવા પ્રધ્યાપિકા કે જેમને હું ઓળખું છું, સત-અસત નામની સાઇન્સ ફિક્સન નોવેલ આપી ચુક્યા
છે. અને જેમની પાસે એક અલગ જ પૉટેન્શિયલ છે.
તો આશિર મહેતા જેવા ડેશિંગ પણ નિખાલશ અને નોલેજથી ભરેલ અલગ જ પર્શનાલિટી ધરાવતા પ્રોફેસર ને પણ Happy Guru Purnima . તો વળી નિમેશ જોષી જેવા
કમીટેડ મિત્ર પ્રધ્યાપકને પણ Happy Guru Purnima.
Happy
Guru Purnima to જાગૃતિ મેડમ, પાટડિયા સર, નૈરૂતી મેડમ, એસ.બી. સોલંકી સર, ડી.બી. સોલંકી સર, સુવર્ણા મેડમ, તરૂ મેડમ, વૈશ્ણવ મેડમ, ગીતા મેડમ, પરાગી મેડમ જેવા
શિક્ષકો કે જેમને મેં પુર્ણ સમર્પણ અને ખંતથી ભણાવતા માણ્યા છે.
Happy
Guru Purnima to આનંદ ઠાકર, રાજેન્દ્રભાઇ
જોશી, પારસ કુમાર, નરેન્દ્ર ખાચર, મનોજ નાનકાણી કે સ્વાતિ જોષી જેવા જુજ શિક્ષક મિત્રો
કે જે જન્મજાત શિક્ષક છે એવું સાબિત કરી ચુક્યા છે.
બાકી હજુ પણ એવા થોડા નામ હશે જે ખરેખર લાયક હશે અને હું
ભૂલી ગયો હોઇશ કે ઓળખતો નહીં હોઉં એવા શિક્ષકોને પણ Happy Guru Purnima .
આનંદ કુમારના જીવન કર્મ પર આધારીત ફિલ્મ સુપર 30 થોડા ઘણા અંશે શિક્ષક જગતને
જગાડનારી બની રહે એવી આશા તો છે બાકી તો હરી હરી.
અને બાકી રહેલા પંતુજીઓને રામ રામ.