સોમવાર, 20 સપ્ટેમ્બર, 2010

જીવનનાં ત્રણ દશક આત્મમંથન


18 મી સપ્ટેમ્બરે જીવનના 29 વર્ષ પુરા કર્યા અને 30મા વર્ષની શરૂઆત કરી. આવનારા દશ વર્ષો ઉમરમાં સતત 3ની પાછળ કાઉન્ટીંગ કરશે. અને એક બાજુ જીવનના 3 દશક પુરા કર્યા છે. ખબર નહી પણ લેખાજોખા જોવા મન સતત જીવનના ઇતિહાસ તરફ નજર દોડાવ્યા કરે છે. પહેલા દશકમાં તો એમ કહી શકાય કે કુટુંબીજનો નો પ્રેમ અઢળક પ્રમાણમાં મેળવી લીધો. નાની નાની બીમારીઓમાંથી પસાર થયેલ એ વર્ષોમાંથી સરળતાથી પસાર થઇ ગયા. જીવનના બીજા દશકમાં ખરેખર ખુબ જ સરસ શિક્ષકો મળ્યા અને જીવનને એક નવી દિશા અપાઇ ગઇ. જેમાં દિલિપ મહેતા પ્રથમ સ્થાને જ આવે તો જે.ડી. પટેલ ને પણ ન જ ભૂલી શકાય. હજુ પણ અસંખ્ય નામો છે. તેમની પાસેથી સતત કંઇક ને કંઇક પ્રાપ્ત થાતુ ગયું. ઘરે જ્યારે જરૂર પડે કે કોઇ પ્રશ્ર્ન સતાવતો હોય તો પપ્પાએ એ જગ્યાએ ચોક્ક્સ સંતોષ આપ્યો છે. મમ્મીએ ભરપૂર લાડ લડાવ્યા છે. આ દશકના અંતિમ વર્ષોમાં હું વાંચન તરફ વળ્યો. બસ પછી તો આ બાબતમાં પાછુ ફરીને જોયુ નથી એમ કહી શકાય. થોડા ઘણા ઉતાર ચડાવ ચોક્કસ રહ્યા છે. જીવનના ત્રીજા દશકમાં ઘણુ ઘણુ કહી શકાય એટલુ શીખી લીધું. અનેક ચડાવ ઉતારો જોયા. આ દશકમાં તો એક શિક્ષક તરીકે નાના બાળકોને આપી શકાય એટલું આપવામાં કંઇ જ બાકી રાખ્યુ નથી. આની પ્રતિતિ ખરેખર જ્યારે દર વર્ષે 18મી સપ્ટેમ્બર આવે અને મારા મોબાઇલનું ઇનબોકસ અને રીસીવ્ડ લિસ્ટ છલકાઇ ઉઠે છે ત્યારે ચોક્ક્સ થાય છે. વર્ષો જુના વિધાર્થીઓ યાદ કરતા જ રહે છે. જ્યાં ગયો છું ત્યાં એક અલગ જ ઇમ્પ્રેશન છોડતો ગયો છું. લોકોના દિલમાં સરળતાથી જગ્યા બનાવી લીધી તેનો આનંદ છે. જીવનમાં મિત્રોનો અઢળક પ્રેમ પામ્યા છીએ તો બીજી બાજુ સારી પત્ની મેળવવામાં પણ સફળ રહ્યા છીએ. કંજમાં તો હું જ મને કેટલીક વખત મોટો થાતો જોવું છું. બક્ષીએ કહ્યુ છે એમ કે શરીર પર ઘા એ પુરૂષની નિશાની છે. તેમ જાણે થોડુ બાકી રહી જાતુ હોય એમ આ દશકના છેલ્લા વર્ષમાં પણ ખુબ જ મોટા એકસીડન્ટમાંથી બચી ગયો છું છતાં કંઇ ગુમાવ્યુ હોય એવી લાગણી નથી થઇ. બે મહીના સુધી આરામ કર્યો ત્યારે મને કાન્તિ ભટ્ટના વાકયો યાદ આવી જતા કે જીવનમાં બધા જ પ્રકારનો અને બધા જ ફિલ્ડનો અનુભવ જરૂરી છે. અને કદાચ દિલીપ સરે કહ્યુ એમ કે આ પણ ગૉડ બ્લેસિંગસ જ હશે. અને મને 100 % એવું જ લાગ્યુ છે. રોજ એક્સરસાઇઝ કરાવવા માટે સાંઇ ઑમ કલિનિકમાં જાવું છું. અને ડો. મિતેશ પણ મિત્ર જ બની ગયા અને આગળ કહ્યુ છે એમ મિત્રો પાસેથી અઢળક પ્રેમ પામ્યો છું. ત્યાં ગયા પછી ખબર પડે કે ફિઝિયોથેરાપિસ્ટો તો ખરેખર સાચા સેવકો છે ત્યાં ગયા પછી ખબર પડે કે હું તો ઘણી સારી પરીસ્થિતિમાં છું. બીજાને જોઇને ખરેખર દયા જ આવી જાય. ખબર નહી પરંતુ મને વાતો કરવાની અને લોકોને માપી લેવાની એક ટેવ છે તેમાંથી ડૉ. ખરેખર બધી જ રીતે આગળ જશે એવી પ્રતિતિ મને થઇ ગઇ. કારણ કે જે માણસ પરમહંસ યોગાનંદને વાંચીને બેઠો હોય તેની સાથે ઉભા રહેવામાં મજા આવે. જે હોય તે એમની સાથે મજા આવી ગઇ. તો બીજી બાજુ ભૂમિ બેન અને ક્રિષ્નાબેન પણ મારા વધારે પડતા સ્ટિફનેસ વાળા પગ પર વધારે એનર્જી વેડફતા હતા. ત્યારે ખરેખર તેમના પ્રત્યે માનની લાગણી ઉપજી આવે છે. ખુબ જ યાદ રાખ્યા બાદ પણ જ્યારે જતી વખતે તેમને Thanks કહેવાનું રહી જતુ હોય છે ત્યારે મનના એક ખૂણામાં થોડુ દર્દ થયા કરતુ હોય છે. એટલુ તો ચોક્કસ છે કે આ બધા નામ કયારેય જીવનમાં નહી ભૂલાય. જીવનનાં ત્રીજા દશકના અંતમાં એક ફિલ્ડ છોડીને બીજા ફિલ્ડમાં જઇ રહ્યો છું. એક ખુબ જ સફળ શિક્ષક તરીકેની જવાબદારીઓમાંથી નીકળીને એક બીઝનેસમેન બનવા તરફ જઇ રહ્યો છું. સફળ શિક્ષક એટલા માટે કહેવું પડે છે કે સ્કુલમાં જેટલો પ્રેમ વિધાર્થીઓ પાસેથી આજ સુધીમાં એક પણ શિક્ષક નથી પામ્યા એટલો પ્રેમ હું પામ્યો છું. મારી છેલ્લી બર્થ ડે પર સ્કુલમાં હું અલગ અલગ વર્ગમાં પિરિયડ લેવા જાઉં અને જેટલા કલાસ એટલી કેક કાપી હતી. અધુરામાં શિક્ષક મિત્રોએ પણ એટલો જ પ્રેમ આપ્યો છે. સ્ટાફરૂપમાં પણ એ જ જલસા કર્યા તો બીજી બાજુ ઉર્મી સ્કુલમાંથી જયારે વિદાય લીધી ત્યારે ગુજરાતી મિડિયમમાંથી એકમાત્ર સર હું હતો કે જેના નસીબમાં સ્ટાફ તરફથી ફેરવેલ મળી હતી. હા ચોક્ક્સ આટલો પ્રેમ પામ્યા પછી કોઇ આવું ફિલ્ડ છોડે એ નવાઇ જ કહેવાય. પરંતુ અમુક હિતેચ્છુઓની સલાહ પણ લીધી અને અનેરું વિચારમંથન પણ કર્યુ ત્યારે આ નિર્ણય લેવાયો છે. જીવનમાં ઉમરમાં 3 ની પાછળ ડિઝીટોનું કાઉન્ટિંગ કરવાવાળા વર્ષોમાં હું એક બિઝનેસમેન તરીકે પંકાવા જઇ રહ્યો છું. બસ હવે એને લાંબી રાહ પણ જોવાની નથી. 10/10/10 ના રોજ Tiles Zone એ મારી કર્મભૂમિ બનવાનું છે. . Anyway જીવનના 3 દશકમાં બધે જ ભરપૂર વરસી પડયા અને જે કંઇ વરસવાનું બાકી છે તે હવેના વર્ષોમાં બમણા જોરથી વરસી પડાશે એવું સતત લાગ્યા જ કરે છે. હું મારા વિધાર્થીઓને સતત કહેતો રહું છુ કે જીવનમાં એવું પણ બને કે તમને ન ગમતા કામ પણ કરવા પડે. અને ન ગમતા રસ્તા પર ચાલવું પણ પડે પરંતુ એ બધુ તમારે જે પ્રાપ્ત કરવાનું છે તેના માટેની એક જરૂરીયાત જ છે અથવા તમારા ધ્યેય સુધી પહોંચતા મળેલી આડપેદાશ છે એમ જ સમજવુ અને તે કામ પુરૂ પાડવું. બાકી તો સોભીત દેસાઇનો એક શેર છે.


સરવૈયુ માંડી બેઠા ત્યારે એ તથ્ય જાણ્યુ
એ જીંદગી જ ન હોતી તોય જીવાય ગઇ.