મિત્રો જય શ્રી હનુમાન,
છેલ્લા એક વર્ષથી હું રાહ જોતો
હતો કે હવે મારે પણ નિલેશકાકા સાથે સાળંગપુર ચાલતા જવું છે જ. અને આખરે એ દિવસ આવી
પહોંચ્યો માગશર સુદ અગિયારસના દિવસે. મારે તિથિ એટલા માટે લખવી પડે છે કે આ મારો
આખો આર્ટિકલ સાળંગપુરની પદયાત્રાનો છે. અને આજથી 5 – 7 હજાર વર્ષ
પહેલા કુરૂક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણના મુખે આ જ દિવસે અર્જુનની સાથે સાથે
હનુમાનજી એ પણ ગીતા સાંભળી હતી. એ તો મારું સદભાગ્ય કહેવાય કે એ જ ગીતા જયંતિના
દિવસે હું ચાલીને હનુમાનદાદાના દર્શન કરવા નિકળ્યો છું ત્યારે મને મનોજ ખંડેરિયાનો
શૅર યાદ આવે છે.....
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે
નગર જવા
ચરણ લઇ દોડવા બેસું તો વર્ષોના
વરસ લાગે.
હનુમાનદાદાના દર્શન માટે સવારના
5 વાગ્યે ઉઠીને તૈયાર થવા લાગ્યો અને સવારે 6 વાગ્યે નિલેશકાકાની ઘરે જવા માટેની
તૈયારી કરી દીધી. લગભગ 7 વાગ્યે તેમની ઘરે પહોંચી ગયો. જીગ્નેશભાઇ મોડા નિકળ્યા
હતા એટલે અમે 8 વાગ્યે શરૂઆત કરી. સેવાસી ગામ પાસે અમે પહેલો સ્ટોપ લીધો. બાકડા પર
બેઠા. ધર્મેશ તો પહેલેથી જ આવીને બેઠો હતો. અમે થોડી ઘણી વાતો કરી ત્યાં તો
જીગ્નેશભાઇનો ફોન આવી ગયો. બસ હવે તેઓ નજીક જ હતા. ત્યાં વાતમાંથી વાત નીકળી અને નિલેશકાકા
એ મને કહ્યુ કે તમે બેઠા છો તેની પાછળ વાવ છે. ઉભા થઇને જોવા ગયા અને હું વાવ
જોઇને આવાક જ થઇ ગયો. આ તો અડાલજની વાવ જેવી જ વાવ હતી. ખુબ જ સરસ નીચે ઉતરીને
જોવાનું મન થયું પરંતુ મારી યાત્રાનો આજે પહેલો દિવસ હતો અને મારે પહેલા જ દિવસે
હિંમત ખોઇ ન હોતી નાખવી. એટલે ઉપરથી જ જોઇને સંતોષ માની લીધો અને બાજુમાં ઉભેલા
કાકાએ કહ્યુ કે આ વાવમાં 40 વર્ષ પછી આટલું પાણી આવ્યુ છે. એટલામાં હવે બીજી ત્રણ
વ્યક્તિ આવી ચુકી હતી અને અમને આગળ ચા પીવા માટે બોલાવતા હતા. લાલાભાઇને કોઇ સગા
ત્યાં હતા અને અમને યાત્રામાં સૌથી પહેલી સેવા આપી. અમે સૌએ ચા પીધી. અને આગળ તરફ
પ્રસ્થાન કર્યુ. મહિસાગરના કોતરોવાળા વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યાં જમણી બાજુ
એક ઝાડ જોયું અને એ ઝાડની આજુ બાજુ સરસ ચણતર કરીને ઓટલો બનાવેલો હતો અને એક પાણીનો
મોટો જગ મુકેલો હતો. ત્યાં જઇને બેઠા. જગમાંથી ઠંડુ પાણી પીધુ. શરીરને ખરેખર સારું
લાગ્યુ. થોડો આરામ જરૂરી હતો. જીગ્નેશભાઇ સાચું બોલ્યા હતા કે એકલા જ બધુ નહી
લેતું જવાનું લોકોને આપતું પણ જવાનું. ઓટલો બનાવવા વાળાને પણ થોડું પુણ્ય મળવું
જોઇએ. સાચી વાત હતી. એમાં પણ જ્યારે મારા જેવા જે પહેલી વખત જ પ્રયાણ કરતા હોય એને
તો ઝાડની નીચે ઠંડક અને ઠંડુ પાણી હાશકારો આપે એમાં વળી કઇ શંકા ? વાતોમાં ને
વાતોમાં અમે કાલુભાઇનો મોબાઇલ જોયો. મજા
આવી ગઇ. થોડી થોડી વાતો કરતા કરતા નિકટતા વધતી જતી હતી. કારણકે હું તો માત્ર
નિલેષકાકા સિવાય કોઇને ઓળખતો ન હતો એમ કહી શકાય. પરંતુ હું પણ સુરેશ દલાલની જેમ જ
કહી શકુ કે મારી કુંડલીમાં ઇશ્વરે મિત્રોનું ખાનું મજબુત રાખ્યું છે. કારણ કે આગળ
ચાલતા ગયા અને મિત્રતાના તાંતણા વધુ મજબુત થતા ગયા. થોડા સમય પછી ઉભા થયા. અને અમે ફરીથી ચાલવાનું શરૂ કર્યું.
ઉમેટા બ્રીઝ પાર કર્યો ત્યારે અહેસાસ થયો કે ગામ પાસે બનાવેલો નવો બ્રીઝ અને નદી
પરનો બ્રીઝ પાર કરતા તો ખુબ જ થાક લાગી ગયો. ત્યાં જઇને અમે થોડા, અરે થોડા નહી પેટ ભરીને ભજીયા ખાધા. થોડા સમય
પછી અમે ચાલવાનું શરૂ કર્યુ અને આંકલાવ તરફ વણાંક લીધો. 9 કિમી ચાલ્યા પછી ખબર પડી
કે રૂટીનની બહાર જઇને ચાલવું કેટલું અઘરૂ છે બધા મને કહી રહ્યા હતા કે આજનો દિવસ ચાલીને
સૂર્ય મંદિર પહોંચી ગયો એટલે તું સાળંગપુર પહોંચી જઇશ. અમે આવી જ રીતે વાતોમાં ને
વાતોમાં આગળ ચાલ્યા કરતા હતા ત્યાં આંકલાવ આવી ગયું. આંકલાવ આવા પડયાત્રીઓ માટે એક
કુટીર જેવું બનાવેલું છે ત્યાં જઇને આરામ કરવા લાગ્યા અને સાડા 3 ની આસપાસ જગ્યા
સંભાળનાર સજ્જન આવી ચુકયા અને અમારા માટે ચા મંગાવવામાં આવી. ચા ની સાથે સાથે
બિસ્કિટ અને સેવનું પેકેટ આપવામાં આવ્યું. ત્યાંથી અમે બોરસદ જવા માટે પ્રયાણ શરૂ
કર્યુ. બોરસદ પહોંચતા પહોંચતા તો જોરદાર થાક વર્તાવવા લાગ્યો ચાલ પણ બદલાઇ ગઇ અને
થાક કોને કહેવાય તે ખબર પડી. કાલુભાઇને ફોલ્લા પડ્યા હોવા છતાં ચાલ્યે જ રાખતા
હતા. ખરીઓમાંથી તમાકુની સુગંધ નાકમાં આવતી હતી. ચાલતા ચાલતા સાંજ પડી હતી. બીજા
બધા આગળ હતા હું અને નિલેશકાકા જ પાછળ હતા મને થાક લાગતો હતો. થોડી થોડી વારે
બેસવું પડતું હતું. અંધારૂ થઇ ચૂક્યુ હતું અને ભૂખ પણ લાગી હતી. હોટલ ફિક્સ હતી.
તેઓ દર વર્ષે ત્યાં જમતા હતા. જમવા માટે એકાદ કિમી જેટલું ચાલવાનું હતું તે અઘરૂ
હતું. છતાં પહોંચવામાં કંઇ ખાસ વાંઘો પડ્યો નહી. બુટ કાઢીને પગ લંબાવીને જમવા બેઠો.
પાછા અમારા આજના પડાવ સૂર્ય મંદિર પર પહોંચ્યા. અને જોયું તો આ છેલ્લા કિમી
ચાલવામાં મારા પગમાં ફોલ્લો પડી ગયો હતો. ધર્મેશે મને બેંડેડ બાંધી આપી. રાત્રે
પર્શનલ રૂમ લેવામાં થોડી રકજક કરવી પડી પણ કંઇ ખાસ વાંધો આવ્યો નહી. રૂમ મળી ગઇ
સૂવાની તૈયારીઓ થઇ ગઇ. બીજા દિવસની સવારે 6 વાગ્યે બધા ઉઠી ગયા. વાતાવરણમાં જોરદાર
ઠંડક હતી. મંદિરની બહાર નીકળીને થોડું ચાલ્યા ત્યાં તો બાપા સીતારામ લખેલી લારી
આવી ગઇ અને એક કાકાએ બાપા સીતારામ કહીને આવકાર આપ્યો અને અમને બધાને ચા પીવા આપી.
નિલેશકાકાએ થેપલાનું બોક્સ ખોલ્યું અને બધાએ પેટ ભરીને નાસ્તો કર્યો. ચા પિવડાવવા
વાળા કાકાને અમે અમારા રૂમની ચાવી આપી અને કહ્યુ કે અમારા મિત્રો આવશે તેને આ ચાવી
આપી દેજો. કારણ કે અમારો સામાન પાછળ આવવા વાળા લઇને આવવાના હતા. સવાર સવારમાં
ચાલવાની શરૂઆત તો સારી હતી. આજે ચપ્પલ પહેરીને ચાલતો હતો. પરંતુ જોઇએ એવી મજા આવતી
ન હતી. ચાલતા ચાલતા મારી નજર જીગ્નેશભાઇના હાથ પર પડી અને મેં પુછ્યુ આ શું ? માળા
કરતી વખતે ગણતરી કરવામાં ભૂલ ન પડે એ માટેનું યંત્ર. બસ આ તો લેવું જ પડે. અને
ચાલતા ચાલતા બોચાસણ તો પહોંચાયું પરંતુ વચ્ચે 3 થી 4 સ્ટોપ લેવા પડ્યા હતા. બોચાસણ
સ્વામીનારાયણ મંદિરમાં દર્શન કર્યા અને ત્યાંથી જપ માટેનું યંત્ર લીધું. અને
બપોરના લગભગ 11 વાગ્યા હતા. માત્ર 4 કિમી દુર ધર્મજ પહોંચતા તો થાકી જવાયુ. ત્યાં
જઇને દર્શન કરીને પ્રસાદી લીધી. જમીને જાતે થાળી વાટકો ધોઇને એના સ્ટેંડ પર
ગોઠવ્યો. આવું કામ તો આપણે પહેલી વખત કર્યું. પછી ઉપર જઇને આરામ શરૂ કરી દીધો. 2
કલાકના આરામ બાદ અમે સૌ નીચે ઉતર્યા અને ત્યાં તો પાછળ આવવા વાળા મિત્રો અને
ટેમ્પો સામાન સાથે આવી ચુક્યો હતો. તારાપુર તરફ ચાલવાનું શરૂ કરી દીધું અને ચાલતા
ચાલતા સુરજને આથમતો પણ જોઇ લીધો. અંધારુ થવા આવ્યુ હતુ. શરીરમાં થાક વર્તાતો હતો.
હાથમાં પાણીની બોટલ હતી પણ ખાલી હતી. શરીર સંપુર્ણ પાણી મય હતું છતાં તારાપુર
માત્ર 2 કિમી દુર હતું ત્યાં શરીર ખુબ જ થાકેલું જણાયું સર્વોતમ હોટલ આવી ત્યાં
ઉભા રહીને પાણી પીધુ અને પછી છાશના બબ્બે ગ્લાસ પી લીધા. થોડી તાકાત આવી હોય એવું
લાગ્યું અને મહા પરાણે તારાપુર જલારામ મંદિર પર પહોંચ્યા. કાલુભાઇ તો હદ જ કરી
દેતા હતાં. ફોલ્લા પડ્યા હોવા છતાં ચાલ્યે જ રાખતા હતા. આખી સફરમાં હંમેશા મારી
આગળ જ ચાલ્યા છે. પહોંચ્યા પછી ખબર પડી કે આજે પણ ડાબા પગમાં એક નાનકડો ફોલ્લો મને
પડી ગયો હતો. પાછળથી આવેલ મિત્રો પણ અમારા કરતા પહેલા પહોંચી ગયા હતા. એમાં પાછા
એક તો 70 વર્ષના કાંતિકાકા પણ હતા. રંગ છે એમને ભાઇ ! મંદિરના દરવાજા તો બંધ હતા
પરંતુ સામે હનુમાનજીનું મંદિર હતું ત્યાં જઇને અમે દર્શન કર્યા અને પછી જમવા બેઠા.
જમીને સીધા જ સુઇ ગયા. આ આખા દિવસમાં નિલેશકાકા મારી સાથે જ ચાલવામાં રહ્યા અને આજ
ના દિવસના final destination પર પહોંચાડી દીધો . છેલ્લા 2 કિમી
દરમ્યાન નિલેશકાકા અને જીગ્નેશભાઇ સાથે ન હોત તો મારી તો આવી જ બનત. આવા વિચારોમાં
ને વિચારમાં ક્યાં ઉંઘ આવી ગઇ એની પણ ખબર પડી નહી અને સવાર પડી ત્યાં તો સવારના 6
વાગી ચુક્યા હતા. નિલેશકાકા અને લાલાભાઇ ઉઠીને લાકડા નાખીને ફાયર ટાવરમાં પાણી ગરમ
કરતા હતા. મને આ બધી ખબર હતી પણ ઉઠવાની હિંમત થાતી ન હતી. સવારમાં ગરમ પાણીથી નાહી
ને ચાલવાનું શરૂ કર્યુ અને થોડા આગળ જઇને ચા નાસ્તો કર્યા. સૂરજ ઉપર ચઢી રહ્યો
હતો. ચાલતા ચાલતા 14 કિમી સુધી ચાલ્યા બાદ બાપા સીતારામની મઢુલી આવી અને અમારો પડાવ
આવ્યો બધા બાકડા પર બેસીને વાતો કરતા હતા. હું બાજુમાં બનાવેલી ઓસરીમાં ગોદડુ
પાથરીને સુઇ જ ગયો. શરીરને થોડો આરામ આપ્યો અને પછી મોટર ચાલુ કરીને પગ પર પાણી
નાખીને પગને આરામ આપ્યો. પાછા અમારા મુખ્ય ધ્યેય પર જવા માટે આગળ નીકળ્યા. બપોર
પડી ચુકી હતી. આગળ જતા એક હોટલ આવી ત્યાં અમારા કરતા પહેલા બધા આવીને બેઠા જ હતા
ચા પીતા હતાં. અમારી પણ ચા મંગાવવામાં આવી. અને નિલેશકાકાની વાત માનીને બધા કરતા
વહેલા ચાલવાનું શરૂ કરી દીધું હું 3 કે 4 કિમી સુધી ચાલીને ખુબજ થાકી જતો હતો અને
પછી 10 -15 મિનિટનો આરામ લેવો પડતો હતો. બપોરના પોણા બે થયા હશે. છતા જોરદાર લાગતા
તાપમાં પણ અમે આગળ નીકળી પડ્યા. કારણ કે મારે તો થોડુ ચાલીને બેસવાનું જ હતું.
દૂરથી CNG પંપ દેખાતો હતો. હવે અંદાજ આવી શકતો હતો કે એ પંપ સુધી
પહોંચવા માટે 3 કિમી ઉપર ચાલવાનું છે અને કલાક જેવો સમય લાગશે. પંપ સુધી તો ચલાયું
અને છતાં હિંમત હતી એટલે સામે આગળ દેખાતા બીજા પેટ્રોલ પંપ સુધી ચાલવાનું રાખ્યું
અને ત્યાં પહોંચીને બાકડા પડેલા જોઇને ખુશ
થઇ ગયો અને સીધો લાંબો જ થઇ ગયો. થોડો વખત આરામ કર્યા પછી પાછા ચાલવા લાગ્યા અને ટોલટેક્ષ
વટાવીને બીજા પેટ્રોલપંપ પર આરામ કરવા બેઠો. પાછા ચાલવાનું શરૂ કર્યુ અને વટામણ
ચોકડી પર પહોંચીને આશિર્વાદ હોટલમાં પહોંચીને જઇને છાશ પીધી. અને આગળ ચાલીને વટામણ
ચોકડી પર જઇને સંપ પર જઇને હાથ પગ ધોયા અને
આરામ કરવા બેઠો ત્યાં તો પાછળથી ચાલવાવાળા પણ આવી પહોંચ્યા. માત્ર અડધો
કલાકનો આરામ કરીને અમે નાની બોરૂ ગામ જે લગભગ 12 કિમી દુર હતું તે તરફ ચાલવાનું
શરૂ કરી દિધું. સાંજના 5 વાગી ચુક્યા હતાં. સૂરજ આથમતો જતો હતો. અમે
નાના બોરૂ તરફ ચાલવાનું શરૂ કરી દિધું. 3 – 4 કિમી ચાલ્યા
હશું ત્યાં બુટ ભવાની માતાનું મંદિર આવ્યું. 15 મિનિટ જેટલો આરામ કર્યો અને
ત્યાંથી આગળ ચાલ્યા. સૂરજ લગભગ આથમી ચૂકયો હતો છતાં તેના છેલ્લા કિરણો આ સૃષ્ટિને
તેજપુંજથી પ્રકાશી રહ્યા હતાં. ધીરે ધીરે અંધારૂ વધતું જતું હતું. અંધારામાં હાઇવે
પર મોટા વ્હિકલ અને રસ્તામાં બાજુ પર ઉગેલા બાવળોથી બચીને ચાલવું એ હકિકત અને ઘરમાં બેસીને કોઇકને કહેવું કે સાંજે ઠંડા પોરમાં
ચાલવું એ બે બાબતોમાં ઘણો ફર્ક છે એ અત્યારે હું મહેસુસ કરી રહ્યો હતો. મારા માટે
કાલુભાઇ એ એક રોલ મોડલ હતા. પગમાં ફોલ્લા હતાં છતાં ચાલ્યે જ રાખતા હતાં. મારે અને
એમને બેસીને ઉભા થઇએ ત્યારે સૌથી વધારે થોડું ચાલવામાં તકલીફ પડતી. 5 -7 મિનિટ તો
માંડ માંડ ચાલતા હોઇએ એવું જ લાગે. અને પછી પગ રૂપી અમારું ઍંજિન ગરમી પકડતું અને
ચાલ્યે રાખતા. લગભગ સાડા સાતની આસપાસ અમે થાકીને અમારા પડાવ પર પહોંચ્યા. આજના
દિવસમાં જાણેલી સૌથી મોટી હકિકત એ હતી કે રસ્તા પર કે પછી ચોરે ને ચૌટે મુકેલા
બાકડા થાકેલા વટેમાર્ગુઓ માટે કે પછી મારા જેવા પદયાત્રીઓ માટે કેવડી મોટી ગરજ
સારે છે. ખરેખર મોઢામાંથી દુવાઓ નિકળી જાય ! મારા માટે આજના દિવસને 100 % સફળ
બનાવવાનો શ્રેય માત્ર ને માત્ર નિલેષકાકાને જ દેવો પડે. રાત્રે અમે સૂવા બેઠા અને
મને માસ્તર કહીને બધાએ ઉભો કર્યો અને મારી પાસેથી ડાયરો સાંભળ્યો. થોડીવાર થોડો
સત્સંગ કર્યો અને પછી સૂતા. આજની અમારી રાત નાના બોરૂ ગામની પહેલા આવેલી એક નાનકડી
બાપાસીતારામની મઢુલીમાં હતી. આજે હું મઢુલીનો મતલબ પણ જાણી ચુક્યો હતો. કેટલાય
ગામોમાં આવી મઢુલીઓ જોઇ હતી. પણ આજે આ મઢુલીઓ બનાવવાનું પ્રયોજન સમજાતું હતુ અને
અનાયેશ જ શાંતિથી મનોમન જય બાપાસીતારામ એમ
બોલી લેવાતું હતું.
આજે
ચોથા દિવસની સવાર હતી. હજુ પાંચ વાગવાને દશેક મિનિટની વાર હતી. અમારી સફર શરૂ થઇ
ચૂકી હતી. સવાર સવારમાં ચાલીને બને એટલું વધારે અંતર કાપી નાખવું હતું. લગભગ સાડા
નવની આસપાસ અમે પીપળીથી ત્રણેક કિમી દુર હતા. સવારના ચાલ્યે રાખતા હતા. લગભગ 16
કિમી જેટલું અંતર કાપ્યુ હશે અને માત્ર અડધો કિમી દુર હોટ્લ દેખાતી હોવા છતાં હું ચાલી
શકવા સક્ષમ ન હતો. ખૂબ જ ભૂખ લાગી હતી. નિલેશકાકાએ મમરાનો ડબ્બો કાઢયો અને રસ્તા
પર બેસીને મેં, નિલેશકાકાએ અને ધર્મેશે ખાધા. અને પછી હોટલ પર પહોંચ્યા ત્યાં જઇને
જોયું તો જીગ્નેશભાઇ, કાલુભાઇ અને લાલાભાઇ નાસ્તો પતાવી ચુક્યા હતા. અમે પહોંચીને
નાસ્તો કર્યો અને ચા પીધી. અને ચા પણ એક કપ નહી બે કપ ક્યાં જતાં રહે છે એ પણ ખબર
પડતી ન હતી. અમારી સાથે સાથે જ હોટલ પર ટેમ્પો આવી પહોંચ્યો હતો. કાંતિકાકાએ મને
કહ્યુ કે તમે ખરેખર સારું ચાલી શકો છો ત્યારે મને મનોમન થયું કે કાકા ખરેખર સાચું
કહી રહ્યા છે કારણ કે રૂટીન લાઇફમાં પણ ચાલીને ઘરેથી નિકળવું એ મારા માટે ખુબ જ
અધરી વાત કહેવાય. બસ થોડી ઘણી વાતો કરી અને હું ધીરે ધીરે ચાલવાની શરૂઆત કરી ચુકયો
હતો. માત્ર 2 – 3 કિમી જેટલું અંતર કાપીને આગળ ભેગા થવાનું હતું. હું
એકલો ચાલી રહ્યો હતો અને મનોમન એ જ વિચારતો હતો કે જીંદગીની એક પરીક્ષા કે જેમાં
સગવડો ન હોય તો પણ જીવી શકાય એવી પરીસ્થિતીમાં હું મને જ પાસ થતો જોઇ રહ્યો હતો.
મારો જીંદગી પ્રત્યેનો આ એક અનેરો અનુભવ હું કયારેય નહી ભુલી શકું. બસ આવું જ કંઇક
વિચાર કરતો કરતો ચાલતો હતો ત્યાં તો ફેદ્રા તરફ જવાની ચોકડી આવી અને અમે એ તરફ ન
ગયા અને સીધા જ ચાલ્યે રાખ્યું. આગળ જતા જમણી તરફ એક રસ્તો વલીંન્દા ગામ તરફ જતો
હતો. એ તરફ અમે વણાંક લીધો અને ત્યાં રસ્તા પર જ બાપા સીતારામની મઢુલી હતી. ત્યાં એક
સાધુ બેઠા હતાં. એમના બન્ને પગમાં પોલીયો હતો. કાલુભાઇ અને લાલાભાઇએ તો એમની સાથે
સત્સંગ શરૂ કરી દીધો. લાલાભાઇએ તો એમને પુછી પણ લીધુ કે એમના ગુરૂ કોણ છે. અને જવબ
મળ્યો કે લાલગીરી. ગીરના અખાડામાંથી આવેલ એ સાધુને હું બેફિકરાઇથી ગાંજો કાઢતા જોઇ
જ રહ્યો અને લાલાભાઇએ એ ગાંજાને મસળી પણ આપ્યો. થોડા ઘણા યોગાસનોની વાતો કરી અને
અમે ગામ તરફ ચાલવા લાગ્યા. લગભગ એકાદ કિમી જેટલું ચાલ્યા હોઇશું અને ગામ આવી ગયું.
પછી તો અમે ખેતરોની વચ્ચેથી ચાલવા લાગ્યા. મારી જીંદગીનો આ એક નવો જ અનુભવ હતો.
હવે તો થાક્યા હોવા છતા ચાલવાનું જ મન થાય એવી જગ્યા હતી. રસ્તો પણ ખેતરમાં જવા
માટે ટ્રેકટરે કર્યો હોય તે જ ! બાકી આજુબાજુ તો માત્રને માત્ર ખેતરો સિવાય કશું
જ ન હતું. દુર કોઇ ગામનો ટાવર કે પાણીની ટાંકી દેખાય બસ એ જ અમારે માટે નિશાની બાકી તો ચાલ્યે
રાખો. આંખોથી દેખાતો ટાવર કેટલો નજીક લાગે
એ જ્યારે ચાલીને ત્યાં પહોંચીયે ત્યારે જ અનુભવ થાય. બસ વલીંન્દા પછી લગભગ દોઢ કલાક જેવું ચાલ્યા
હોઇશું અને અમે પહોંચ્યા સેલા ગામમાં ત્યાં તળાવની બાજુમાં જ એક રસ્તો જતો હતો અને
એ રસ્તાની જમણી બાજુ એ એક નાનકડું મંદિર હતું મંદિરમાં પ્રવેસ્તાની સાથે જ મેં તો
લંબાવી દીધું. આટલું ચાલ્યા પછી મંદિરો મને વિસામાના સ્થળ જેવા લાગતા હતાં.
બાજુમાં જ જે ઘર હ્તું તે ઘરમાંથી અમે પાણી પીધુ અને એ ઘરના વડિલ સાથે જે લગભગ 75
-80 વર્ષના હશે એમની સાથે થોડો સત્સંગ કર્યો. અને પાછા ઉપડી પડ્યા આગળના ગામ તરફ.
હવે દુરથી અમને ટાવરની સાથે સાથે મસ્ઝિદ પણ દેખાતી હતી. ત્યાં પહોંચવામાં પણ હ્જુ
ઘણુ અંતર કાપવાનું હતું. તાપ માથા પર હતો. ખેતરોના રસ્તાઓ હતા. અને લગભગ ભાળિયાદ
બે. કિમી દુર હશે ત્યાં તો ખુબ જ તરસ લાગી
પણ તેનો કોઇ વિકલ્પ ન હતો. અમારી પાસે પાણી પતી ગયુ હતું. માંડ માંડ ત્યાં હું
પહોંચ્યો અને પછી તો 6 -7 ગ્લાસ લીંબુ સરબતના પી ગયો. શરીરમાં સ્ફુર્તિ આવી હોય
એવું લાગ્યું. અને પછી તો ભાળિયાદમાં જે ગરમ પાણીનો ફોર્સ વહે છે એમાં સમગ્ર
શરીરને ધમરોળ્યું. 10 ફુટ ઉપર પાણીની પાઇપ મુકેલી છે અને એમાંથી ઘરના ગીઝરમાંથી
આવતું હોય એવું ગરમા-ગરમ પાણી આવે.... અરે યાર મજા જ પડી ગઇ. અડધો કલાક સુધી
નાહ્યા જ કર્યુ. હવે કકડીને ભુખ લાગી હતી. બેસીને ફુલ નાસ્તો કર્યો. થોડો વખત આરામ
કરીને પાછી ચાલતી પકડી. હવે અમારો રસ્તો હતો ગોરાસુ ગામ તરફનો. બપોરનો સમય હતો અને
ગામ 4 કિમી દુર હતું. રસ્તામાં બે સ્ટોપ લઇને હું ગોરાસુ પહોંચી ગયો. આશ્રમ સરસ
હતો. ત્યાં અમને ચા પીવડાવી. થોડા સમયનો આરામ લઇને અમે પાછા ચાલતા નીકળી પડયા કારણ
કે રસ્તો કંઇક એવો હતો કે સાંજ પડે એ પહેલા અમારે પહોંચી જવું પડે તેવું હતું.
લગભગ દોઢેક કિમી ચાલ્યો હોઇશુ અને દુરથી ફુલ સ્પિડમાં દોડીને જતા રોઝડાને જોયું.
મજા આવી ગઇ. હજુ કશુક જોવા મળશે એ આશામાં ત્યાં જ જગ્યા પર બેસી ગયો. થોડીવારમાં
નિલેશકાકા અને જીગ્નેશભાઇ આવી પહોંચ્યા. એમની સાથે આગળ ચાલવા લાગ્યા. આગળ ચાલતા
ચાલતા એવી તો જમીન આવી કે ત્યાં પગ મુકવામાં પણ તકલીફ પડતી હતી. આજ સુધી માત્ર
ટીવીમાં જોયેલી અને ફોટામાં જોયેલી દુષ્કાળથી પંખાયગયેલી મોટા ને મોટા ચીરા પડી
ગયેલી અને પાણી ઝંખતી એ જમીન પર સાચવીને પગ મુકીને અમે ચાલી રહ્યા હતા. આજુ બાજુ
માત્રને માત્ર બાવળ ઉગેલા હતા. આ બધામાંથી રસ્તો કરીને નિકળવાનું હતું. જમીન પર
બધે માત્રને માત્ર ખારો ક્ષાર દેખાતો હતો. આથમતા સૂર્યને જોતા હતા અને વિજ્ઞાનની
વાતો કરતા કરતા આગળ વધતા હતા. અંધારૂ થઇ ચુક્યુ હતું અને અમે ગામના પાદરમાં આવી
ચુક્યા હતા. બાપાસીતારામની મઢુલી આવી ચુકી હતી. અમારા કરતા વહેલા આવીને જીગાભાઇ
અને નરેન્દ્રભાઇ રસોઇના કામકાજમાં પણ લાગી ગયા હતા. રસોઇ કરતા થોડી વાર લાગી કારણ
કે ગામમાં પાણીની તકલીફ હતી. એટલે ગામ વાળા પાણીની સગવડ કરતા હતાં. હું આવ્યો
ત્યારનો જોઇ રહ્યો હતો કે ગામવાળા સતત દોડા દોડી કરી રહ્યા હતા. છ્કડામાં અમરા
માટે પાણી પહોંચતું કર્યુ. રાત્રે જમવા બેઠા ત્યારે અમારા માટે રોટલા ઘડીને લઇ
આવ્યા. જમવા બેઠા આજે જમવાની ખરેખર મજા આવી ગઇ. જમીને સૂઇ ગયા. આજે જીગાભાઇએ પગને
માલીશ કરી આપ્યો. એ તો કાલે પણ કરી આપવાના હતા. પરંતુ મેં ના પાડી હતી. મજા આવી
ગઇ. થાક તો એટલો બધો હતો કે ઉંધ ક્યારે
આવી ગઇ એ પણ ખબર ન પડી. સવારના 6 વાગ્યાની આસપાસ બધાએ ઉઠવાની શરૂઆત કરી હતી. લગભગ
સાત વાગ્યાની આસપાસ ચા આવી હતી. ચા ગામ વાળાએ બનાવીને મોકલી હતી. આજ સુધી બધે
ગામના લોકોની સેવાઓ વિશે માત્ર સાંભળ્યું જ હતુ. આજે તો તેનો અનુભવ જ થઇ ગયો.
સવા
સાતની આસપાસ અમે નાવડા તરફ પ્રસ્થાન કર્યુ. નાવડા લગભગ 14 કિમી જેટલું દુર હતું
અને રસ્તામાં ખેતરો સિવાય કશુ જ આવવાનું ન હતું. ગામમાંથી એક છોકરો અમને થોડે સુધી
રસ્તો બતાવવા આવ્યો હતો. બે ત્રણ કિમી પછી એ પાછો ફર્યો. અમે આગળ ચાલ્યા. રસ્તામાં
પડતર જમીનમાં ઉંચા ઘાંસ ઉગેલા જોયા અને મનમાં સવાના ના ઘાસના પ્રદેશો યાદ આવી ગયા.
બસ આમ જ અંતર કાપ્યે જતા હતા. રસ્તામાં ખેતરો માટે પાણી ખેચવા માટે પાઇપો સતત પસાર
થતી જોવા મળતી હતી. જાણે માનવના શરીરની શિરા
અને ધમનીઓ ખેતર રૂપી જમીન પર ફેલાયેલી પડી હોય એવું લાગે. ચાલતા ચાલતા અમે કેનાલ સુધી
પહોંચ્યા. કેનાલમાં ઘણુ પાણી હતું. આજુ બાજુ બધે પંપ જ ગોઠવેલા હતા. એવી કેનાલનો
એક ઉંચાણ વાળો અને પ્લાસ્ટર કરેલો ભાગ આવ્યો જ્યાંથી અમારે કેનાલ ક્રોસ કરવાની
હતી. ત્યાંથે અમે ક્રોસ કરી અને હાથ પગ ધોયા અને પાણી પીધુ. બસ અત્યારે મગજમાં એક
જ વિચાર આવતો હતો કે આજે પાંચમો દિવસ છે રોજ RO નું પાણી પીવા
વાળો અજીત સતત જ્યાં જેવું પાણી મળે એ પી લે છે છતાં કશું જ થાતુ નથી. અત્યારે તો
હું લીટરલી ડોહોળાયેલું કેનાલનું પાણી પી રહ્યો છું. ત્યારે મને કાલુભાઇએ કહ્યુ એમ
જ લાગે છે કે એ તો દાદા સામેથી બોલાવે છે કે તું આવી જા અને તારા પાપ ધોઇ જા....
ખરેખર
ક્યારેય થોડુ પણ ન ચાલવા વાળો અજીત એકા એક 5 દિવસમાં 200 કિમી જેટલું ચાલી નાખે તે
નવાઇ જ કહેવાય. બસ આવી જ રીતે વાતો કરતા કરતા ક્યાં નાવડા આવી ગયું તે ખબર પણ પડી
નહી. નાવડા પહોંચીને ફ્રેશ થઇને બટેકા પૌંઆ ખાધા. પેટ ફુલ હતું. થોડો આરામ કરીને
સૌ નીકડી પડયા. આજના દિવસમાં હવે મારી કેપેસીટી માંડ ત્રણ ચાર કિમી જેટલું જ
ચાલવાની હતી. પછી તો બાકડો ગોતીને સૂઇ જવાનું જ મન થાતું હતું. 4 કિમી જેટલું
ચાલ્યા બાદ એક હનુમાનજીનું મંદિર આવ્યુ. ત્યાં થોડીવાર માટે આરામ કરવા બેઠા અને
ત્યાંથી અમે ચા પીધી. ફરીથી ચાલવાનું શરૂ કર્યુ અને ફટાફટ ચાલીને બરવાડા પહોંચ્યા
ત્યાંથી અમે બરવાડાની મેઇન બજારમાં થઇને ઉતાવડી નદી પાર કરીને સાળંગપુર જવાના મેઇન
રોડ પર આવી ગયા અને ત્યાં બનાવેલી બાપા સીતારામની મઢુલી પર જઇને બેઠા. જીગ્નેશભાઇએ
બધા માટે આઇસક્રિમ અને કોન મંગાવ્યા હતાં. બધાએ ખાધા અને સૌથી પહેલા મેં ચાલવાનું
શરૂ કર્યુ અને ખબર નહી પણ એક સ્પિડમાં ચાલીને કુંડળ પહોંચી ગયો. ત્યાંથી પછી શનિ
દેવના મંદિરે દર્શન કર્યા અને પાછા ચાલવા લાગ્યા. રસ્તા પર એક ખરાબ રસ્તા વાળો
ઢોળાવ આવ્યો અને પગના સ્નાયુઓ ત્યાં થોડા તંગ થયા અને ચાલવામાં મુશ્કેલી પડવા લગી.
આગળ બાકડો જોઇને ત્યાં જ સૂઇ ગયો. ત્યાંથી
રસ્તા પર એક કાકાનું ઘર આવ્યું ત્યાં થોડો સત્સંગ કર્યો અને સૂરજ ડૂબવાની તૈયારી
હતી. ત્યાં કાકાની ઘરે ચા પી ને અમે આગળ વધ્યા. અને પછી એકા એક ઘટી ગયેલી સ્પિડે લગભગ
સાડા સાતે સાળંગપુર પહોંચ્યો. મેં અને
નિલેશકાકાએ સરસ દર્શન કર્યા. આજે પુનમના
દિવસે હનુમાનદાદાના દર્શન કરીને ધન્ય થઇ ગયો. એમાં પાછી આજે દત્ત જંયતિ હતી. બસ
હનુમાનદાદાએ ચાલતા મને સાંળગપુર પહોંચાડી દીધો એ જ એક અજાયબ લાગે એવી વાત હતી.
અત્યારે મારી પાસે કોઇ શબ્દો બોલવા માટે ન હતા. એક અનેરી ધન્યતાનો અનુભવ કરી રહ્યો
હતો. નિરવ શાંતિમાં મંદિરના પટાંગણમાં હનુમાનદાદાની સામે હું નતમસ્તકે ઉભો હતો અને
એમની મૂર્તિમંત રૂપમાં હયાતીને શોધતો દર્શનનું પાન કરતો રહ્યો. બસ આજે ખરેખર મજા જ
આવી ગઇ. આવા સરસ દર્શન કરવા માટે જ દાદાએ મને મોડો પહોંચાડ્યો હશે એ વાત વિચારતો
વિચારતો હું સ્વામીનારાયણ મંદિરના પગથિયા ચઢતો હતો અને ત્યાં જઇને દર્શન કર્યા અને
પછી ભોજનાલયમાં જઇને પ્રસાદી લીધી. પછી
રૂમ પર પહોંચ્યા. બસ હવે સૂવાનું જ હતું અને સવારે ઉઠીને હનુમાનજીની મંગલા આરતીના
દર્શન કરવાના હતા. બસ હવે સૂવા સિવાય કોઇ કામ હતુ નહી.
સવારના
લગભગ 4 વાગ્યાના નિલેશકાકા ઉઠી ગયા હતા અને બધા માટે નાહ્વાનું ગરમ પાણી કાકાએ જ
લાવી આપ્યું. દાદાના દર્શન કરવા લાઇનમાં ઉભા રહી ગયા. ત્યાં સરસ આરતી કરી અને
શાંતિથી હનુમાનદાદાની આરાધના કરી. પ્રસાદ લીધો અને પછી સ્વામીનારાયણ મંદિરમાં પણ
દર્શન કર્યા અને પછી અમે વડોદરા તરફ આવવા માટેની તૈયારીઓ શરૂ કરી. બસ લગભગ સવા
ત્રણે પંચવટી ઉભી રહી. કંજ અને રાજશ્રી મને લેવા આવ્યા હતા. મેં ઘર તરફ પ્રયાણ
કર્યુ અને મારી પદયાત્રાનો એક સુખદ અંત હતો. પરંતુ આ પાંચ દિવસ મારી જીંદગીમાં સુવર્ણ
અક્ષરે કાયમ માટે કંડારાયેલા રહેશે. બધા યેનકેન પ્રકારેણ એકબીજાને મદદરૂપ થયેલા જ
હતા. કદાચ બધામાં સૌથી નાનો હું જ હતો એટલે આખા સંઘને મારી યાત્રા સફળ કરાવવા બદલ Thanks…
સાચુ કહું તો નિલેશકાકા વિના મારે સાળંગપુર પહોંચવું એ
માત્ર એક વિચાર જ બની શકે, હકિકત નહી. નિલેશકાકાને ખરેખર દિલથી special thanks. મને જીગ્નેશભાઇ અને લાલાભાઇના મોઢે પહેલા દિવસે બોલાયેલા શબ્દો સતત યાદ આવી
જાય છે હવે તો પાંચ દિવસ સાધુ જેવું જીવન જીવવાનું. ગમે તે હોય મારા માટે તો એ
પાંચ દિવસ એવા જ હતા. અને ખરેખર જીવના એ પાંચ દિવસ ક્યારેય નહી ભુલાય. મિત્રો આવતા
વર્ષની રાહ જોઇ રહ્યો છું હવે તો હું તૈયાર જ છું.