વિચારોથી ભરેલા, ઉત્સાહથી ભરેલા, હોંસલાઓથી ભરેલા, લાગણીથી
ભરેલા માણસ એટલે જશુભાઇ ડી પટેલ. એક નહી અનેક જોરદાર આયોજન કરી શકે એવો એક શિક્ષક
જીવ એટલે જશુભાઇ ડી પટેલ. કદાચ એમ કહી શકાય કે શિક્ષણ જગતને જ કંઇક આપી જવા માટે જ
જન્મ લીધો. તો સાથે કામ કરતા માણસો અને વિદ્યાર્થીઓને
એટલું તો આપ્યું કે આજે પણ મારી જેમ અનેકના માનસપટ્ટ પરથી આ નામ ભુલાતું નથી. નવ
નવેમ્બર એટલે એમનો જન્મદિવસ. હા, આજે એમને યાદ ન કરું તો ક્યારે કરું... હું
જ્યારે ધોરણ 8માં ભણતો ત્યારે આ વ્યક્તિ મારા જીવનને અનેક રંગોથી ભરી દેવા માટે
આવી. મેથ્સનો એક શિક્ષક કવિતા અને સાહિત્યનો શોખીન અને સાથે સાથે સ્ટેઝના માણસ...
કવિતા તો એવી રીતે બોલે જાણે કવિતાનો લય એમની રગોમાં લોહીની જ્ગ્યાએ પ્રસરતો હોય.
મને સ્ટેઝ સુધી પહોંચાડનાર એટલે જે. ડી.
પટેલ. હા, આજે પણ પ્રેરણા ક્લાસનો એ દિવસ યાદ છે જ્યારે હું પોતાની જ્ગ્યા પર ઉભો
થઇને કવિતા બોલતો હતો અને ધ્રુજી ગયો હતો... બીજા મિત્રો હસ્યા પણ હતા. પણ સર તરત
જ બોલ્યા હતા થાય અજીત કશું જ નહી આગળ આવ અહીં આવીને બોલ.. આગળ સ્ટેઝ પર જઇને
બોલ્યો અને પછી કહ્યું કાલે મોઢે કરીને આવજે અને અહીંયા આવીને જ બોલજે અને પછી
અજીત કાલરિયાએ ક્યારેય પાછું વળીને જોયું જ નથી. મેથ્સના શિક્ષક જે.ડી. પટેલ એટલે
મને સાહિત્યના મોડ પર મુકનાર. હા, આવો જ એક બીજો દિવસ એટલે... બસ એકાદ ચેપ્ટર
થોડું વહેલું પત્યું હશે અને સમય બચ્યો હશે પોતાની બેગમાંથી બ્લેક કલરના પુઠાવાળી
ચેતનાની ક્ષણે બુક કાઢી અને એક માં એ એના આવનારા બાળક પર લખેલો પત્ર વાંચ્યો અને આ
બંદાએ પહેલી વખત પાઠ્યપુસ્તક સિવાયની બુકની
મજા માણી... શબ્દો જ ન હતા... આફ્રિન... ઘરે જઇને મમ્મીને કહ્યુ કે મમ્મી મારા
મેથ્સ સાઇન્સમાં પુરા માર્કસ આવે એટલે બુક્સ લઇ દેજે અને આપણે લાવ્યા કારણે સર જે રીતે
ભણાવતા હતા તે જોઇને કોન્ફિડન્સ ચરમસીમા પર જ હતો. એક નહી બે બુક્સ મળી ચેતનાની ક્ષણે અને ચેતનાની પળે. આવી રીતે મારો વાંચનવિશ્વમાં
પ્રવેશ થયો. પ્રેરણા ક્લાસમાંથી ઘણું ઘણું કહી શકાય એટલું શીખ્યા..સરનો ક્લાસ
હંમેશા નિર્વાણાષ્ટકમથી થતો અને એ પ્રાથના શબ્દો “મનોબુદ્ધય અહંકાર ચિંતાની નાહમ
...” આજે પણ ક્યાંક સંભળાઇ ઉઠ્યાનો ભાષ
થતો હોય છે સર સાથે એક મોટીવેશનલ લેટર
રાખતા જે અમને અમારી બર્થડે પર આપતા.સર તમે એ જ લેટરમાં લખેલા શબ્દો કે “મને તો આવતીકાલનાં ઉજાસમાં
શ્રદ્ધા અને વિશ્વાસ છે. પ્રેરણાનાં પારેવા માતા-પિતા, વડિલ-ગુરૂ અને આ દેશની
તમન્નાને પરિપૂર્ણ કરવા અને સ્વતંત્ર વિચારો, આગવી સૂઝ, વિશિષ્ટ સુઝ અને ખેલદિલી સાથે
, પ્રેમ સાથે અરમાનો સાથે કુદરતના સુંદર સાનિધ્યમાં...આ પાર... પેલે પાર અને ગગનને
ચારે કોર પંખ ફેલાવી ઉડતા હશે.” Yes sir તમારા એ પારેવા
ગગનને ચારે કોર જગતને ખૂણે ખૂણે ઉડી રહ્યા છે તમારું નામ રોશન કરી રહ્યા છે અફશોસ
એ જ કે માત્ર તમારું આ સપનું જોવા તમે જ નથી. તમારા વિચારો અનેક વિદ્યાર્થીઓમાં
ફણગો થઇને એવા તો ફુટ્યા કે એ આજે પણ ક્યાંક તમારા શબ્દોમાં કે તમે બોલેલી કવિતામાં
કે તમારી સ્પિચમાં કે તમારી અદાઓમાં એ ક્યાંક પડધાયા કરે છે. સર તમે ભણાવવાની સાથે
સાથે એટલું બધું આપ્યું કે બસ સામે વાળાની ઝિલવાની તમન્ના જોઇએ. અનેક સ્પર્ધાઓ અને પ્રવાસના એવા તો આયોજન થાય
કે સર ઘરના રૂપિયા ઉમેરીને પણ અમને જલસા કરાવે. ક્લાસના ફંકશનોમાં અનેક ઇનામો અપાય
અનેક નામી અનામી વ્યક્તિનો પરીચય થાય. આજે પણ મને યાદ છે કે એ સમયે મને ઇનામમાં
પિયરર કર્ડિનની પેન મળી હતી. અમે વિદ્યાર્થીઓ ફંકશનોમાં બોલવા માટે કવિતાઓ લખતા... સર ક્લાસમાં
કયારેક સુરેશ દલાલે લખેલી મિત્રો વાળી વાત વાંચે તો ક્યારેક સત્યવાનસાવિત્રીની વાત
બોલે ત્યારે અમે સૌ એક અલગ જ ભાવવિશ્વમાં ખોવાઇ જઇએ અને સરની જેમ કેવી રીતે બોલવું
એ શીખતા. જાણતા અજાણતા જે.ડી. પટેલે અનેકને ઘણું ઘણું આપ્યુ છે. સ્કુલ પછી પણ સર
સાથે અનેરો સંબંધ રહ્યો. પછી પણ અનેક પ્રવાસો સાથે કર્યા તો અનેક વાતો વહેંચી. લગ્ન-સગાઇ
કે ગમે તે પ્રસંગ હોય સર હંમેશા આવે જ. મારા જીવનની 25મી વર્ષગાંઠ પર ઘરે પણ આવ્યા.
જે.ડી.પટેલ માટે એક જ શબ્દમાં કહેવું હોય તો કહીશ કે સર એટલે સંબંધોના સરોવરના
માણસ. સરની પર્સનલ એવી ડાયરી પણ વાંચવા મળી અને સરને વધુ જાણ્યા તો એ જ ડાયરીમાં
સરને ક્યાંક પડઘાતા જોયા તો એ શબ્દોથી જ એમને આજે અંજલી....
- “ સાહસ
કરવું, સંકલ્પ કરવો અને પછી વળગી પડવું.”
- “ પ્રસંગોથી
માણસ ઘડાતો હોય છે પથ્થર પર હથોડો પડે અને એમાંથી જ મૂર્તિ ઘડાય છે.”
- “ સમય સઘળુ
શિખવાડે, સમય વગર સફળતા ન સાંપડે.”
- “ મને ક્યારેય
થાક નથી લાગ્યો, થાક્યા પછીય હું દોડ્યો છું.”
- “ સાચી
લાગણીઓને પામનારા સૌ હોતા નથી, એને માણનારા કોક જ હોય છે.”
- તમને
અંતરાત્મા કહે તે પ્રમાણે કરો – બીજા લોકો તમારા વિશે શું ધારશે તેની ફિકર ન કરો.
હિંમત પૂર્વક કાર્ય કરતા રહો લોકલાજથી ડરશો તો ઘણી સિદ્ધિઓથી વંચિત રહી જશો.”
છેલ્લા એક જ વાત કે જસુભાઇ પટેલ એટલે હાર્યા પછી પણ જીત મળે
એવું કહેવાવાળા શિક્ષક...